કમલ હાસનની ફિલ્મ ઇન્ડિયન-2ના સેટ પર થયેલી દુર્ઘટનામાં ત્રણ જણ મૃત્યુ પામ્યા. હકીકતમાં ચેન્નઈમાં ચાલી રહેલા શૂટિંગ દરમ્યાન ક્રેન પડતા મધુ (દિગ્દર્શક શંકરના એસોસિયેટ ડિરેક્ટર), કૃષ્ણા (આસિસ્ટંટ ડિરેક્ટર) અને સ્ટાફના એક સભ્ય ચંદ્રન મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઇજા પામેલા દસ જણને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇન્ડિયન-2ના સેટ પર જીવલેણ અકસ્માત થયો એ સમયે ફિલ્મની હીરોઇન કાજલ અગરવાલ સેટ પર હાજર હતી અને એનો આબાદ બચાવ થયો હતો. ક્રેન પડતી હતી ત્યારે એ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે દુર્ઘટનાને કારણે એ હજી આઘાતમાં છે. કાજલ અગરવાલે એના ટ્વીટર પર લખ્યું હતું કે, કાલે રાત્રે ભયાનક ક્રેન એક્સિડન્ટ બાદ હું ટ્રોમામાં છું. અકસ્માતથી બચી જીવંત રહેવા માટે માત્ર એક સેકન્ડ જેટલો સમય લાગ્યો. એ એક ક્ષણ. આભારી છું. સમયની સાથે ઘણું શીખી છું અને હું એનું સન્માન કરૂં છું.

અભિનેત્રીએ બીજા ટ્વીટમાં લખ્યું હતું કે, કાલે રાત્રે સાથીઓને ગુમાવવાનું જે દુખ થયું એને શબ્દોમાં રજૂ કરી શકતી નથી. કૃષ્ણા, ચંદ્રન અને મધુ આપના પરિવાર પ્રત્. મારી સંવેદના. ઈશ્વર તેમને શક્તિ આપે.

ઇન્ડિયન-2ના અભિનેતા કમલ હાસને પણ એના ટ્વીટર હેન્ડલ પર દુખ વ્યક્ત કરી ચુક્યા છે.