દેશના ઐતિહાસિક વિજયોમાંનો એક છે કારગિલ વિજય દિવસ. પાકિસ્તાને ભારતના કારગિલ વિસ્તારમાં ઘૂસણખોરી કર્યા બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનીઓને ખદેડી મુક્યા હતા. ત્યારથી ભારત ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવી રહ્યો છે. લડાઈ દરમ્યાન ભારતના અનેક સપૂતોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આજે જ્યારે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે યુદ્ધમાં શહીદ થનાર જવાનોને શત શત નમન.

દેશમાં કોઈ પણ ઘટના બને તો એનું પ્રતિબિંબ બૉલિવુડમાં જાવા મળે છે. કારગિલ યુદ્ધ પણ એમાં બાકાત નથી. કારગિલ યુદ્ધ પર આધારિત કે એને કેન્દ્રમાં રાખી અનેક ફિલ્મો-ગીતો બન્યાં છે. કારગિલ વિજય દિવસ પર આવી ફિલ્મો અને ગીતો પર પર એક નજર કરીએ.

પ્રાઇસ ઑફ બુલેટ્સ : ભારતનું પહેલવહેલું ઇન્ટરનેટ સૉંગ કારગિલ યુદ્ધ દરમ્યાન પેન્ટાગ્રામ દ્વારા રિલીઝ કરાયું હતું. ફરહાન અખ્તર દિગ્દર્શિત ગીતમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તર અને સંગીતકાર શંકર મહાદેવન જોવા મળ્યા હતા.

– ૨૦૦૧માં રિલીઝ થયેલી દિગ્દર્શક દિલીપ ગુલાટીની ફિલ્મ શહીદ-એ-કારગિલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો.

– મહેશ સુખધરે દિગ્દર્શિત ૨૦૦૨માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ સૈનિકામાં કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકની વાત આલેખવામાં આવી હતી. દાસરી ચૈતન્ય દ્વારા નિર્મિત ફિલ્મમાં સી. પી. યોગિશ્વર અને સાક્ષી શિવનંદા મુખ્ય ભૂમિકામાં હતા.

– બૉલિવુડની સૌથી લાંબી – ચાર કલાકની ફિલ્મ એલઓસી : કારગિલના દિગ્દર્શક હતા વૉર ફિલ્મો બનાવવા માટે જાણીતા જે. પી. દત્તા. ૨૦૦૩માં આવેલી ફિલ્મના કેન્દ્રમાં કારગિલ યુદ્ધ હતું.

– સહારા ઇન્ડિયા દ્વારા કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા ખાસ મિશન ફતેહ શો તૈયાર કરવામાં આવ્યો હતો. દૃશ્ય-શ્રાવ્ય શોમાં યુદ્ધના શહીદોની વણકહી વાતો જણાવવામાં આવી હતી.

– અમિતાભ બચ્ચન સહિત અનેક કલાકારોને ચમકાવતી ફરહાન અખ્તર દિગ્દર્શિત લક્ષ્ય ૨૦૦૪માં રિલીઝ થઈ હતી. ફિલ્મના કેન્દ્રમાં કારગિલ હોવા છતાં એમાં કલ્પનાના રંગો ઉમેરવામાં આવ્યા હતા.

– જ્યારે અશ્વિની ચૌધરી દિગ્દર્શિત ફિલ્મ ધૂપમાં કારગિલ યુદ્ધ પછીની વ્યથા દર્શાવવામાં આવી હતી. ધૂપના કલાકારો હતા ઓમ પુરી, રેવતી અને સંજય સુરી.

– મલયાલમમાં બનેલી કુરૂક્ષેત્ર (૨૦૦૮)ના લેખક-દિગ્દર્શક ઇન્ડિયન આર્મીના ભૂતપૂર્વ ઑફિસર મેજર રવિ. ફિલ્મમાં ૧૯૯૯ના કારગિલ યુદ્ધની વાત વણી લેવામાં આવી હતી.

 

– ૨૦૧૧માં રિલીઝ થયેલી પંકજ કપૂર દિગ્દર્શિત મૌસમ હકીકતમાં રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. પરંતુ એમાં ૧૯૯૨થી ૨૦૦૨ સુધીના સમયગાળાને દર્શાવાયો છે. ફિલ્મની વાર્તામાં કોમી તોફાનો, આતંકવાદી હુમલો અને ૧૯૯૯ના ભારત-પાક યુદ્ધને આવરી લેવાયા છે.

– ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે એ ગૂંજન સક્સેના : ધ કારગિલ ગર્લ એ કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર ભારતની પહેલી લડાકુ મહિલા પાયલટ ગૂંજન સક્સેનાની બાયોપિક છે. જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મનું દિગ્દર્શન શરન શર્માનું છે.

– ઉપરાંત કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બાત્રા પર આધારિત શેરશાહ ૨૦૨૦માં રિલીઝ થશે. વિશ્નુ વર્ધન દિગ્દર્શિત ફિલ્મમાં સિદ્ધાંત મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here