આવી રહી છે જેમ્સ બૉન્ડ ફિલ્મ મને મરવાનો સમય નથી (નો ટાઇમ ટુ ડાઈ)
મજા તો ત્યારે આવશે જ્યારે ફિલ્મી દુનિયાનો મશહૂર ડિટેક્ટિવ જેમ્સ બૉન્ડ ગુજરાતીમાં સંવાદ બોલતો દુશ્મનોને ખોખરા કરતો હશે કે એની હીરોઇનો સાથે ગુજરાતીમાં રોમાન્સ કરતો જોવા મળશે.
અત્યાર સુધીમાં જેમ્સ બૉન્ડ સીરિઝની 24 ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે. એની પચીસમી એટલે કે જ્યુબિલી ફિલ્મ નો ટાઇમ ટુ ડાઈ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ડેનિયલ ક્રેગ બ્રિટનની પ્રતિષ્ઠિત સીક્રેટ સર્વિસ એજન્સી એમ16ના એજન્ટ 007ની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું ગુજરાતીમાં ડબિંગનું કામ પૂરૂં કરી એનું ટ્રેલર પણ રિલીઝ કરાયું છે. ટ્રેલરમાં જેમ્સ બૉન્ડ એનો વિખ્યાત ડાયલોગ માય નેમ ઇઝ બૉન્ડ જેમ્સ બૉન્ડ ગુજરાતીમાં નામ છે બૉન્ડ, જેમ્સ બૉન્ડ બોલતો જોવા મળે છે. ગુજરાતી બૉન્ડ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
કૈરી જોજી ફુકુનાગા દ્વારા દિગ્દર્શિત નો ટાઇમ ટુ ડાઈના વિલનની ભૂમિકામાં છે લૂસિફેર સફીન અને રામી મલેક જ્યારે એની પ્રેમિકા બની છે લી સેડૌક્સ. ઉપરાંત લશાના લિંચ, બૅન વ્હિસ્વા અને રાલ્ફ ફીનેસ મુખ્ય ભૂમિકામાં છે.
હૉલિવુડની ફિલ્મને ગુજરાતીમાં ડબ કરી રિલીઝ કરવાનો પ્રયોગ કેટલો સફળ થાય એ કહી શકાય નહીં. જેમ્સ બૉન્ડની ફિલ્મ છે એટલે એના ઍક્શન અને ગ્લેમર જોવા શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો કુતુહલવશ જાય ખરા. પણ ગુજરાતીમાં ડબ કરાયેલી હૉલિવુડની બધી ફિલ્મો ધંધો કરશે જ એની કોઈ ગેરેન્ટી નહીં, એમ બૉલિવુડના અગ્રણી નિર્માતા-દિગ્દર્શક મેહુલ કુમારે જણાવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોઈ જોખમ ખરૂં પ્રશ્નના જવાબમાં મેહુલ કુમારે જણાવ્યું કે ગુજરાતી અને અંગ્રેજી બંનેના કલ્ચર અલગ છે, એટલે હું નથી માનતો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બિઝનેસ પર હૉલિવુડની ફિલ્મોની કોઈ અસર પડે.
જ્યારે અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મ સિરિયલના નિર્માતા-દિગ્દર્શક ધર્મેશ મહેતાનું કહેવું છે કે હૉલિવુડની ફિલ્મો ગુજરાતીમાં રિલીઝ કરવાનો વિચાર જ ઉત્તમ છે. હું તો કહીશ કે સાઉથ બાદ હૉલિવુડના નિર્માતાઓએ ગુજરાતીમાં ફિલ્મ ડબ કરવાનું વિચાર્યું એ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. ગુજરાતમાં શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારના અંગ્રેજી સમજી શકતા નથી એવા ફિલ્મોના રસિયાઓને વૈશ્વિક સ્તરની ફિલ્મો પણ માણી શકશે. મારા હિસાબે તો એક સારા ટ્રેન્ડની શરૂઆત થઈ રહી છે.