બૉલિવુડની ફિલ્મો મલ્ટીસ્ટારર હોય એમાં કોઈ નવી વાત નથી. પરંતુ એક શોર્ટ પણ મલ્ટીસ્ટારર બની શકે એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ તાજેતરમાં શોર્ટ ફિલ્મ દેવીનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. આ શોર્ટ ફિલ્મમાં 2-3 નહીં, પણ પૂરી નવ જાણીતી અભિનેત્રીઓ જોવા મળશે. દેવીમાં કાજોલ, શ્રુતિ હસન, નેહા ધુપિયા, નીના કુલકર્ણી, મુક્તા બર્વે, સંધ્યા મ્હાત્રે, રમા જોશી, શિવાની રઘુવંશી અને યશસ્વિની ડાયમા જેવી દિગ્ગજ અભિનેત્રીઓ કામ કરી રહી છે. માત્ર 11 મિનિટની શોર્ટ ફિલ્મમાં આટલા કલાકારને એક સાથે લાવવાનું કામ કર્યું છે નિરંજન અયંગાર અને રાયન સ્ટિફને. નિરંજન અને રાયનના પ્રોડક્શન હાઉસ ઇલેક્ટ્રિક એપલ્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન  પ્રિયંકા બેનર્જીએ કર્યું છે.

દેવીમાં સમાજની વિવિધ સ્તરમાંથી આવતી નવ પીડિત મહિલાઓની વ્યથાને કથા રૂપે પ્રસ્તુત કરવામાં આવી છે. આ નવ મહિલા એક જ રૂમમાં રહે છે અને તેમની કથા-વ્યથા એક સરખી છે. ફિલ્મની લેખિકા અને દિગ્દર્શિકા પ્રિયંકા બેનર્જી કહે છે કે, મહિલા સન્માન ગુમાવે, સ્ત્રી ભૃણ હત્યા, બળાત્કાર, વિનયભંગ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દેવી નામની 11 મિનિટની શોર્ટ ફિલ્મ આ પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી વિવિધ સ્તરની મહિલાઓને રજૂ કરે છે. આટલા મોટા કલાકારો સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એ માટે હું તમામનો આભાર માનું છું. એ સાથે મને દેવી જેવી શોર્ટ ફિલ્મ બનાવવાનો મોકો આપનાર નિરંજન અયંગાર અને રાયન સ્ટિફનની સાથે રૉયલ સ્ટેગ બેરલ સિલેક્ટનો પણ આભાર માનું છું.

ફિલ્મના નિર્માતાઓમાંના નિરંજન અયંગરે જણાવ્યું કે, દેવી એ ઇલેક્ટ્રિક એપલની મહત્ત્વપૂર્ણ શોર્ટ ફિલ્મ છે. અમને આનંદ એ વાતનો છે કે તમામ કલાકારોએ યાદગાર અભિનય કર્યો છે. રૉયલ સ્ટેગ અને તમામ કલાકારોના સાથ સહયોગ વિના દેવી બનાવવું શક્ય નહોતું. દેવીના નિર્માણમાં સહયોગ આપનાર તમામનો અમે આભાર માનીએ છીએ.

તો રાયન સ્ટિફને જણાવ્યું કે, પ્રિયંકા બેનર્જીએ દેવીની પટકથા મને મોકલાવી, એ વાચીને મેં તુરંત નિરંજનને ફોન કર્યો અને કહ્યું આ શઓર્ટ ફિલ્મ આપણે બનાવવી જ જોઇએ. એ સાથે આપણા મિત્રો એવા કાજોલ, નીના ગુપ્તા, શ્રુતિ, નેહા ધુપિયા અને મુક્તા બર્વે જેવા કલાકારની પસંદગી કરવી જોઇએ. આવી માર્મિક અને મહત્ત્વપૂર્ણ વાર્તાને દુનિયા સમક્ષ રજૂ કરવી જ જોઇએ. આમ તો અમારૂં પ્રોડક્શન હાઉસ નવોદિતોને મોકો આપવાને પ્રાથમિકતા આપે છે. પણ  પીઢ અભિનેત્રીઓ જ દેવી જેવી શોર્ટ ફિલ્મને વઘુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here