દૂરદર્શનના ન્યુઝ રીડરમાંથી સમાંતર (ઑફબીટ) ફિલ્મોમાં અભિનય પ્રતિભા દર્શાવનાર અભિનેત્રી બૉલિવુડમાં પણ ટોચના સ્થાને પહોંચી. એટલું જ નહીં, અમિતાભ બચ્ચન સહિતના સુપરસ્ટાર્સની હીરોઇન બનવાનું બહુમાન પણ સ્મિતા પાટીલે મેળવ્યું હતું. તો રાજકોટ જેવા શહેરમાં હૅલો સૌરાષ્ટ્રમાં ન્યુઝ ઍન્કર તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ ઢોલિવુડની સાથે બૉલિવુડમાં પણ ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધી રહેલી અભિનેત્રી જલ્પા ભટ્ટે ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન કરિયરની સાથે આગામી હિન્દી ફિલ્મ રિઝવાન વિશે વાત કરી હતી.

એક સામાન્ય પ્રશ્ન, કલાજગતમાં આવવાનું ક્યારે નક્કી કર્યું? તમારા ફૅમિલીમાં કોઈ  ફિલ્ડમાં છે?

મારા પરિવારમાંથી કોઈ ફિલ્મ કે નાટક સાથે સંકળાયેલું નથી. જોકે હું સ્કૂલમાં હતી ત્યારે નાટક – નૃત્ય જેવી ઇતર પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લેતી. ભણતર દરમ્યાન જ ડ્રામા કૉમ્પિટિશનમાં પણ ભાગ લેતી. આવા જ એક નાટક માટે મને ગુજરાત સંગીત નાટ્ય અકાદમીનો શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો. તો મુંબઈમાં આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં પણ ઇનામ મળ્યું. આ માન-અકરામને કારણે મારો ઉત્સાહ વધ્યો અને કલા ક્ષેત્રને જ કરિયર બનાવવાનું નક્કી કર્યું.

ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં નાટ્યપ્રવૃત્તિ થતી હોવા છતાં કલાકારને આગવી ઓળખ બનાવવા ભારે જહેમત કરવી પડે છે. તમારો અનુભવ શું કહે છે?

અમુક અંશે વાત સાચી હોઈ શકે કારણ, મુંબઈના નાટકોને જે રીતે દર્શકો આવકારે છે એટલો રિસ્પોન્સ અહીંના નાટકોને મળતો નથી. અત્યારે એ અંગેના કારણોની ચર્ચા અસ્થાને છે. હા, મારે મારી અભિનય પ્રતિભા દર્શાવવા ખાસ સ્ટ્રગલ કરવી પડી નથી. અમારૂં નાટક જોવા આવેલા રાજકોટના જાણીતા સર્જક વિક્રમ ડોડિયાને મારો અભિનય એટલો પસંદ પડ્યો કે મને તેમની ફિલ્મ મન મોર બની થનગનાટ કરેમાં લીડ રોલ ઑફર કર્યો.

પહેલી ફિલ્મ બાદ મેં પાછું વળીને જોયું નથી. વીસેક ગુજરાતી ફિલ્મો, વિક્રમ ભટ્ટની 1920 લંડન સહિત ચારેક હિન્દી ફિલ્મ, સાવધાન ઇન્ડિયા જેવી સિરિયલ ઉપરાંત 250 કરતા વધુ આલ્બમ કરી ચુકી છું. તાજેતરમાં એક બાયોપિક રિઝવાન કરી જેનું શૂટિંગ મોઝામ્બિક ખાતે કરવામાં આવ્યું છે.

રિઝવાન કોણ છે અને એમની બાયોપિક બનાવવાનું કોઈ ખાસ કારણ?

રિઝવાન આડતિયા મૂળ ગુજરાતના પોરબંદરના છે પણ વરસો અગાઉ આફ્રિકા ગયા અને સ્વબળે તેમનું ધંધાકીય સામ્રાજ્ય વિસ્તાર્યું. તેઓ માત્ર પૈસા કમાવામાં જ અવ્વલ નથી પણ એ પૈસાનો સદુપયોગ કરવામાં પણ અગ્રેસર છે. પોતાની આવકનો જીવન જરૂરિયાત પૂરતો હિસ્સો રાખી બાકીના પૈસા લોકસેવામાં ખર્ચે છે. તેમનું ટ્રસ્ટ આફ્રિકા ઉપરાંત ભારતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરે છે. તેમનું જીવન અનેક લોકો માટે પ્રેરણાત્મક હોવાથી હરેશ વ્યાસે ડૉક્ટર શરદ ઠાકર દ્વારા લખાયેલા પુસ્તક પરથી આ ફિલ્મ બનાવી છે.

તમારી આગામી ફિલ્મ? અભિનય સિવાય કી ઇતર પ્રવૃત્તિ કરો છો ખરા?

હિન્દી અને ગુજરાતીમાં બની રહેલી એક ફિલ્મ હું કરી રહી છું. જોકે એ વિશે હાલ વધુ કંઈ કહી શકીશ નહીં. અન્ય પ્રવૃત્તિમાં તો આલ્બમ ઉપરાંત એન્કરિંગ પણ કરૂં છું. હાલ મેરેજ એન્કરિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી સારા અને જાણીતા એન્કરની ડિમાન્ડ રહે છે. મેરેજની સીઝનમાં તો મને ફુરસદનો સમય પણ મળતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here