ઇંગ્લિશ બોલતા કે વાંચતા ન આવડતુ હોય એવા માટોભાગના લોકો લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. તો કોઈક એવા પણ હોય છે જે પોતાની નબળાઈને આગવી ઓળખ બનાવી દે છે. આવી એક વ્યક્તિ છે કુમાર. બૉલિવુડના જાણીતા ગીતકાર કુમારનું કહેવું છે કે એને અંગ્રેજી આવડતું નહોતું પણ આ ઓછપને એમનાં ગીતો થકી દૂર કરી. ગીતોમાં રિક્વેસ્ટા પાઇયાં, પરમિશન પાઇયાં, હેંગઓવર, દેસી બૉયમાં લેડી ગાગા ડેવા શબ્દોનો ઉપયોગ કર્યો અને લોકોને ઘણો પસંદ પડ્યો.

ગોલમાલ, સિમ્બા, ઝીરો, બધાઈ હો, ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક, સોનુ કે ટીટુ કી સ્વિટી, કેસરી અનેતાજેતરમાં રિલીઝ થયેલી સ્ટુડન્ટ ઑફ ધ યરનાં ગીતો લખનાર કુમારે ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન જમાવ્યું હતું કે, હું એવાં ગીતો લખું છું જેના રિંગ ટોન બની જાય છે. હાલ બૉલિવુડનાં ગીતોમાં પંજાબી ટચનું ચલણ ચાલી રહ્યું છે અને હું પંજાબનો હોવાથી મને એનો લાભ મળી રહ્યો છે.હું હિન્દીમાં પણ લખું તો પંજાબી લાગે છે.

ગીતોમાં પંજાબી ટચ હોવાને કારણે કામ મેળવવામાં આસાની રહેતી હશે નહીં?

હું આસાનીથી પંજાબી અને અંગ્રેજીને મિક્સ કરી ગીત બનાવી લઉં છું. મારાં ગીતોમાં પંજાબની ખુશ્બુ આવે છે. પણ ઘણા નિર્માતા મારી સાથે એટલા માટે કામ નથી કરતા કે મારી વાત કરવાની લઢણ પંજાબી છે. ઘણા કોર્પોરેટ હાઉસ મારી પંજાબી મિશ્રિત હિન્દીને કારણે મારી સાથે કામ કરવામાં રસ ન દાખવ્યો. આને કારણે મારા હાથમાંથી ઘણી મોટી ફિલ્મો જતી રહી, ઠીક છે ઇન્ડસ્ટ્રીમાં આવું ચાલ્યા કરે.

તમારાં ઘણાં ગીતો પોપ્યુલર થયા છે એનું કોઈ ખાસ કારણ?

કોઈ પણ ગીત હોય, લોકોને ત્યારે પસંદ પડે છે જ્યારે એ દિલથી લખાયું હોય. કેસરીમાં મેં એક ગીત લખ્યું હતું જેના શબ્દો છે સાનૂ કહંદી હૈ…, કેસરી તો એક પિરિયડ ફિલ્મ છે છતાં એનાં ગીતમાં મેં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કર્યો છે. એક વાર સાંભળો તો તમને ખયાલ પણ નહીં આવે.

યે દુનિયા પિત્તલ દી, ચિટ્ટીયાં કલાઇયાં જેવાં ગીતોએ તમને ઘણી ખ્યાતિ અપાવી…

હકીકતમાં મારાં પહેલું ગીત ઇશ્ક તેરા તડપાવે એટલું લોકપ્રિય થયું કે મને અનેક ઑફર આવવા લાગી. ત્યાર બાદ મેં મા કા લાડલા બિગડ ગયા, દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ, જો ભેજી થી દુઆ, તેનુ ઇતના પ્યાર કરું, તું જો નજરોં કે સામને, મેરે બિના મૈં, બેબી ડૉલ, દુનિયા પિત્તલ દી, ચિટ્ટીયાં કલાઇયાં જેવા અનેક ગીતો લખ્યાં જે આજે પણ ધૂમ મચાવી રહ્યાં છે.

અગાઉનાં ગીતો વરસો બાદ પણ ભૂલાયા નથી જ્યારે આજના ગીતો…

વાત સાચી છે. અગાઉ જ્યારે ગીતો લખાવવા આવતા ત્યારે પૂછતા હતા કે ગીતનું મુખડું શું છે, તો આજે પૂછે છે કે ગીતની હૂક લાઇન શું છે. ક્યારેક તો ગીત એક લાઇનમાં પતી જતું હોય એવું લાગે છે. ઉપરાંત ગીતોની લાઇફ ટૂંકી થઈ રહી હોવાનું કારણ એ પણ કહી શકાય કે આજે માર્કેટમાં એક સાથે અનેક ગીતો આવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here