બૉલિવુડમાં મિલિટરી સંબંધિત વિષય પર ફિલ્મો બનાવવાનું ચલણ વધ્યું છે. એ સાથે સંરક્ષણ મંત્રાલય પણ ફિલ્મમાં કોઈ ખોટી જાણકારી ન જાય એ માટે ખાસ ધ્યાન રાખી રહ્યું છે. તાજેતરમાં ગૂંજન સક્સેના ફિલ્મ અંગે વિવાદ થયો હતો. આવા વિવાદને ટાળવા જ્હૉન અબ્રાહમ અને નિખિલ અડવાણીએ તેમની આગામી ફિલ્મ ગોરખા માટે સંરક્ષણ મંત્રાલય પાસે આગોતરી પરવાનગી માંગી છે.

જ્હૉન અબ્રાહમ હાલ સત્યમેવ જયતે અને મુંબઈ સાગા કરી રહ્યો છે ઉપરાંત નિખિલ અડવાણીના બેનર હેઠળ બની રહેલી ગોરખા પણ છે. ફિલ્મની વાર્તા મિલિટરીની ગોરખા રેજિમેન્ટ પર આધારિત છે. નિખિલ અડવાણીના પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલ સૂત્રનું કહેવું છે કે ફિલ્મના કેરેક્ટરના સ્કેચ અને વાર્તા કેવી હશે એની જાણકારી સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવી છે.

એણે વધુમાં જણાવ્યું કે લૉકડાઉન દરમ્યાન સંરક્ષણ મંત્રાલયની પરવાનગી માટેની તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. હવે તેમના જવાબની રાહ જાવાઈ રહી છે. સંરક્ષણ મંત્રાલયની પરવાનગી બાદ જ ફિલ્મનું શૂટિંગનું શિડ્યુલ તૈયાર કરાશે. નિર્માતા નથી ઇચ્છતા કે ફિલ્મની રિલીઝ સમયે કોઈ વિવાદ ખડો થાય.

તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ગૂંજન સક્સેના : ધ કારગિલ ગર્લ અને એ અગાઉ ઍરલિફ્ટ ફિલ્મને પણ સંબંધિત ડિપાર્ટમેન્ટની નારાજીનો સામનો કરવો પડ્યો હતો. ઍરલિફ્ટના સર્જક રાજા કૃષ્ણ મેનને ઑનરેકોર્ડ કહ્યું હતું કે અમે વિદેશ મંત્રાલયને સ્ક્રિપ્ટ આપી હતી પણ લાંબો સમય સુધી કોઈ જવાબ ન મળતા શૂટિંગ શરૂ કર્યું હતું.

ગૂંજન સક્સેના ફિલ્મ રિલીઝ થયા બાદ વાયુ સેનાની એક ભૂતપૂર્વ અધિકારીએ ફિલ્મમાં ખોટા તથ્યો દર્શાવવાનો જાહેરમાં આક્ષેપ કર્યો છે. જ્યારે ઇમરાન હાશ્મીની કેપ્ટન નવાબ માટે સંરક્ષણ મંત્રાલય તરફથી જવાબ આપવામાં ભારે વિલંબ કરાતા ફિલ્મને અભરાઈ પર ચડાવી દેવાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here