કૌન બનેગા કરોડપતિની અગિયારમી સીઝન શરૂ થઈ રહી હોવાની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ પર આપી હતી. અત્યાર સુધી સાત સીઝન હૉસ્ટ કરી ચુકેલા અમિતાભ બચ્ચન ઓગસ્ટ મહિનામાં ઑન ઍર થઈ રહેલા ક્વિઝ શોનું સંચાલન કરશે.
મળતા અહેવાલ મુજબ કેબીસી-11ને પ્રાઇમ ટાઇમ 9 વાગ્યાનો સ્લૉટ મળ્યો છે. લેડીઝ સ્પેશિયલ 9.30 વાગ્યે પ્રસારિત થાય છે. લેડીઝ સ્પેશિયલ અગાઉ મા-દીકરીના સંબંધ પર આધારિત પતિયાલા બેબ્સ દર્શાવાય છે. જોકે રિપોર્ટ મુજબ પતિયાલા બેબ્સને નવો ટાઇમ સ્લૉટ અપાય એવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે લેડીઝ સ્પેશિયલ શો ઑફ ઍર કરાશે.
કેબીસી-11માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત 1 મેના રાતે 9 વાગ્યાથી થશે. આનો એક પ્રોમો પણ સોની ટીવીએ રિલીઝ કર્યો છે જેમાં ખુદ અમિતાભ બચ્ચને એ અંગેની જાણકારી આપતા દર્શાવાયા છે.
કૌન બનેગા કરોડપતિને શરૂ થયાને ઓગણીસ વરસ થયા હોવા છતાં એની લોકપ્રિયતામાં જરાય ઓટ આવી નથી. આ વરેસ ફેબ્રુઆરી મહિનામાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, આદર આદાબ અભિનદન આભાર. હું અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, આ વરસ-2019નું નવું અભિયાન કૌન બનેગા કરોડપતિ, ટૂંક સમયમાં આપના ઘરોમાં.