ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક જીતેન પરીખ દ્વારા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ તસવીર કા દૂસરા રૂખને દિલ્હી ખાતે આયોજિત મેન્ટોર ઍન્ડ માસ્કોટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મની સાથે શ્રેષ્ઠ કન્સેપ્ટનો ઍવોર્ડ એનાયત થયો હતો. ફિલ્મનું નિર્માણ સંગીતા અગ્રવાલે કર્યું હતું. આ અંગે જીતેન પરીખે જણાવ્યું કે ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી 137ને સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી હતી. જેમાંથી 24 ફિલ્મોને વિવિધ કેટેગરી માટે ઍવોર્ડ અપાયા હતા.

હવે જીતેન પરીખ ફુલલેન્થ ફીચર ફિલ્મ મેરા પ્યાર તુમ હી હો બનાવી રહ્યા છે જેનું શૂટિંગ યુકે સહિત યુરોપના વિવિધ દેશો ઉપરાંત ભારતમાં પણ કરાશે. મુંબઈના નીલ ગાંધી, રોઝ અને મૈત્રી રાયજાદા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

મેરા પ્યાર તુમ હી હોની અનાઉન્સમેન્ટ પાર્ટીમાં જીતેને પત્રકારો સાથે તેમની કરિયરની સાથે ફિલ્મ વિશે દિલ ખોલીને વાત કરી હતી. ફિલ્મ અંગે જણાવતા જીતેન પરીખ કહે છે કે મેરા પ્યાર તુમ હી હો રોમાન્ટિક થ્રિલર છે. લવ ટ્રાએંગલમાં ભારતનો એક નવયુવાન એના પ્રેમને પામવા લંડન જવા નીકળે છે. દરમ્યાન એક અન્ય યુવતી હીરોને પામવા અનેક પ્રયાસો કરે છે. અને આ ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો છે.

ફિલ્મના નિર્માતા લંડનસ્થિત રિઝવાન શેખ છે. સંગીતકાર રાજ સેનનાં બે સુમધુર ગીતો ફિલ્મની વાર્તાને સહજતાથી આગળ વધારે છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. લંડનના વિવિધ લોકાલ્સની સાથે યુરોપના રમણીય સ્થળે ફિલ્મનું શૂટિંગ કરાશે.

નાનપણથી બૉલિવુડને નજદિકથી નિહાળનાર જીતેન પરીખ અનેક ગુજરાતી, મરાઠી અને હિન્દી ફિલ્મો બનાવી ચુક્યા છે. તેમના પિતા 1962થી ફિલ્મો માટે ટ્રોફી બનાવવાનું કામ કરવાની સાથે ફાઇનાન્સ પણ કરતા હતા. જોકે જીતેન પરીખને બિઝનેસ કરતા કલામાં વધુ રસ હોવાથી દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું. જીતેનની પહેલી ફિલ્મ હતી કાજોલ-જેકી શ્રોફ અભિનીત હોતે હોતે પ્યાર હો ગયા. જેમાં તેમણે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

આ પ્રસંગે ફિલ્મની હીરોઇન મૈત્રી રાયજાદાએ જણાવ્યું કે સૉફ્ટવેર એન્જિનિયરિંગ કરવા છતાં એનો લગાવ અભિનય પ્રત્યે જ રહ્યો છે. વડોદરા અને અમદાવાદખાતે મૉડેલિંગ કર્યા બાદ 2016માં એ મિસ ભારતનો તાજ જીતી અને 2018માં મિસ ઇન્ડિયાની કન્ટેસ્ટંટ પણ રહી હતી. અત્યારે થિયેટર કરી રહેલી મૈત્રી કહે છે કે જીતેન સરની સિરિયલનો પાયલટ મેં કર્યો હતો. એ પાયલટના આધારે મને આ મોટી ફિલ્મ મળી છે એમ કહું તો અતિશયોક્તિ નહી ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here