દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા અને બૉલિવુડમાં પણ પોતાના નામનો ડંકો વગાડી ચુકેલા પ્રકાશ રાજે તાજેતરમાં એક એવું કામ કર્યું છે કે લોકો આ વિલનના વખાણ કરતા થાકતા નથી. કોરોનાને કારણે દેશભરમાં લૉકડાઉન છે અને લોકો પોતાના ઘરમાં કેદ થયા હોવાથી નાણાંકીય ભીંસ અનુભવી રહ્યા છે. આવા સમયે પ્રકાશ રાજે એના સ્ટાફની વહારે આવ્યો છે. આ અંગે ખલનાયક પ્રકાશ રાજે ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી.

સિંઘમ સ્ટારે ટ્વીટમાં જણાવ્યું કે, જનતા કર્ફ્યુને કારણે મેં ફાર્મ હાઉસ, ફિલ્મ પ્રોડક્શન, ફાઉન્ડેશન અને અંત સ્ટાફને મે સુધીનો પગાર એડવાન્સમાં આપ્યો છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે બંધ પડેલી મારી ત્રણ ફિલ્મોના ડેઇલી વેજ વર્કર્સને અડધો પગાર આપવાનો વચલો રસ્તો કાઢ્યો છે. આનાથી હું અટકીશ નહીં. જ્યાં સુધી હું અફોર્ડ કરી શકું છું ત્યાં સુધી હું કરતો રહીશ. આપ સૌને અનુરોધ છે કે આપની આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય તેમને સહાય કરો. આ સમય જિંદગી આપવાનો છે. આ સમય એકત્ર આવવાનો છે.

પ્રકાશ રાજની ટ્વીટની લોકો ભરપુર પ્રશંસા કરી રહ્યા છે. પ્રકાશ રાજનું આ પગલું અન્યોને પણ પ્રેરિત કરનારૂં છે.

આ અગાઉ મનીષ પૉલે પણ પોતાના સ્ટાફને એડવાન્સ સેલેરી આપી રજા પર મોકલી દીધા હતા. તો મરાઠી નાટકના દિગ્ગજ કલાકાર પ્રશાંત દામલેએ પણ એના નાટકના બેક સ્ટેજના 23 કર્મચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ પેટે ચુકવ્યા હતા.