કોરોના વાઇરસને કારણે જાહેર કરાયેલા લૉકડાઉને બૉલિવુડની સાથે તમામ પ્રાદેશિક ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી કરી દીધી છે. ફિલ્મના શૂટિંગ બંધ છે તો થિયેટરો બંધ હોવાથી એક પણ ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી. એવામાં કરોડો રૂપિયાનું રોકાણ કરી ફિલ્મ બનાવનાર નિર્માતાની ઇચ્છા હોય કે નહીં, પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. ગુરૂવારે ન્યુઝ આવ્યા હતા કે શૂજિત સરકાર તેમની ફિલ્મ ગુલાબો સિતાબો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. ત્યાં આજે (શુક્રવારે સમાચાર આવી રહ્યા છે કે હિન્દી-તમિલ-કન્નડ-તેલુગુ મળી સાતેક ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. મરાઠી ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ પણ તેમની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે વાટાઘાટ ચલાવી રહ્યા છે. તો ગુજરાતીના પણ એકાદ-બે નિર્માતા ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનું મન બનાવ્યું હતું પરંતુ યોગ્ય પ્રાઇઝ મળતી ન હોવાથી વિચાર પડતો મુક્યો હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

નિર્માતાઓએ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો નિર્ણય લેતા નારાજ મલ્ટીપ્લેક્ષ ચેઇન ધરાવનાર આઇનોક્સે ગુરૂવારે નિર્માતાઓને વરસોથી ચાલી આવતી થિયેટ્રિકલ રિલીઝ સિસ્ટમ ચાલુ રાખવાનું આહવાન કર્યું હતું.

દરમ્યાન, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 30 નિર્માતાઓએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે નિર્માતાઓને ઓટીટી પ્લેટફોર્મ સાથે સોદો કરવાનો હક છે. નિર્માતાએ ફિલ્મ બનાવવામાં મોટું રોકાણ કર્યું હોય છે અને તેમણે કરેલા રોકાણનું વળતર વહેલી તકે મેળવવાનો તેમનો હક છે.

દરમ્યાન અમેઝોન પ્રાઇમ વિડિયોએ હિન્દી-તમિલ-તેલુગુ-કન્નડની સાત ફિલ્મોના હક મેળવ્યા છે અને એમાંથી અમુક ફિલ્મોના પ્રીમિયરની તારીખો પણ જાહેર કરી છે.

ગુલાબો સિતાબો : 12 જૂન 2020

અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અભિનીત શૂજિત સરકારની આ વિચિત્ર કૉમેડી ફિલ્મમાં સમાન્ય માનવીના સંઘર્ષના સમયની વાત આલેખે છે. જુહી ચતુર્વેદી લિખિત શૂજિત સરકાર દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા છે રૉની લાહિરી અને શીલ કુમાર.

પોનમગલ વન્ધાલ (તમિલ) : 29 મે 2020

જ્યોતિકા, પાર્થિબન, ભાગ્યરાજ, પ્રતાપ પોથેન અને પાંડિરાજન અભિનીત પોનમગલ વંધાલ લીગલ ડ્રામા છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે જે.જે. ફ્રેડરિક અને નિર્માતા છે સૂરિયા અને રાજસેકર કર્પૂરસુંદરાપંડિયન. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જ્યોતિકાની ફિલ્મના ડિજિટલ રાઇટ્સ 9 કરોડ રૂપિયાની અધધ કહી શકાય એટલી રકમમાં વેચાયા છે.

પેંગ્વિન (તમિલ અને તેલુગુ) : 19 જૂન 2020

કીર્તિ સુરેશ અભિનીત પેંગ્વિનના લેખક અને દિગ્દર્શક છે ઇશ્વર કાર્તિક. ફિલ્મનું નિર્માણ સ્ટૉન બેન્ચ ફિલ્મ્સ અને કાર્તિક સુબરાજે કર્યું છે.

લૉ (કન્નડ) : 26 જૂન 2020

રઘુ સમર્થ દ્વારા લિખિત અને દિગ્દર્શિત લૉમાં રાગિણી ચંદ્રન, સિરિ પ્રલ્હાદ અને વેટરન અભિનેતા મુખ્યમંત્રી ચંદ્રુ કામ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા છે અશ્વિની, પુનીત રાજકુમાર.

ફ્રેન્ચ બિરયાની (કન્નડ) : 24 જુલાઈ 2020

દાનિશ સૈત, સલ યુસુફ અને પિતોબાશની મુખ્ય ભૂમિકાવાળી ફ્રેન્ચ બિરયાનીના લેખક છે અવિનાશ બલેક્કલા, દિગ્દર્શક પન્નગા ભરાના. ફિલ્મના નિર્માતા છે અશ્વિની, પુનીત રાજકુમાર અને ગુરૂદત્ત એ. તલવાર.

શકુંતલા દેવી (હિન્દી) : તારીખ જાહેર નથી કરાઈ

વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ, લેખિકા અને જ્યોતિષ અને હ્યુમન કૉમ્પ્યુટર તરીકે વિખ્યાત એવાં શકુંતલા દેવીની બાયોપિકમાં વિદ્યા બાલને ટાઇટલ રોલ કર્યો છે. ઉપરાંત ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાએ શકુંતલા દેવીની પુત્રીની ભૂમિકા અદા કરી છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ પ્રોડક્શન્સ અને વિક્રમ મલ્હોત્રા દ્વારા નિર્મિત ફિલ્મના દિગ્દર્શક છે અનુ મેનન.

સુફિયુમ સુજતયુમ (મલયાલમ) : રિલીઝ તારીખ જાહેર કરાઈ નથી

લેખક-દિગ્દર્શક નારાનીપુઝા શનાવસની ફિલ્મ સુફિયુમ સુજતયુમના કલાકારો છે અદિતિ રાવ હૈદરી અને જયસૂર્યા. ફિલ્મનું નિર્માણ વિજય બાબુના ફ્રાયડે ફિલ્મ હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here