અને દિલીપ રાવલ પાંજરામાં પુરાયો

“મોટા ઘરની વહુ”નો નાટ્ય પ્રયોગ મલાડ ખાતેના શામિયાણામાં હતો. વર્ષો પહેલાં દર વર્ષે 24 કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોરિવલીથી વિરારના પ્રેક્ષકો માટે આ દિવસો દરમ્યાન N.L. Highschoolના પ્રાંગણમાં નાટ્યોત્સવ યોજાતો. 5-6 દિવસ દરમ્યાન નાટકો, ડાયરો અને સંગીતના કાર્યક્રમો થતાં અને અમારું નાટક હતું ત્યારે જાદુગર કે. લાલનો પણ પ્રયોગ હતો. મારી અને દિલીપની પહેલી એન્ટ્રી થઈ ગઇ હતી. બીજા કે ત્રીજા દૃશ્યમાં પ્રસંગ એવો હોય છે કે અમિત દિવેટિયા સ્ટેજ પર છાપું વાંચતા હોય છે અને હેડ લાઈન વાંચતાં જ હોય છે અને દિલીપ પ્રવેશે. પણ થયું એવું કે, બીજી એન્ટ્રી પહેલાં દિલીપ નેપથ્યમાં આંટા મારતો કે. લાલના કોઈ એક પાંજરા તરફ ગયો અને કુતૂહલ વશ ‘અંદર શું છે’  એ જોવા અંદર ગયો અને પાંજરું બંધ થઈ ગયું. કેમ કરીને ખુલે નહી. ત્યાં એની બીજી એન્ટ્રી આવી ગઈ પણ દિલીપ ક્યાંય કોઈને જડે નહીં. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. કોઈકની નજર પાંજરામાં પુરાયેલા દિલીપ પર પડી. ત્યાં સ્ટેજ પર અમિતભાઈ  જે છાપું વાંચતા બેઠા હતા એમણે બધી જ હેડ લાઈન વાંચી એમ કહોને કે લગભગ આખું છાપું જ વાંચી નાખ્યું, રેશમા એમની પત્નીનો રોલ કરતી એ 2-3 વાર ચા આપી ગઈ પણ દિલીપ આવે નહી. ત્યાં નેપથ્યમાં બધા કે.લાલના કસબીઓને શોધે જેથી પાંજરું ખુલે અને દિલીપ સ્ટેજ પર જાય. સ્ટેજથી થોડે દૂર ક્યાંક બહાર કે. લાલની અમુક છોકરીઓ દેખાઈ એ લોકો દોડી આવ્યા અને પાંજરામાં પુરાયેલો દિલીપ સ્ટેજ તરફ એવો દોડ્યો કે વાત ન પૂછો. અને એના આવતાની સાથે જ અમિતભાઈએ, જાણે દિલીપ જંગ જીતીને આવ્યો હોય એમ, એને નાના બાળકની જેમ ઊંચકી જ લીધો.

  • વિપુલ મહેતા

પ્રેક્ષકોનાં ડચકારા છતાં શૈલેષ દવેએ પીઠ થાબડી

હું શૈલેષ દવેના ખેલ નાટકમાં કામ કરતો હતો, ઓપનિંગમાં બે શો પાટકર હોલમાં હતા.પહેલા શોનો દર્શકોનો જે રીતનો રિસ્પોન્સ મળ્યો હતો, એને કારણે આખી ટીમ ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ હતી. ચા-પાણી નાસ્તો પતાવીને બીજા શોની તૈયારીઓ કરી, બીજો શો શરૂ થયો. ધીમે ધીમે શો આગળ ચાલતો હતો અને અમારો ઉત્સાહ પણ ખૂબ જ હતો. કુંદન ઠાકોર શૈલેષ દવેના પાત્રનું નામ અને દિનુ ભાઈ ત્રિવેદીના પાત્રનું નામ અમૃત ઝવેરી. મેં એમાં કિડનેપરનો રોલ કર્યો હતો, અને શૈલેષ દવેનો હું આસિસ્ટન્ટ પણ હતો એટલે રિહર્સલ દરમ્યાન એમનો રોલ હું કરતો જ્યારે દવેસાહેબ સેટ કરતા હતા. શો દરમ્યાન એક વખત મારે ફોન લગાડવાનો હતો અને અમૃત ઝવેરીને બદલે હું કુંદન ઠાકોર બોલી ગયો. પબ્લિકમાંથી, ડચકારા હું સાંભળી શકતો હતો. મારી ભૂલ મને સમજાઈ ગઈ, પછી મારી ભૂલ સુધારવાને બદલે આગળ વધ્યો. શો પત્યો અને મેં દવે સાહેબ ને sorry કહ્યું અને રડમસ થઈ ગયો. પણ ત્યારે દવે સાહેબ જે બોલ્યા એનાથી મારો ઉત્સાહ ખૂબ જ વધી ગયો. દવેસાહેબ બોલ્યા “એમાં શું થયું, અમારાથી પણ આવી ભૂલ થઈ જ છે, બહુ વિચાર નહીં કરવાનો અને તે જે કર્યું તે બરાબર જ કર્યું, તું અટક્યો નહીં એ બહુ સારું કર્યું.” એ પછી ઘણાં શો થયા પણ એ ભૂલ બીજીવાર ક્યારેય ના કરી. નાટકના ૧૪૭ શો થયાં.

