પ્રોડક્શન મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ફિલ્મ નિર્માણના તમામ પાસા-એડિટિંગ, દિગ્દર્શન, પટકથા લેખક સહિતના દરેક ફિલ્ડમાં માસ્ટરી મેળવવાની સાથે ફિલ્મના નિર્માતા તરીકે બૉલિવુડ ઉપરાંત ઢોલિવુડમાં આગવું સ્થાન મેળવનાર ગુજરાતી સર્જક એટલે રવિન્દ્ર દવે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સસ્પેન્સ થ્રિલર ફિલ્મોનો દોર શરૂ કરનાર રવિન્દ્ર દવેને બૉલિવુડના આલ્ફ્રેડ હિચકોકનું ઉપનામ મળ્યું હતું. એટલું જ નહીં, બાપાએ અનેક કલાકાર-કસબીઓને પહેલીવાર ફિલ્મોમાં ચમકાવ્યા હતા. જેમકે બૉલિવુડના પહેલવહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાને રાઝ ફિલ્મમાં મોકો આપ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું યોગદાન આપનાર સર્જક રવિન્દ્ર દવેની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ફિલ્મી ઍક્શન મુઠી ઉંચેરા માનવીને આદરાંજલિ અર્પવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

19 એપ્રિલ 1919માં અખંડ ભારતના લાહોરમાં જન્મેલા રવિન્દ્ર દવેના મામા દલસુખ પંચોલીની ગણના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્માતા તરીકે થતી હતી. એ સમયે લાહોર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મુખ્ય કેન્દ્ર હતું અને મુંબઈ તો પુણે બાદ ત્રીજા સ્થાને આવતું. લાહોરમાં સ્ટુડિયો ઉપરાંત થિયેટરોની માલિકી ધરાવતા દલસુખ પંચોલી જેવા પીઢ સર્જકના હાથ નીચે રવિન્દ્ર દવેનું ઘડતર થયું હતું. માત્ર 14 વરસની ઉંમરે મામાની નિર્માણ સંસ્થામાં રવિન્દ્ર દવેએ પ્રોડક્શન મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓની બારિકીઓ અહીં શીખવા મળી. દલસુખ પંચોલીને જ્યારે લાગ્યું કે ભાણિયો હવે પૂરો ઘડાઈ ચુક્યો છે ત્યારે તેમણે રવિન્દ્રને દિગ્દર્શનની જવાબદારી સોંપી. માત્ર 23 વરસની ઉંમરે દિગ્દર્શક બનેલા રવિન્દ્ર દવેની પહેલી ફિલ્મ હતી 1943માં રિલીઝ થયેલી પૂંજી. પહેલી ફિલ્મ માટે તેમણે જે વિષય પસંદ કર્યો એ ઘણો બૉલ્ડ હતો. વિધુર બનેલી વ્યક્તિ ફરી લગ્ન કરવાનું વિચારે છે. આ વાત તેમની ત્રણેય પુત્રીઓને ખટકે છે. અને ત્રણેય બહેનો પિતાના લગ્ન અટકાવવા કેવા પ્રયાસો કરે છે એની વાત આલેખતી ફિલ્મ અને એનાં ગીતો સુપરહિટ થયાં હતાં. ફિલ્મની પટકથા એ સમયના મશહૂર લેખક ડી. એન. મદ્યોકે લખી હતી. જ્યારે સહદિગ્દર્શક હતા વિષ્ણુ આર. પંચોલી.

પહેલી ફિલ્મની સફળતાને પગલે રવિન્દ્ર દવેએ બીજી ફિલ્મની તૈયારી કરી. બૉલ્ડ ફિલ્મ બાદ તેમણે સસ્પેન્સ થ્રિલર મૂવી બનાવવાનું નક્કી કર્યું. સ્વતંત્ર ફિલ્મ દિગ્દર્શક તરીકેની તેમની પહેલી ફિલ્મનું નામ હતું ધમકી. ત્યાર બાદ રવિન્દ્ર દવેએ સંખ્યાબંધ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો બનાવી જેમાં મોતીમહલ, ચાર મિનાર, આગ્રા રોડ, રાઝનો સમાવેશ થાય છે. આગ્રા રોડમાં તેમણે વિજય આનંદને પહેલીવાર હીરો તરીકે ચમકાવ્યા તો રાઝમાં નવોદિત રાજેશ ખન્ના અને બબિતાને મોકો આપ્યો હતો. રાજેશ ખન્નાની રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ભલે આખરી ખત કહેવાતી હોય પણ સૌપ્રથમ રાઝ સાઇન કરી હતી.

