Film Screening Committee માટે બે મૃત વ્યક્તિની પસંદગી
ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ૪ નવેમ્બર, ૨૦૧૯ના એક ઠરાવ (ઠરાવ ક્રમાંક : ફલમ/૧૦૨૦૧૮/૧૫૧/અ) દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ જાહેર કરી હતી.
ગુજરાતી ફિલ્મોના વિકાસ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે સબસિડી અપાય એ હાલના સમયની ગરજ છે. પરંતુ આ નીતિ હેઠળ ચલચિત્ર પરીક્ષણ સમિતિ (Film Screening Committee) માટે જે સભ્યોના નામની જાહેરાત થઈ છે એ આશ્ચર્ય પમાડે એવી છે.
જેમ ઘણા કાયદાઓ અંગ્રેજ રાજમાં હતા એ સીધા ઉપાડી લેવાયા છે અને આજે પણ એ અમલમાં છે તેમ સરકારી બાબુઓએ પણ તેમની પાસેની વરસો જૂની યાદીમાં રહેલા નામો પર આંખો બંધ કરી જ્યાં આંગળી અટકે એ નામ યાદીમાં ઉમેરી દીધું હોય એવું લાગે છે. કારણ, ઘણા એવા નામો છે જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવું અને કેટલું યોગદાન આપ્યું એની ખુદને ખબર નહીં હોય. શબ્દો જરા આકરા લાગશે પણ આ હકીકત છે.
યાદીમાં બે મૃત વ્યક્તિના નામો
સરકારી બાબુની ખરી કરામાત તો હવે આવે છે. આ યાદીમાં બે નામ એવા છે જેઓ હવે આ દુનિયામાં હયાત જ નથી. ઢોલિવુડના ખ્યાતનામ કેમેરામેન રણદેવ ભાદુરીને અવસાન પામ્યાને લગભગ છ-સાત મહિના થયા હશે. તો જાણીતા દિગ્દર્શક સુભાષ શાહ લગભગ એકાદ મહિના અગાઉ મૃત્યુ પામ્યા છે. શું માહિતી ખાતાના અધિકારીઓ પાસે આટલી મહત્ત્વની માહિતી ઉપલબ્ધ નહોતી કે હયાત નથી એવી વ્યક્તિના નામો યાદીમાં ઉમેરી દીધા. કે પછી યાદી બનાવવી પડે એમ હતી એટલે જે નામ હાથ લાગ્યા એની ચકાસણી કર્યા વિના યાદીમાં મુકી દીધા.
ધન્ય છે આવા માહિતી ખાતાના અધિકારીઓને.