24 કેરેટનું તો સોનુ હોય પણ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે 24 કેરેટ પિત્તળ. નામ જ એવું છે કે દર્શકોને કુતુહલ થવાની સાથે વિચારતા કરી મુકે કે શું હશે આ 24 કેરેટ પિત્તળમાં?

માનવ સહજ સ્વભાવની વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે. દરેક વ્યક્તિમાં ઓછાવત્તે અંશે દંભ છુપાયેલો હોય છે. કોઈ છાતી ઠોકીને કહી નહીં શકે કે એણે ક્યારેય દંભ કર્યો નથી. પોતાની પાસે ફૂટી કોડી નહીં હોય પણ ફાંકા એવા મારશે કે એ લખેશરીનો દીકરો હોય. અમિર હોય કે ગરીબ, બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરૂષ… દંભ દરેકમાં જોવા મળે છે. આ માનવસહજ અવગુણને લેખક-દિગ્દર્શક યોગેશ પટેલે માર્મિક રીતે તેમની ફિલ્મ 24 કેરેટ પિત્તળમાં દર્શાવી છે. ફિલ્મનો હીરો આવા દંભી લોકોને સાદગી અને વાસ્તવિકતાના પાઠ ભણાવવાનું બીડું ઝડપે છે. અને એમાં સર્જાય છે હાસ્યનું હુલ્લડ.

માર્વી વર્લ્ડ બેનર હેઠળ બનેલી નિર્માતા રાકેશ શાહ અને નિમેશ શાહની ફિલ્મ 24 કેરેટ પિત્તળથી આરજે કુણાલ ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મના અન્ય કલાકારો છે વિકી શાહ, ભક્તિ કુબાવત, હિતેશ રાવલ, ભરત ઠક્કર, કામિની પટેલ, જય પંડ્યા અને વિપુલ વિઠલાણી. ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

માહિતી : ધનલક્ષ્મી ત્રિવેદી

રજૂઆત : ફિલ્મી ઍક્શન ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here