ઍડ વર્લ્ડમાં જિંગલના બાદશાહ તરીકે જાણીતા અને બૉલિવુડની શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મ જાને ભી દો યારો, મંથન, ભૂમિકા, અંકુર, ૩૬ ચૌરંઘી લેન, અને અમિતાભ બચ્ચનની તમસ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચુકેલા વનરાજ ભાટિયા આજે કપરા સંજાગોમાં જીવી રહ્યા છે. ૯૨ વરસના સંગીતકાર વનરાજ ભાટિયાની હાલત ઘણી ખરાબ છે અને તેમના મુંબઈિસ્થત ઘરમાં એકલા અટૂલા જીવન વ્યતિત કરી રહ્યા છે. આર્થિક તંગી, લથડતી તબિયતની સાથે એકલતાને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.

વનરાજ ભાટિયાએ ભલે થોડી ફિલ્મો કરી હોય પણ એનાં ગીતો આજે પણ યાદગાર છે. ગુજરાતમાં થયેલી દૂધ ક્રાંતિ પર બનેલી ફિલ્મ મંથનનું ગીત મેરા ગામ કાઠા પારે હોય કે ભૂમિકાનું તુમ્હારે બિના જી ના લગે ઘરમેં આજે પણ એટલા જ લોકપ્રિય છે. તો ટીવી પર આવતી લિરિલની જાહેરાત માટે બનાવેલી ધૂનનો ઉપયોગ આજે પણ સાબુની જાહેરાતમાં સાંભળવા મળે છે.

એકલતામાં જીવી રહેલા વનરાજ ભાટિયાની છેલ્લા દસ વરસથી એક નોકર સારસંભાળ લઈ રહ્યો છે. મળતી જાણકારી મુજબ વનરાજ ભાટિયા ન તો સરખી રીતે સાંભળી શકે છે કે ન તેમને કઈ યાદ રહે છે. એમાં ઘૂંટણની અસહ્ય પીડાને કારણે તેઓ એકથી બીજા રૂમમાં પણ જઈ શકતા નથી. એમની હાલત એટલી પણ નથી કે રેગ્યુલર ચેકઅપનો ખર્ચ ઉઠાવી શકે. આને કારણે તેમની બીમારી ગંભીર બની રહી છે.

વનરાજ ભાટિયાનું કહેવું છે કે એમની પાસે પૈસા નથી, બેન્ક બેલેન્સ પણ ખતમ થઈ ચુક્યું છે. હવે તેમના નજદિકના મિત્રો પૈસા ભેગા કરવાના પ્રયાસો કરી રહ્યા છે પણ આ બાબતથી વનરાજ ભાટિયા અજાણ છે. જે ઘરમાં વનરાજ ભાટિયા રહે છે એનો ખર્ચ પણ ડોનેશનની રકમમાંથી થાય છે. પણ આજની તારીખે ડોનેશનમાં જેટલા પૈસા આવી રહ્યા છે એ પણ પૂરતા નથી.

એવું કહેવાય છે કે વનરાજ ભાટિયાની પાળેલી બિલાડી પેપ્સો કાર અકસ્માતમાં મૃત્યુ પામી ત્યારથી તેમની તબિયત ખરાબ થવા લાગી. પેપ્સોના મૃત્યુ બાદ વનરાજ ભાટિયાએ બોલવાનું ઓછું કરી નાખ્યું. જોકે અંગત મિત્રો, પ્રશંસકો તેમની સારવાર તથા અન્ય ખર્ચ માટે પૈસા ભેગા કરવાના પ્રયાસો કરતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here