અહીં એક આડવાત, રવિન્દ્ર દવે જ્યારે દલસુખ પંચોલીના સ્ટુડિયોમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પટકથા લેખક ડી. એન મદ્યોક પંચોલી માટે એક ફિલ્મ લખી રહ્યા હતા. વરસો બાદ જ્યારે રવિન્દ્ર દવેની ષષ્ઠીપૂર્તિ ઉજવાઈ ત્યારે મદ્યોકસાબે લાહોરના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, હું જ્યારે પંચોલીસાહેબ માટે ફિલ્મ લખી રહ્યો હતો ત્યારે સેટ પર એક યુવાન પૂરી ધગશથી કામ કરતો હોવાનું મેં નોંધ્યું હતું. ત્યાર બાદ બીજી એક ફિલ્મનું કામ મને સોંપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે આ છોકરો ફિલ્મ ડિરેક્ટ કરશે ત્યારે મને ઘણી નવાઈ લાગી. પરંતુ જે ચીવટાઈથી ફિલ્મ બનાવી રહ્યો હતો એ જોઇ મને લાગ્યું કે આગળ જતા એ નામ કમાશે. આ છોકરો એટલે આપણો રવિન્દ્ર દવે.

1947માં દેશના ભાગલા પડ્યા ત્યારે રવિન્દ્ર દવેએ મુંબઈને તેમનું કાર્યક્ષેત્ર બનાવ્યું.  મુંબઈ આવ્યા બાદ તેમણે પૌરાણિક, સામાજિક, કૉમેડી જેવા વિવિધ વિષયો પર ફિલ્મો બનાવ્યા બાદ 1951માં  તેમણે નૂતન અને નાસિર ખાન સાથે નગીના બનાવી. ફિલ્મ એટલી ડરામણી હતી કે સેન્સર બોર્ડે એને એડલ્ટનું સર્ટિફિકેટ આપ્યું. ફિલ્મની હીરોઇન નૂતનનો આ પહેલો મેજર બ્રેક હતો. મજાની વાત એ કે, ફિલ્મનો પ્રીમિયર યોજાયો ત્યારે નૂતન સજીધજીને ફિલ્મ જોવા તો ગઈ પણ થિયેટર પર ડૉરકીપરે એને અંદર જતા અટકાવી. કારણ, ફિલ્મ પુખ્ત વયનાઓ માટે હોવાથી અઢાર વરસ કરતા મોટી વયની વ્યક્તિને જ પ્રવેશ મળી શકતો. જ્યારે નૂતન તો ત્યારે માત્ર પંદર વરસની જ હતી. નગીના ફિલ્મમાં તેમણે સી. એચ. આત્માને પણ ગાયક તરીકે મોકો આપ્યો હતો.

મુંબઈમાં સ્થાયી થયા બાદ અનેક ફિલ્મો બનાવનાર રવિન્દ્ર દવેએ તેમની ફિલ્મ નિર્માણ સંસ્થા સ્થાપી અને એનું નામ નગીનાથી પ્રેરિત થઈ નગીના ફિલ્મ્સ રાખ્યું હતું. આ બેનર હેઠળ તેમણે ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું. છેલ્લે તેમણે લીના ચંદાવરકર અને સંજય ખાનને લઈ નગીનાની રીમેક કરવાનું નક્કી કર્યું પણ વાત આગળ વધી શકી નહીં. જોકે નગીનાની રીમેક બનાવવામાં મળેલી નિષ્ફળતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણી લાભદાયક પુરવાર થઈ. કારણ, તેમણે બૉલિવુડથી ઢોલિવુડ માઇગ્રેટ થવાનું નક્કી કર્યું. 1970માં તેમણે કચ્છના વિખ્યાત ડાકુ જેસલ જાડેજા પરથી જેસલ તોરલ બનાવવાની શરૂઆત કરી. ફિલ્મ 1971માં રિલીઝ થઈ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણે કાયાપલટ થયો. જેસલ તોરલ પહેલાં ડચકાં ખાઈ રહેલી ઇન્ડસ્ટ્રી નવપલ્લવિત થઈ. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણયુગનો શુભારંભ થયો. ફિલ્મને ગુજરાત રાજ્ય સરકારના સત્તરેક ઍવોર્ડ મળ્યા. અનેક થિયેટરોમાં જ્યુબિલી ઉજવી હતી. જ્યારે ગુજરાતી નાટક-ફિલ્મના અભિનય સમ્રાટ ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીને સ્ટારડમ મળ્યું હતું. જેસલ તોરલ બાદ ઉપેન્દ્ર ત્રિવેદી અને રવિન્દ્ર દવેની જોડીએ સોળેક ફિલ્મો સાથે કરી. જ્યારે સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે વીસેક ફિલ્મો કરી હતી.

