બૉલિવુડમાં હાલ સત્યઘટનાત્મક વિષયો પર કે બાયોપિક ફિલ્મો બનાવવાનો દોર ચાલી રહ્યો છે. આ વરસની શરૂઆતમાં ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી હતી. દર્શકોને ફિલ્મ એટલી પસંદ પડી કે માત્ર 45 કરોડમાં બનેલી ફિલ્મે 337 કરોડ રૂપિયા જેટલો બિઝનેસ કર્યો. જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલી લાલબહાદુર શાસ્ત્રીના તાશ્કંદમાં થયેલા આકસ્મિક નિધન બાદ તેમના મૃત્યુ અંગે થઈ રહેલી શંકા-કુશંકાને કેન્દ્રમાં રાખી બનેલી તાશ્કંદ ફાઇલ્સ પણ બૉક્સ ઑફિસ પર સારો એવો વકરો કરી રહી છે. દેશભક્તિ પર બનેલી ફિલ્મોએ હંમેશ દર્શકોમાં આગવું સ્થાન મેળવ્યું છે. હવે મળી રહેલા અહેવાલ મુજબ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમ્યાન ભારતીય નૌકાદળે કરાચી બંદર પર કરેલા હુમલા પર આધારિત ફિલ્મ બની રહી છે.

જાણવા મળ્યા મુજબ ટી-સિરીઝના ભૂષણ કુમાર, તનુજ ગર્ગ, અતુલ કસ્બેકર અને સ્વાતિ ઐયર ચાવલા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. નૌસેનાની અપ્રતિમ કામગીરી પર ફિલ્મ બની રહી હોવાથી એનું નામ નેવી ડે રાખવામાં આવશે.

આ વરસના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

ફિલ્મ અંગે જણાવતા ભૂષણ કુમારે જણાવ્યું કે આપણા નૌકાદળે 1971ના યુદ્ધ દરમ્યાન આર્થિક રાજધાની એવી કરાચી પર હુમલો કરી પાકિસ્તાનની કમર ભાંગી નાખી હતી. વીરતા, રણનીતિ અને રોમાંચનો ત્રિવેણી સંગમ ધરાવતી આ સત્યઘટના છે. આ ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી રહેલા ઍડ ફિલ્મોના દિગ્દર્શક રજનીશ ઘઈ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.

આર્મીનું બેકગ્રાઉન્ડ ધરાવતા રજનીશે અગાઉ ઍરફોર્સની 84મી વર્ષગાંઠ પર બનેલી ફિલ્મનું દિગ્દર્શન કરી ચુક્યા છે.

1971ની 3 ડિસેમ્બરે પાકિસ્તાની હવાઇદળે ભારતના અમૃતસર અને આગરા પર હવાઈ હુમલો કર્યા બાદ ભારત-પાક યુદ્ધની શરૂઆત થઈ. પાકિસ્તાની હુમલા બાદ ભારતીય સેનાની ત્રણે પાંખે પૂરી તાલમેલ સાથે વળતો જવાબ આપ્યો અને દુશ્મન દેશને ખોખરૂં કરી નાંખ્યું. જોકે નૌસેનાએ પાકિસ્તાનની આર્થિક રાજધાનીની સાથે એના એક માત્ર બંદર પર હુમલો કરી તહસનહસ કરી નાંખ્યું હતું. તત્કાલીન એડમિરલ સરદારીલાલ મથરાદાસ નંદાના માર્ગદર્શન હેઠળ નૌસેનાએ 4 અને 5 ડિસેમ્બરે કરાચી પર હુમલો કર્યો જેમાં પાકિસ્તાનની અનેક ગનબોટ્સ, સબમરીન, ડિસ્ટ્રોયર સહિત અનેક જહાજો નાશ પામ્યા હતા. જ્યારે કરાચી બંદર અને ત્યાં આવેલા નેવલ બેઝને ભારે નુકસાન પહોંચ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here