બૉલિવુડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું અવસાન થયું છે. મળતા અહેવાલો મુજબ બસંત ચક્રવર્તી ઘણા દિવસોથી બીમાર હતા. મંગળવારે રાત્રે તેમની કિડની ફેલ થતાં મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. દુખદ બાબત એ છે કે મિથુન ચક્રવર્તી લૉકડાઉનને કારણે બેંગલુરૂમાં ફસાયા છે.

મીડિયાના અહેવાલો મુજબ કોઈ શૂટિંગને કારણે તેઓ બેંગલુરૂ ગયા હતા અને લૉકડાઉન જાહેર થતાં ફસાઈ ગયા હતા. પિતાની જાણકારી મળ્યા બાદ મુંબઈ આવવાના પ્રયાસો કરી રહ્યા છે.

મળતા અહેવાલો મુજબ મિથુનનો દીકરો મિમોહ હાલ મુંબઈમાં જ છે. બંગાળી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી રિતુપર્ણા સેનગુપ્તાના ટ્વીટ બાદ આ વાત વાયુવેગે ફેલાઈ હતી. ટ્વીટમાં એણે મિથુનના પિતાને શ્રંદ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારને શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરી હતી.

બસંતકુમાર કોલકાતા ટેલિફોનના ભૂતપૂર્વ કર્મચારી હતા, જ્યારે માતા સાંતિમોયી ગૃહિણી હતાં. તેમના ચાર સંતાનોમાં, ત્રણ પુત્રી અને ગૌરાંગ ચક્રવર્તી એટલે કે મિથુન સૌથી મોટા છે. બસંતકુમાર શિસ્તના આગ્રહી હતા. તેમને જ્યારે જાણ થઈ કે તેમનો પુત્ર નક્લવાદભણી ઝોક ધરાવી રહ્યો છે ત્યારે એની ધરપકડ કે મૃત્યુ થાય એ અગાઉ મુંબઈ રવાના કરી દીધો. મિથુને નક્સલવાદને પડતો મુક્યો અને બૉલિવુડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. એણે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયામાં એડમિશન લીધું અને અભિનયમાં ગ્રેજ્યુએશન પૂરૂં કર્યું. પરિવારને મિથુન ફિલ્મોમાં કામ કરે એ પસંદ નહોતું, આમ છતાં ઘરના તમામ સભ્યો હંમેશ એની પડખે ઊભા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here