સંગીતકાર તરીકેની કરિયરમાં મુગલ-એ-આઝમ, બૈજુ બાવરા સહિત 26 ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી, 9 ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી અને 3 ફિલ્મે પ્લેટિનમ જ્યુબિલી ઉજવી રેકૉર્ડ કર્યો એવા મ્યુઝિક ડિરેક્ટર નૌશાદનું 5 મે 2006ના નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ નિમિત્તે ફિલ્મી ઍક્શનની આદરાંજલિ.

26 ડિસેમ્બર 1919ના જન્મેલા નૌશાદસાબનું ડિસેમ્બર મહિનામાં જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. જોકે ટોચના સ્થાને પહોંચવા તેમણે કરેલી સ્ટ્રગલની વાત આજે કરવી છે. લખનઉમાં જન્મેલા નૌશાદના પિતા વાહિદ અલી કચેરીમાં મુન્શીનું કામ કરતા હોવાથી લોકો તેમને મુન્શી તરીકે ઓળખતા. મુન્શીજી સંગીતને બકવાસ ગણતા. એક દિવસ મોડી સાંજે આવેલા મુન્શીજીએ ગુસ્સામાં નૌશાદના હાર્મોનિયમને બહાર ગલીમાં ફેંકી દીધું. એટલું જ નહીં, તેમણે નૌશાદને ઘર કે સંગીતમાંથી એકની પસંદગી કરવાનું કહ્યું ત્યારે નૌશાદે બહાર ગલીમાં ફેંકેલું હાર્મોનિયમ ઉપાડ્યું અને લખનઉથી સીધી મુંબઈની વાટ પકડી. ઘરેથી નીકળ્યા ત્યારે નૌશાદ પાસે ફૂટી કોડી પણ નહોતી એટલે એક મિત્ર પાસેથી 25 રૂપિયા ઉધાર લીધા અને મુંબઈની ટિકિટ લીધી.

જોકે મોહમયી નગરીમાં આવ્યા બાદ પણ તેમના નસીબમાં ભૂખમરો લખાયો હતો. કેટલાય દિવસો તેમણે ખાલી પેટે ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો. જોકે નિયતિએ તેમના નસીબમાં કંઇક ઓર વિચાર્યું હશે એટલે એક દિવસ પ્રસિદ્ધ નિર્માતા-દિગ્દર્શક એ. આર. કારદારની નજર હાર્મોનિયમ સાથે ફૂટપાથ પર રહેતા નૌશાદ પર પડી. કારદારે નૌશાદની ઓળખાણ સંગીતકાર હુસૈન ખાન સાથે કરાવવાની સાથે કામ પણ આપવાની ભલામણ કરી. હુસૈને મહિને 15 રૂપિયાના પગારે નોકરી પર રાખ્યા. નૌશાદની મહેનત અને લગન જોઈ ખુશ થયેલા હુસૈને તેમને અરેન્જર બનાવ્યા અને પગાર સીધો 40 રૂપિયા કરી આપ્યો. નૌશાદ તેમને ત્યાં પિયાનો વગાડતા હતા. હુસેન બાદ નૌશાદ સંગીતકાર ખેમચંદ પ્રકાશના સહાયક તરીકે 60 રૂપિયાના પગારે જોડાયા અને પહેલી ફિલ્મ કરી કંચન. નૌશાદને જ્યારે પણ પૂછવામાં આવતું ત્યારે તેઓ ખેમચંદ પ્રકાશને પૂરા આદરભાવથી તેમના ગુરૂ હોવાનું જણાવતા.

તેમની પહેલી સ્વતંત્ર સંગીતકાર તરીકેની ફિલ્મ હતી પ્રેમ નગર (1940). ફિલ્મનું કથાનક કચ્છનું હોવાથી તેમણે એ વિસ્તારના લોકસંગીતનો પુષ્કળ અભ્યાસ કર્યો હતો. જોકે મ્યુઝિક ડિરેક્ટર તરીકે પહેલી ક્રેડિટ એ. આર. કારદાની ફિલ્મ નયી દુનિયા (1942)માં મળી. 1944માં આવેલી રતન ફિલ્મે તેમને ભરપુર ખ્યાતિ અપાવવાની સાથે સૌથી વધુ 25 હજાર રૂપિયાનું મહેનતાણું લેતા સંગીતકાર બન્યા. મજાની વાત એ છે કે રતનનું સંગીત એટલું પોપ્યુલર થયું હતું કે ફિલ્મનું પૂરૂં બજેટ 75 હજાર રૂપિયા હતું જ્યારે પહેલાં જ વરસે ફિલ્મનાં ગીતોની રૉયલ્ટી પેટે 3 લાખ રૂપિયા મળ્યા હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેના નામનો ડંકો વાગવા લાગ્યો હતો એ નૌશાદે તેમના લખનઉસ્થિત પરિવારથી સંગીતકાર તરીકે કામ કરતા હોવાની વાત છુપાવી હતી. તેમનાં લગ્નની જાનમાં બૅન્ડ રતન ફિલ્મનાં ગીતો વગાડી રહ્યું હતું ત્યારે તેમના પિતા અને સસરા આ ગીત બનાવનાર સંગીતકારની નિંદા કરી રહ્યા હતા. પરંતુ નૌશાદની હિંમત નહોતી કે આ ગીતો તેમણે કમ્પોઝ કર્યા હોવાનું જણાવી શકે.

1981માં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ મેળવનાર નૌશાદની છેલ્લી ફિલ્મ હતી 2005માં આવેલી તાજ મહલ : એન ઇટર્નલ લવ સ્ટોરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here