દિગંબર જૈન મુનિશ્રી આચાર્ય વિદ્યાસાગર મહારાજશ્રીના પ્રેરણાત્મક જીવન પર આધારિત ફિલ્મ અંતર્યાત્રી મહાપુરૂષનું મુહૂર્ત ગોરેગાવિસ્થત કૃષ્ણા સ્ટુડિયોમાં ગીતોના રેકોર્ડિંગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકાર-કસબીઓ ઉપરાંત આચાર્યશ્રીના અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક અનિલ કુલચૈનિયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક જૈન સાધુ સંતો પર શોર્ટ ફિલ્મ કે ડાક્યુમેન્ટ્રી બની છે પણ દિગંબર જૈન સંત પર બનનારી આ પહેલી ફીચર ફિલ્મ છે.

ફિલ્મના સંગીતકાર સતીશ દેહરાએ જણાવ્યું કે, ફિલ્મમાં કુલ નવ ગીતો છે જે અનુપ જલોટા, અરવિંદર સિંહ, પામેલા જૈન, રામ શંકર, અગમ નિગમ (સોનુ નિગમના પિતા), અનુરાધા પૌડવાલ અને અમિત કુમારે ગાયા છે. સંગીતકાર સતીશ દેહરાના જણાવ્યા મુજબ બધાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત છે. મજાની વાત એ છે કે ફિલ્મનાં ગીતો ચુનરી ફેમ સુધાકર શર્માએ લખ્યાં છે. વાતચીત દરમ્યાન સુધાકર શર્માએ જણાવ્યું કે, સલમાન ખાને મને તેમની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાનું એક ગીત લખવાનો મોકો આપ્યો. અને મેં લખેલું ઓઢ લી ચુનરિયા તેરે નામ કી એટલું પોપ્યુલર થયું કે એ પછી અનેક નિર્માતા ઓઢણી ગીતની ડિમાન્ડ કરવા લાગ્યા અને મને ઓઢણી ગીતકારનું લેબલ લાગી ગયું. જોકે અંતર્યામી યુગપુરૂષમાં ફિલ્મની કથાને અનુરૂપ નવ ગીતો છે જેમાં એક કવ્વાલી ટાઇપનું પણ ગીત સામેલ છે.

શિરોમણિ ક્રિએશન બેનર હેઠળ બની રહેલી અંતર્યાત્રી મહાપુરૂષના નિર્માતા છે ઉમેશ મલ્હાર, લેખક-દિગ્દર્શક અનિલ કુલચૈનિયા, સંવાદ ભરત બેનીવાલના છે. ફિલ્મમાં આચાર્ય વિદ્યાસાગરના માતા-પિતાની ભૂમિકા ગજેન્દ્ર ચૌહાણ અને કિશોરી શહાણે ભજવી રહ્યા છે. જ્યારે આચાર્યની ભૂમિકા માટે કલાકારની શોધ ચાલી રહી હોવાનું દિગ્દર્શકે જણાવ્યું હતું.

પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન દિગ્દર્શક અનિલ કુલચૈનિયાએ જણાવ્યું કે ફિલ્મમાં આચાર્ય વિદ્યાસાગરના જન્મથી લઈ તેમણે દીક્ષા લીધી ત્યાં સુધીની કથા દર્શાવવામાં આવશે. આચાર્યશ્રીની ફિલ્મ માટે કેટલું રિસર્ચ કરવું પડ્યું? પ્રશ્નના જવાબમાં અનિલ કુલચૈનિયાએ જણાવ્યું કે, જુઓ હું બ્રાહ્મણ છું, પરંતુ મને જ્યારે આચાર્યશ્રી વિશે જણાવવામાં આવ્યું ત્યારે હું એટલો પ્રભાવિત થયો કે છેલ્લા બે વરસથી હું જૈનોની જેમ ચરિ પાળી રહ્યો છું. જો એક આધ્યાત્મક પુરૂષ પર ફિલ્મ બનાવવી હોય તો તન-મનની શુદ્ધિ જરૂરી હોવાથી જૈન જીવન શૈલી અપનાવી છે. ફિલ્મનું શૂટિંગ ક્યા કરાશે પ્રશ્નના જવાબમાં દિગ્દર્શકે જણાવ્યું કે આચાર્યશ્રીની જન્મભૂમિ મહારાષ્ટ્ર-કર્ણાટકની બોર્ડર પર હોવાથી કર્ણાટકથી રાજસ્થાન સુધીના અનેક લોકાલ્સ પર શૂટિંગ કરવામાં આવશે. ઉપરાંત ફિલ્મ એક ચોક્કસ સમયગાળાની હોવાથી અમારે અનેક સેટ પણ બનાવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here