  • શરદ શાહ

અને વિનોદ પર થુંકનો છંટકાવ..!!

હું એક નાટકમાં કામ કરતો હતો તે નાટકનું નામ હતું “માસ્ટર પ્લાન” બાબુલ ભાવસાર લિખિત અને કમલેશ મોતા દિગ્દર્શિત…. એમાં હું એક વફાદાર ગુરખાનો રોલ કરતો હતો (પાત્રનું નામ વિષ્ણુ હતું) નાટકના બીજા દ્રશ્યમાં એક ટેલિફોન બુથમાં બૉમ્બ બ્લાસ્ટ થાય છે અને વિષ્ણુ એમાં મરી જાય છે… અને મારા માલિક ( જે સ્વર્ગસ્થ શ્યામ અસરાની કરતા હતા ) મારી લાશને મારા માલિક એમના ખોળામાં લઇ આક્રંદ કરી રહ્યા છે. હવે થયું એવું કે પહેલા show થી શ્યામભાઈ મારા ચહેરા સામે જોઈ વિષ્ણુ મારા વિષ્ણુ કહી પોતાના સંવાદો બોલે… અને શ્યામભાઈ બોલે અને એમનું થુંક મારા ચહેરા પર ઉડતું… મેં આ વાતની શ્યામભાઈને ફરિયાદ કરી પણ થુંકનો સિલસિલો ચાલુ રહ્યો. પછી મારા મિત્ર નીતિન ત્રિવેદીએ મને કહ્યું કે કમલેશને વાત કર… મેં કમલેશને પણ ફરિયાદ કરી, પણ થુંકનો સિલસિલો હજી પત્યો નહોતો… પણ પછી મેં નક્કી કર્યું કે હવે મારેજ કશુંક કરવું પડશે… એટલે મરતી વખતે હું મારા બન્ને હાથથી મારો ચહેરો ઢાંકી લેતો… પણ એમાં શ્યામભાઈ મારો ચહેરો જોવા મારા હાથ, મારા ચહેરાથી હટાવતા અને પછી પાછું એજ થુંક અને એજ સિલસિલો…. પછી મેં એક નવો કીમિયો અજમાવ્યો, જેવા શ્યામભાઈ મને એમના ખોળામાં લેતા ત્યાં સુધી હું સીધો રહેતો પણ જેવું બોલવા લાગતા એટલે એક લાશ આખેઆખી પડખું ફેરવી છાતી સરસી સુઈ જતી… એક show માં લાફ્ટર પણ આવેલું કે લાશ હલી… અને એ સીન જોવા નીતિન ત્રિવેદી ખાસ વિંગમાં ઊભો રહી જતો. અને એની સુધી હસતા હસતા પોતાના ડાયલોગ બોલતો.

