15 નવેમ્બરે સ્પૉટિફાય પર રજૂ થયેલી ગેંગિસ્તાન આમ તો ગુજરાતી પત્રકાર જગત માટે લાખેણો કહી શકાય એવો દિવસ કહી શકાય. કારણ, ગેંગિસ્તાન જાણીતા પત્રકાર, લેખક આશુ પટેલના જીવન પર આધારિત પૉડકાસ્ટ છે અને આશુ પટેલની ભૂમિકા બૉલિવુડના લેટેસ્ટ હાર્ટથ્રોબ પ્રતિક ગાંધીએ ભજવી છે. શો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સ્પૉટિફાય પર 178 દેશોમાં વસતા હિન્દી ભાષી લોકો માણી શકશે.
શો અંગે આશુ પટેલ કહે છે કે, તેમણે અંડરવર્લ્ડ પર લખેલાં પુસ્તક પર આધારિત છે. ગેંગિસ્તાનમાં 1960 અને એ પછીના મુંબઈની અંધારીઆલમની વાતો આલેખવામાં આવી છે. ગેંગિસ્તાનમાં પણ એ સમયના અંડરવર્લ્ડની વાતોને રસપ્રદ રીતે વણી લેવામાં આવી છે. સ્પૅટીફાયના નવા ઓરિજિનલ પૉડકાસ્ટમાં આશુ પટેલે કેવી રીતે અંધારીઆલમની અંદરની વાતો, એન્કાઉન્ટરની રૂંવાટાં ખડા કરતી દિલધડક બાબતોનું રિપોર્ટિંગ કર્યું એની વાતો દર્શાવવામાં આવી છે. પૉડકાસ્ટમાં આશુ પટેલની ભૂમિકા હાલ બૉલિવુડમાં જેની બોલબાલા છે એવા અભિનેતા પ્રતિક ગાંધીએ ભજવી છે.
48 એપિસોડની આ કાલ્પનિક ક્રાઇમ-થ્રિલરનું નિર્માણ ઑફસ્પિન મીડિયા ફ્રેન્ડ્સ દ્વારા કરવામાં આવ્યું છે. સિરીઝમાં એક જવાબદાર પત્રકારની ભૂમિકા ભજવી રહેલા પ્રતિક ગાંધી અંધારીઆલમની સામાન્ય લોકો માટે સાવ અજાણી બાબતોને ઉજાગર કરે છે. પૉડકાસ્ટમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનું પાત્ર સૈયમી ખેર ભજવી રહી છે તો દયાશંકર પાંડે ટપોરી પપ્પુ ટકલાની ભૂમિકા ભજવી રહ્યા છે.
આશુ પટેલનું પાત્ર ભજવી રહેલા પ્રતિક ગાંધીએ જણાવ્યું કે, અમે વરસોથી મિત્રો હોવાને કારણે આશુની તમામ રીતભાતથી હું વાકેફ હતો. પરંતુ પૉડકાસ્ટમાં મારે માત્ર અવાજથી આશુ પટેલને જીવંત કરવાના હતા જે ઘણું મુશ્કેલ કાર્ય હતું. “ગૅન્ગિસ્તાન મારા માટે ખાસ છે કારણ કે એ મારી પ્રથમ ઓડિયો સિરીઝ છે. જટિલ લાગણીઓ અને રસપ્રદ પરિસ્થિતિઓમાં મારી જાતને ડૂબાડવી એ એક મજા હતી. હું નાયકની મહત્ત્વકાંક્ષા સાથે સ્વાભાવિક રીતે જ જોડાઈ શક્યો હતો અને ભૂમિકા ભજવવા માટે માત્ર મારા અવાજનો ઉપયોગ કરવાના પડકારનો મેં મેં પૂરો આનંદ માણ્યો હતો. ગૅન્ગિસ્તાન તમને તમારું પોતાનું વિઝ્યુઅલ અર્થઘટન બનાવવા દે છે જે મને લાગે છે કે ઓડિયોની જ એક તાકાત છે. મજાની વાત એ છે કે ઑફસ્પિન ટીમ સાથે તેને રેકોર્ડ કરતી વખતે, અમે માત્ર માઈકની સામે ઊભા રહીને બોલ્યા જ નથી. અમે સ્ક્રિપ્ટમાંથી પરિસ્થિતિઓને ફરીથી બનાવી છે, દા.ત. સ્ટુડિયોમાં સૈયામી સૂતી હોય અને હું તેની બાજુમાં બેઠો હોઉં તેવું એક હોસ્પિટલનું દ્રશ્ય. અરે! કેટલાક એન્કાઉન્ટરના દ્રશ્યો માટે તો કલાકારો સ્ટુડિયોમાં દોડ્યા પણ છે.”
