દેશમાં બનતી તમામ ભાષાની ફિલ્મોની જાળવણી કરવાનું કામ કરતી રાષ્ટ્રીય સંસ્થા નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા છેલ્લા થોડા વરસોથી અલગ અલગ થીમ પર કેલેન્ડર બહાર પાડે છે. આ વરસે લૉન્ચ કરેલા ઇ-કેલેન્ડરની થીમ છે ‘યાદ કરો કુરબાની’. આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વતંત્રતાના લડવૈયા પર આધારિત ફિલ્મના પોસ્ટર્સનો સમાવેશ કેલેન્ડરમાં કરવામાં આવ્યો છે. ફિલ્મની સાથે દેશની આઝાદી માટે કુરબાની વહોરી લેનાર શહીદોના ચાહકો માટે તો આ એક અણમોલ નજરાણું છે. કેલેન્ડર એનએફએઆઈની વેબસાઇટ પર ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.
દેશના હજારો વીર મહિલા-પુરુષોએ અંગ્રેજો સામે નીડરતાપૂર્વક લડ્યા અને તેમના પ્રાણની આહુતિ આપી. આ વરસે યાદ કરો કુરબાની થીમ હેઠળ એનએફએઆઈએ સ્ક્રીન પર દર્શાવાયેલા નીડર સેનાનીઓને કેલેન્ડરમાં સ્થાન આપ્યું છે. કેલેન્ડરમાં અમુક દુર્ભ કહી શકાય એવા પોસ્ટર પણ જોવા મળે છે. ભારતની વિવિધ ભાષામાં બનેલી સ્વતંત્ર સેનાનીઓ પર આધારિત ફિલ્મોમાંથી ખાસ પસંદગીના પોસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મજાની વાત એ છે કે કેલેન્ડરમાં 1960માં આવેલી મનહર રસકપૂર દિગ્દર્શિત અને અરવિંદ પંડ્યા અભિનીત ફિલ્મ કાદુ મકરાણીના પોસ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેલેનેડરમાં 1953માં આવેલી ફિલ્મ ઝાંસી કી રાનીથી લઈ 2007માં આવેલી વાસુદેવ બળવંત ફડકે સુધીની બાર ફિલ્મોના પોસ્ટરનો સમાવેશ કરાયો છે.
કેલેન્ડરમાં જે ફિલ્મોના પોસ્ટર્સ છે એમાં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજનારા અભિનેતા-અભિનેત્રીઓની આકર્ષક ફ્રેમ છે. જે બાર પોસ્ટર પસંદ કરવામાં આવ્યા છે એમાં ઝાંસી કી રાની (હિન્દી, 1953)ના પોસ્ટર પર રાની લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવનાર મહેતાબ જોવા મળે છે. તો 1954માં આવેલી હિન્દી ફિલ્મ શહીદ-એ-આઝમ ભગત સિંહના પોસ્ટર પર પી. જયરાજ ચંદ્રશેખર આઝાદની ભૂમિકામાં જોવા મળે છે. 1959માં આવેલી તમિલ ફિલ્મ વીરપંડિયા કટ્ટાબોમ્મનમાં શિવાજી ગણેશને ટાઇટલ રોલ ભજવ્યો હતો. 1960માં આવેલી ગુજરાતી ફિલ્મ કાદુ મકરાનીમાં ગુજરાતીની વિખ્યાત અભિનેતા અરવિંદ પંડ્યાએ કાદિર બખ્શ રિંદ બલોચ, જે પાછળથી કાદુ મકરાની તરીકે વિખ્યાત થયો એની ભૂમિકા ભજવી હતી.
મરાઠીના દિગ્ગજ અભિનેતાની 1960માં જ આવેલી મરાઠી ફિલ્મ ઉમાજી નાઇકનું પોસ્ટર પણ કેલેન્ડરમાં જોવા મળે છે. સાઉથની વિખ્યાત અભિનેત્રી બી. સરોજા દેવીએ 1961માં આવેલી દેશભક્તિથી પ્રચુર તમિલ ફિલ્મ કિત્તુર ચેનમ્મામાં રાણી ચેનમ્માની ભૂમિકા ભજવી હતી. તો 1965માં આવેલી લોકપ્રિય ફિલ્મ શહીદમાં મનોજ કુમારે ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના પોસ્ટરનો પણ કેલેન્ડરમાં સમાવેશ કરાયો છે. જ્યારે 1966માં આવેલી બંગાળી ફિલ્મ સુભાષ ચંદ્ર બૉઝમાં અમર દત્તાએ સુભાષ ચંદ્રનું પાત્ર ભજવ્યું હતું. 1967માં આવેલી મલયાલી ફિલ્મ કોટ્ટારક્કરા શ્રીધરન નાયરે કુંજલી મરક્કરની ભૂમિકા ભજવી હતી. તો 1999માં આવેલી હિન્દી ફિલ્મ શહીદ ઉધમ સિંહનું પાત્ર રાજ બબ્બરે ભજવ્યું હતું. જ્યારે આમિર ખાને 2005માં આવેલી હિન્દી ફિલ્મ મંગલ પાંડેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી એના પોસ્ટરનો પણ સમાવેશ કરાયો છે. તો ઓર એક ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે તરીકે અજિંક્ય દેવ (હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા રમેશ દેવનો દીકરો)એ 2007માં આવેલી મરાઠી ફિલ્મ વાસુદેવ બળવંત ફડકેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી એ ફિલ્મના પોસ્ટરને પણ કેલેન્ડરમાં સ્થાન અપાયું છે.