સામાન્યપણે કહેવાય છે કે કલાકાર કદી મરતો નથી કારણ, એની કલા હંમેશ જીવંત હોય છે. આજે ભલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ આર્ટ ડિરેક્ટરની સાથે ઉત્તમ પેઇન્ટર એવા કંચનલાલ નાયકનું ૮૫મા વરસે દેહાવસાન થયું હોય પણ ગુજરાતી ફિલ્મોમાં તેમની કલા હંમેશ જીવંત રહેશે.

લગભગ બસોથી વધુ ફિલ્મોમાં આર્ટ ડિરેક્શન કરી ચુકેલા કંચનલાલ નાયક માટે કહેવાય છે કે તેઓ પ્રોડ્યુસર ફ્રેન્ડલી આર્ટ ડિરેક્ટર હતા. તેમણે હંમેશ પૈસાને બદલે કલાને મહત્ત્વ આપ્યું હતું. કોઈ પણ નિર્માતાનું પૈસા માટે કામ અટકાવ્યું હોય એવું સાંભળવા મળ્યું નથી. તેમણે અનેક ભવ્ય અને વિશાળ સેટ દ્વારા ગુજરાતી ફિલ્મને ભવ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

આજે રિયલ લોકેશન પર શૂટિંગ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હોવાથી ભાગ્યેજ સેટ બની રહ્યા છે. જોકે જ્યારે સેટ વગર ફિલ્મો બનતી નહોતી ત્યારે દસમાંથી સાત ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કંચનલાલ નાયકે કર્યું હોય. એ જમાનામાં આર્ટ ડિરેક્ટર કંચનલાલ નાયકનો દબદબો હતો. જેટલું માન દિગ્દર્શક અને કલાકારોને મળતું એટલું જ કંચનલાલ નાયકને પણ મળતું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક-ગીતકાર-દિગ્દર્શક કેશવ રાઠોડે તેમની અનેક ફિલ્મોના આર્ટ ડિરેક્ટર કંચનલાલ નાયકને યાદ કરતા કહ્યું હતું કે, આ અલગારી કલાકાર અને જેમ ઑફ પર્સન જેવા મિત્ર ગુમાવ્યાનું ઘણું દુખ છે. ૧૯૮૪માં આવેલી મહિયરની ચુંદડીથી અમે સાથે કામ કરવાની શરૂઆત કરી. મેં ૨૦૦૪ સુધીમાં જેટલી ફિલ્મ બનાવી એમાં લગભગ એંસી ટકા ફિલ્મોમાં અમે સાથે કામ કર્યું. એમાંય દાદાને વ્હાલી દીકરીમાં તો કમાલના સેટ બનાવ્યા હતા.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા આર્ટ ડિરેક્ટર ચિકા ખરસાણીએ કંચનલાલ નાયકને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તેમના જેવો કામને સમર્પિત આર્ટ ડિરેક્ટર તમને જોવા નહીં મળે. જેટલા મોટાગજાના કલાકાર એટલું જ મોટું તેમનું દિલ. ડાહ્યાભાઈ કોટેચાની ફિલ્મનું આર્ટ ડિરેક્શન તેઓ કરી રહ્યા હતા. પરંતુ બીજા શિડયુલની તારીખ એવી હતી કે તેઓ ડાહ્યાભાઈને સમય આપી શકે એમ નહોતા. આથી નિર્માતાએ તેમની પરવાનગીથી બાકીનું કામ મને સોંપ્યું. કંચનભાઈએ માત્ર પરવાનગી જ નહોતી આપી પણ મેં જેટલું કામ કર્યું હતું એનો પુરસ્કાર મને આપવાની સાથે ફિલ્મમાં તેમના નામની સાથોસાથ મને પણ ક્રેડિટ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here