1983માં ભારત પહેલીવાર ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યું હતું. ભારત ફાઇનલમાં તો શું સેમિફાઇનલ સુધી પહોંચે તો ય ભયો ભયો એવી ભાવના ક્રિકેટ રસિયાઓમાં હતી. પરંતુ કપિલ દેવના નેતૃત્ત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ સર્જ્યો અને વેસ્ટ ઇન્ડીઝ જેવી ધરખમ ટીમને ફાઇનલમાં માત આપી દેશને વર્લ્ડ કપ અપાવ્યો હતો. કબીર ખાન આ ઐતિહાસિક મેચ પર આધારિત ફિલ્મ 83 બનાવી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે તો અન્ય નામી કલાકાર ટીમના અન્ય સભ્યો તરીકે પસંદગી પામ્યા છે.

હવે મળતા અહેવાલ મુજબ નિશાંત દહિયાને ટીમના એક મહત્ત્વના ખેલાડી રોજર બિન્નીના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે.

ઓલરાઉન્ડર રોજર બિન્નીએ વર્લ્ડ કપ દરમ્યાન બેટિંગ અને બોલિંગ બંનેમાં એની કાબેલિયત પુરવાર કરી હતી. આ પાત્ર માટે નિશાંત દહિયાને બોલિંગ કરવા જણાવાયું હતું. એણે જેવો પહેલો બોલ ફેંક્યો કે કાસ્ટિંગમાં સહાય કરી રહેલા ક્રિકેટર બલવિન્દર સંધુએ એના પર પસંદગીની મહોર લગાવી હતી.

તાજેતરમાં ધરમશાલા ખાતે કલાકારોનો પાંચ દિવસીય ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો જ્યાં તેમને ક્રિકેટની રમત અંગેની બારીકીઓ સમજાવવામાં આવી હતી. આ કેમ્પમાં મોહિન્દર અમરનાથ, કપિલ દેવ, યશપાલ શર્મા, મદનલાલ જેવા સિનિયર ક્રિકેટર્સ સામેલ થયા હતા.

83ને 10 એપ્રિલ 2020ના હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રિલીઝ કરાશે. રણવીર સિંહ અને કબિર ખાનની આ પહેલવહેલી ફિલ્મ હશે જે ત્રણ ભાષામાં બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here