‘મિર્ઝિયા’ ફિલ્મ અને ‘સ્પેશિયલ ઓપ્સ’ જેવી વેબસિરિઝથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી સૈયામી ખેર ‘ગૅન્ગિસ્તાન’માં જાંબાઝ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ શિવાની સાવંતનું પાત્ર ભજવી રહી છે. સૈયામી કહે છે, “હું આ પ્રોજેક્ટનો ભાગ બનીને ખૂબ જ ઉત્સાહિત છું. આ એક નવું માધ્યમ છે અને તેમાં ઘણું નવું શીખવા જેવું છે. શોનું લેખન સુંદર છે અને તમને સાંભળતી વખતે જકડી રાખે છે. હું પ્રતિકના કામની ખૂબ પ્રશંસા કરું છું. તે જે કરે છે એ એટલું ખંતથી કરે છે અને એમાં ડૂબી જાય છે કે તે સહ-અભિનેતાઓ માટે કામ વધુ સરળ બનાવી દે છે. ખરેખર આશા છે કે હું તેની સાથે ફરી કામ કરી શકું.”
ટીવી ધારાવાહિકોમાં શનિદેવ અને ચાલુ પાંડેના પાત્રથી પ્રખ્યાત બનેલા, ‘સ્વદેશ’, ‘લગાન’, ‘ગંગાજલ’ જેવી ડઝનબંધ ફિલ્મ્સમાં અભિનય કરી ચૂકેલા અભિનેતા દયાશંકર પાંડે આ શૉમાં ગૅન્ગસ્ટર પપ્પુ ટકલાનું પાત્ર કરી રહ્યા છે. તેઓ આશુ પટેલના અંગત મિત્ર પણ છે. તેઓ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, “ગૅન્ગિસ્તાન એવો અનુભવ રહ્યો છે જેની મેં કલ્પના પણ કરી ન હતી. હું અત્યંત ઉત્સાહી છું. આ શોમાં પર્ફોર્મ કરવા અને માત્ર મારા અવાજથી હું શું કરી શકયો એ પરખવા માટે ખૂબ જ ઈચ્છુક છું. પપ્પુનું પાત્ર ભજવવું એ ખરેખર આનંદદાયક હતું – એક ગેંગસ્ટરનું ભૂત જે એક સામાન્ય માણસ પણ છે! મને લાગે છે કે શ્રોતાઓ આ પાત્રના પ્રેમમાં પડી જશે.”
પત્રકાર આશુ પટેલ માટે આ એક નોસ્ટાલ્જિક શો છે. તેઓ કહે છે, “ઑડિયોમાં કલમની તાકાત જેવી જ અપીલ છે. એ અર્થમાં કે શબ્દોને વિઝ્યુઅલાઈઝ કરવાનું કામ પ્રેક્ષકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે. હીર ખાંટ સાથે ગૅન્ગિસ્તાન લખતી વખતે મારા પત્રકારત્વના દિવસોની ઘણી યાદો તાજી થઈ ગઈ. આ ખરેખર એક ભવ્ય વાર્તા છે, જે ઘણા દાયકાઓની ભવ્ય ટાઈમલાઈન પર છે અને કાલ્પનિક અને બિન-કાલ્પનિક બંને પ્રકાર આવરી લે છે. ઓડિયો સ્પેસમાં આ પહેલા ક્યારેય આવું કશું કરવામાં આવ્યું નથી.”
આશુ પટેલે વધુમાં જણાવ્યું કે, ગેંગિસ્તાન જ્યારે હપ્તાવાર પ્રગટ થઈ ત્યારે વાચકોએ એને વધાવી લીધી હતી. હવે એ જ્યારે પૉડકાસ્ટના માધ્યમથી સિરિયલાઇઝ્ડ થઈ રહી છે ત્યારે પણ શ્રોતાઓ એને આવકારશે એવી મને આશા છે.
આશુ પટેલ 2019માં રિલીઝ થયેલી, જયંત ગીલાટર દિગ્દર્શિત અને ડેઈઝી શાહ, પ્રતીક ગાંધી, કવિન દવે, ચેતન દૈયા અભિનિત ‘ગુજરાત 11’ (ગુજરાત ઈલેવન) ફિલ્મના પણ ક્રિએટિવ પ્રોડ્યુસર હતા. ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત બોલીવુડ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આશુ પટેલની અંગ્રેજી બુક ‘મૅડમ એક્સ’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. આશુ પટેલ અનેક નામાંકિત ગુજરાતી પબ્લિકેશન્સમાં એડિટર રહી ચૂક્યા છે અને અત્યાર સુધી તેમના 52 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
સિદ્ધાંત પિન્ટોનું દિગ્દર્શન, આશુ પટેલની વાર્તા અને હીર ખાંટનું લેખન પોડકાસ્ટને એવા સ્તરે પહોંચાડે છે જ્યાં ઓડિયો અગાઉ ક્યારેય પહોંચ્યું નથી.
ડિરેક્ટર સિદ્ધાંત પિન્ટો કહે છે, “2001 થી ભારતીય ઑડિયો ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આખરે હવે મને લાગે છે કે અમે ઑડિયોની સાચી શક્તિ સુધી પહોંચ્યા છીએ. આ પ્રોજેક્ટને એક વર્ષથી વધુ સમય લાગ્યો છે, અને એ દરમિયાન દરેક મિનિટે અમે મોજથી કામ કર્યું છે!”