રવિન્દ્ર દવેએ ગુજરાતીમાં 26 જેટલી ફિલ્મો બનાવી જેમાં જેસલ તોરલ ઉપરાંત રાજા ભરથરી, કુંવરબાઈનું મામેરૂં, શેતલને કાંઠે, માલવપતિ મુંજ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, પાતળી પરમાર મુખ્ય છે. જ્યારે 1985માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરૂણા ઇરાની અને મૂળરાજ રાજડાને ચમકાવતી ફિલ્મ માલો નાગદે રવિન્દ્ર દવેની છેલ્લી ફિલ્મ હતી.

ગુજરાતી ફિલ્મોના લાંબા દોર બાદ રવિન્દ્ર દવેએ રાકેશ રોશનને લઈ મેરા પતિ મેરા કાતિલ બનાવવાની યોજના બનાવી હતી. રાકેશ રોશન સાથે સ્ટોરી સેશન પણ થયું. પરંતુ નાદુરસ્ત તબિયત અને ફાઇનાન્સની તકલીફને કારણે યોજના ખોરંભે ચડી ગઈ. રવિન્દ્ર દવેની વાર્તા એટલી જબરજસ્ત હતી કે આજ કથાનકના આધારે રાકેશ રોશને રેખા-કબીર બેદીને ચમકાવતી ખૂન ભરી માંગ બનાવી  હતી. આ ફિલ્મે રાકેશ રોશનની નિર્માણ સંસ્થાને સદ્ધર બનાવી દીધી.

રવિન્દ્ર દવેની ફિલ્મી કરિયરની હાઇલાઇટ્સ

  • બૉલિવુડના ટોચના દિગ્દર્શક એવા વિજય આનંદને અભિનેતા તરીકે પહેલો મોકો રવિન્દ્ર દવેએ આપ્યો હતો. 1957માં આવેલી આગ્રા રોડમાં વિજય આનંદ મુખ્ય અભિનેતા હતા.
  • 1958માં આવેલી સુનીલ દત્ત – શકીલાને ચમકાવતી પોસ્ટ બૉક્સ 999 ફિલ્મ હૉલિવુડમાં બનેલી કૉલ નોર્થસાઇડ 777 (1948) પર આધારિત હતી.
  • હીરો-હીરોઇન તરીકે રાજ કપૂર અને સાધના દુલ્હા દુલ્હનમાં પહેલીવાર સાથે ચમક્યા હતા.
  • બૉલિવુડના પહેલવહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાને રવિન્દ્ર દવેએ રાઝ ફિલ્મમાં મોકો આપ્યો હતો. તો બબિતાની પણ આ પહેલી ફિલ્મ હતી. જોકે ફિલ્મના નિર્માણમાં વિલંબ થતાં રાજેશ ખન્નાની આખરી ખત અને બબિતાની દસ લાખ ફિલ્મ પહેલા રિલીઝ થઈ હતી.
  • રવિન્દ્ર દવેની ફિલ્મોમાં બૉલિવુડના દિગ્ગજ સંગીતકારો ગુલામ મોહમ્દ, હુશનલાલ ભગતરામ, શંકર જયકિસન, સી. રામચંદ્ર, ચિત્રગુપ્ત, ઓ. પી. નૈયર, એસ. ડી. બર્મન, રોશન, કલ્યાણજી આણંદજી અને રવિએ સંગીત આપ્યું હોવા છતાં 1953માં આવેલી ગીતા બાલી અને અભિ ભટ્ટાચાર્યને ચમકાવતી ફિલ્મ નૈનાના સંગીતની જવાબદારી મન્ના ડેને સોંપી હતી.
  • 1969માં રિલીઝ થયેલી રોડ ટુ સિક્કીમમાં રવિન્દ્ર દવેએ નવોદિત કલાકારો અંજુ મહેન્દ્રુ અને દેવ કુમારને ચમકાવ્યા હતા. તો ફિલ્મના સંગીતકાર તરીકે વિજયસિંહરાજે પટવર્ધન (મૈંને પ્યાર કિયા ફેમ અભિનેત્રી ભાગ્યશ્રીના પિતા)ને મોકો આપ્યો હતો.
  • રવિન્દ્ર દવેએ સંજય ખાન અને લીના ચંદાવરકરને લઈ નગીનાની રીમેક બનાવવાની યોજના બનાવી હતી. પરંતુ સંજોગોવશાત ફિલ્મની યોજના પડતી મુકવી પડી. આથી તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા અને જેસલ તોરલ બનાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here