કોવિડ-19ને કારણે લૉકડાઉન અમલમાં આવ્યો ત્યારથી ફિલ્મ-ટીવી સિરિયલ અને વેબ સિરીઝના શૂટિંગ અટકી પડ્યા છે. ત્રણેક મહિના થી વધુ સમયથી કામકાજ બંધ હોવાથી મનોરંજન જગતને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. અનેક કલાકારો બેકાર થયા છે. આવી પ્રતિકુળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સરકારે શૂટિંગ માટે શરતી માન્યતા આપી છે. સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝ કરવાથી લઈ માસ્ક પહેરવા જેવી તમામ બાબતોનું ફરજિયાત પણે પાલન કરવાની શરતે સરકારે પરવાનગી આપી છે. જોકે સરકારે લાદેલી શરતોમાંની એકથી અનેક કલાકારો નારાજ થયા છે. સરકારે 65 વરસ કરતા વધુ વયના કલાકારોને શૂટિંગ પર જવાની મનાઈ ફરમાવી છે.

સરકારના આ નિર્ણયનો પહેલો ભોગ કંવલજીત બન્યો છે. શૂટિંગ શરૂ થયા બાદ કંવલજીતને બદલે અન્ય કલાકારની પસંદગી કરવામાં આવી હતી. સરકારના 65 વરસથી વધુ વયના કલાકારો પરના પ્રતિબંધનો જેકી શ્રોફ સહિત અનેક કલાકારોએ નારાજી વ્યક્ત કરી છે. જેકીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવી પોતાની નારાજી વ્યક્ત કરી છે.

અગાઉ રઝા મુરાદે પણ સરકારના નિર્ણયની ટીકા કરી હતી. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર લીધેલો આ નિર્ણય અવ્યવહારૂ છે. અનેક ફિલ્મો અને સિરિયલોમાં વરિષ્ઠ કલાકાર માતા-પિતા, દાદા-દાદીની ભૂમિકા ભજવતા હોય છે. અને એ વાર્તાની જરૂરિયાત મુજબ હોય છે. છેલ્લી ઘડીએ સરકારે લીધેલા નિર્ણયને કારણે યુવાન કલાકાર દાદા-દાદીની ભૂમિકા ભજવશે કે? અને જો એમ થયું તો સિનિયર કલાકારની રોજગારીનું શું? એવો પ્રશ્ન રઝા મુરાદે એક મુલાકાત દરમ્યાન કર્યો હતો.

ગોવિંદ નામદેવ (65)એ પણ સરકારને આ નિર્ણય અંગે પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. એક વ્યક્તિ જો 65 વર્ષની હોય તો એની રોગપ્રતિકાર શક્તિ ઘટી ગઈ છે એમ માનવું ભૂલભરેલું છે. જો તંદુરસ્ત વ્યક્તિ તમામ પ્રકારની સાવચેતી લઈને કામે જતી હોય તો એને અટકાવવો ન જોઇએ. તો પીઢ અભિનેત્ર નફિસા અલી સોઢી (63)એ કહ્યું કે આ તો વરિષ્ઠ કલાકારોના જુસ્સાને તોડી પાડવા જેવુ છે.

સિનિયર કલાકારોને જો કામ કરવાની ઇચ્છા હોય તો તેમને રોકવા જોઇએ નહીં. હિમાની શિવપુરી (59)નું માનવું છે કે, વાઇરસ કોઈ પણ વયજૂથના લોકોને સંક્રમિત કરી શકે છે. પરિસ્થિતિ ઘણી ભયાવહ છે. પણ 65 વર્ષથી વધુ વયના લોકોને કોરાણે ધકેલવા ન જોઇએ. અને આ એવો પ્રોફેશન છે જ્યાં અમને પેન્શન મળતું નથી.

જોકે અમુક સિનિયર કલાકારો બહાર નીકળવા મામલે સાવચેત રહેવા માંગે છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી સુખેથી ઘરમાં રહેવામાં માને છે. અરૂણા ઇરાની (73) કહે છે કે મારે પણ કામ પર જવું છે પણ તબિયત પહેલાં.

તો બી. આર. ચોપરાની મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નિતશ ભારદ્વાજનું માનવું છે કે વયોવૃદ્ધ કલાકારના સ્થાને અન્ય કલાકારને લેવાને બદલે નિર્માતાએ સાવચેતીના વધુ પગલાં ભરવા જોઇએ. નિર્માતાનું કામ છે સેટ પર સાવચેતીના પૂરતા પગલા લેવામાં આવે, બાકી કામ પર આવવું કે નહીં એ તેમને નક્કી કરવા દો. જો તેઓ જોખમ લેવા માંગતા ન હોય તો તેમના સ્થાને નવા કલાકારને લો.

કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાથી સ્વિત્ઝર્લેન્ડમાં અટવાયેલા ગુજરાતી ફિલ્મોના વિખ્યાત કલાકાર ફિરોઝ ઇરાનીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, 65 વર્ષથી વધુ વયના કલાકારોને શૂટિંગમાં ભાગ લેવા પર મુકેલો પ્રતિબંધ સિનિયર કલાકારોના હિત માટે છે એમાં ના નહીં. પરંતુ સરકારે તમામ પ્રકારના સાવચેતીના પગલાં બાદ શૂટિંગ કરવાની પરવાનગી આપે. જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ જેવા અનેક પગલાંઓ છે અને એના પાલન સાથે સિનિયર કલાકારોને પણ શૂટિંગ કરવાની પરવાનગી મળવી જોઇએ. આપણે હવે કોરોના વાઇરસ સાથે જીવવાનું છે, ત્યારે દરેકે પોતાની જાતને સંભાળીને પહેવું પડશે. નિર્માતાએ પણ તમામ સાવધાની રાખી શૂટિંગ શરૂ કર્યા છે તો ત્યારે સૌને કામ મળે એ જરૂરી છે અને એમાં સિનિયર કલાકારો પણ આવી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here