કેન્દ્ર સરકારે જ્યારથી જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ કલમને હટાવી છે ત્યારથી પાકિસ્તાની નેતાઓની સાથે ત્યાંના કલાકારો પણ ભારત વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યા છે. થોડા દિવસ અગાઉ પાકિસ્તાની પ્રધાને પ્રિયંકા ચોપરા વિરૂદ્ધ .યુએનમાં ફરિયાદ કરી જે બૂમરેંગ સાબિત થઈ. હવે એક પાકિસ્તાની અભિનેત્રીએ બૉલિવુડ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહવિશ હયાતે ફરી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નિશાન બનાવતા કહ્યુ કે પાકિસ્તાનને ખલનાયક ચીતરવામાં અગ્રેસર રહેતા બૉલિવુડે પાકિસ્તાની ગીતો ચોરવાનું ચાલુ રાખ્યું છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહવિશે આ વાત આલિયા ભટ્ટના નવા સોલો આલબમ પ્રાદાના સંદર્ભમાં કહી હતી. આ ગીત પાકિસ્તાનના વાઇટલ સાઇનના ગીત ગોરે રંગ કા જમાનાને મળતું હોવાનું કહેવાય છે. ટ્વિટર પર અનેક પાકિસ્તાનીએ આ અંગે ટ્વીટ કર્યું છે અને મહવિશે પણ તેમના સૂરમાં પોતાનો સૂર મેળવી દીધો.

એણે એક ટ્વીટમાં કહ્યું, મને આશ્ચર્ય થાય છે. એક તરફ બૉલિવુડ પાકિસ્તાનને ખલનાયક તરીકે ચીતરવાનો એક પણ મોકો એળે જવા દેતું નથી, તો બીજી બાજુ અમારાં ગીતો ચોરવાનો કોઈ મોકો જવા દેતું નથી. સ્વાભાવિક છે કે કોઈ રીતે મંજૂરી, કૉપીરાઇટ ઉલ્લંઘન અને રૉયલ્ટી ચુકવવાનો કોઈ અર્થ જ નથી.

એટલું જ નહીં, પાકિસ્તાની અભિનેત્રીએ શાહરૂખ ખાનને પણ છોડ્યો નથી. શાહરૂખના નેટિફ્લિક્સ શો બાર્ડ ઑફ બ્લડની પણ નિંદા કરી હતી. એણે ટ્વીટમાં કહ્યું, એણે એ વાત પુરવાર કરી છે જે હું ઘણા સમયથી કહેતી આવી છું. એક કમજોર અને પાકિસ્તાની વિરોધી પ્રોજેક્ટ. શું આપણે હવે જાગ્રત થશું અને સમજીશું કે બૉલિવુડનો એજેન્ડા શું છે? શાહરૂખ ખાન દેશભક્ત બનો, તમને કોઈ નહીં રોકે પણ એને અમારી બદનામીની કિમત પર ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here