  • વિનોદ સરવૈયા

અંધારામાં સેટ અને પ્રકાશ આવતાં સંજય ગોરડિયાનો ચહેરો પડી ગયો

“બાને ઘેર બાબો આવ્યો”નો લંડન ખાતે છેલ્લો પ્રયોગ હતો. હું પ્રકાશ યોજના સંભાળતો હતો. મારી કેબિન પ્રેક્ષકોની પાછળ ઉપરના ભાગમાં હતી. બે દૃશ્ય વચ્ચે મારે બ્લેક આઉટ કરવાનું હતું એ કર્યું અને 15 – 20 સેકંડ બાદ ફરી પ્રકાશ આપવાનો હતો. ત્યાં જ મને “ધડામ” કરતો અવાજ સંભળાયો અને હું સમજી ગયો કે અંધારામાં સ્ટેજ પર કોઈક પડયું, એટલે 15 – 20 સેકંડ કરતા મેં થોડું વધારે વાર અંધારું રહેવા દીધું જેથી જે કોઈ પણ પડયું-કર્યું હોય એ પોતાને સંભાળી લે. અને જ્યારે સંગીતની છેલ્લી બીટ હતી ત્યારે પ્રકાશ આપ્યો તો સ્ટેજ પરનું દૃશ્ય જોઈ હું ચોંકી જ ઉઠ્યો. વિદેશમાં જે સેટ અમે લઈ જઈએ એ વજનમાં ખૂબ જ હલકો હોય અને એ પડી ગયો હતો અને સંજય ગોરડિયા સેટ પકડી ફાં ફાં મારતો ઊભો હતો અને પ્રેક્ષકો તેમ જ મારી તરફ જોઈને કહ્યું “સેટ પડી ગયો” એ વખતે સંજયનો દયનીય ચહેરો અને એના હાવભાવ જોવા જેવા હતા. (જે સંજય ગોરડિયાને સારી રીતે ઓળખતા હશે એ કલ્પના કરી શકે છે કે એના હાવભાવ આ વખતે exactly કેવા હશે). પલ્લવી પ્રધાન પણ બીજા દૃશ્યની સાડી પહેરી પાલવ સરખો કરતી દોડી આવી કે “શું થયું”… આ આખું દૃશ્ય હજી મારી નજરો સામે તરવરે છે. (વિપુલ આ વાત કરતા recorded સંદેશમાં પણ એટલું હસી રહ્યો હતો  જાણે બે મિનિટ પહેલાં જ બધું ઘડાયું હોય). અમે પડદો પાડ્યો અને હું દોડીને સ્ટેજ પર પહોંચ્યો અને સેટ ફરી લગાડતા બધા સતત હસી રહ્યા હતા અને ચર્ચા પણ ચાલી કે અંધારામાં સેટ પાડ્યો કોણે ? પછી ખબર પડી કે અંધારામાં સેટ સાથે પ્રતાપ સચદેવ અથડાયા હતા જે એક ખૂણામાં જઈ શાંતિથી બેસી ગયા હતા.

  • વિપુલ મહેતા

અને બાબુલનું પાટલૂન ઉતરી ગયું!

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર આધારિત “ભારત ભાગ્ય વિધાતા”નો બીજો પ્રયોગ પુણેના નહેરુ હોલમાં હતો – આ નાટકમાં હું ૭ વિવિધ ભૂમિકા કરું છું – છેલ્લી ભૂમિકા ઇંગ્લેન્ડના રાજા કિંગ જ્યોર્જની અને શાહી પોશાકમાં રાણી સાથે અમારા મહેલના દરબારમાં પ્રવેશ કરું છું જ્યાં ગાંધીજી મને મળવા આવ્યા છે – ભૂમિકા ખૂબ જ ગંભીર અને મારે એ દ્રશ્યમાં ગાંધીજીને ધારદાર સંવાદો દ્વારા અપમાનિત કરવાના હોય છે. સ્ટેજ પર પ્રવેશતા જ બે પળમાં પ્રેક્ષક ગૃહમાં ખબર નહીં કેમ પણ હાસ્યનું મોજું ફરી વળ્યું. હું અને બીજા બધા કલાકારો વિચારમાં પડ્યા કે “થયું શું ?” પ્રવેશીને મારે રાજાની ખુરશીમાં બેસવાનું હોય છે અને હું બેસવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે મારું પાટલૂન ઘૂંટણ સુધી ઉતરી ગયું છે – હવે મને અને બીજા કલાકારોને ભાન થયું કે “વાત શું હતી” – મારો પોશાક એવો હતો કે પાટલૂન ફૂમતાં જેવું અને ઉપરનું પહેરણ માત્ર કમર સુધી – એ તો ઠીક હતું કે એ પાત્ર બાદ મારે જે બીજી ભૂમિકા કરવાની હતી એમાં સફેદ ચોયણી આવતી જે મેં પહેલેથી પહેરી રાખી હતી એટલે બચી ગયો – નહીં તો પરિસ્થિતિ ખૂબ જ શરમજનક રહેત –  મેં જરા પણ વિચલિત થયા વગર પ્રેક્ષકોની સામે જ પાટલૂન ચઢાવી, બેઠો અને બાદનું દ્રશ્ય પણ પૂરી ગંભીરતા સાથે ભજવ્યું અને એ જ તીવ્રતા સાથે સંવાદો બોલ્યો જાણે કઈં થયું જ નથી. અને પાત્ર પૂરું કરી નેપથ્યમાં ગયો ત્યારે બધાને હસતા જોઈ હું પણ હસવા લાગ્યો .

  • બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here