કોરોના વાઇરસના ડરને કારણે પહેલા અક્ષય કુમારની સૂર્યવંશી અને પછી રણવીર સિંહની 83 મુલતવી રહી. જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા આ વાઇરસને કારણે એટલા આઘાત પામ્યા છે કે એની અસર ઈદ સુધી જોવા મળી શકે છે. ફિલ્મ વિતરક રાજ બંસલે સોશિયલ મીડિયા પર લખ્યું, આ વરસે ઈદ પર માત્ર એક જ ફિલ્મ રિલીઝ થશે અને એ છે કોરોના વાઇરસ ઇન ઇન્ડિયા. આને પગલે સલમાન ખાનના તમામ ફૅન્સ નારાજ થઈ ગયા, તો ઘણાએ એમાં સૂર પુરાવ્યો.

આ વરસે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈની રિલીઝનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ પણ ઈદના દિવસે જ રિલીઝ થવાની છે. જોકે લૉકડાઉન પૂરૂં થયા બાદ ફિલ્મોની રિલીઝ અંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ અલગ અલગ વિચાર ધરાવે છે. ઇન્ડસ્ટ્રીના અમુક ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે થિયેટર ખુલ્યા બાદ તુરંત નવી ફિલ્મ રિલીઝ નહીં થાય. પરંતુ બાગી-3, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મો રી-રિલીઝ થઈ શકે છે. એને કારણે થિયેટર માલિકોની સાથે બૉક્સ ઑફિસને પણ રાહત મળી શકે છે.

જોકે મુંબઈના ટ્રેડ એનાલિસ્ટ કંઇક અલગ અભિપ્રાય ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ કોરોના વાઇરસને કારણે ઇન્ડસ્ટ્રીને અત્યાર સુધીમાં 700-800 કરોડનું નુકસાન થઈ ચુક્યું છે. જો આવી હાલત થોડી વધુ લંબાય તો નુકસાનનો આંકડો 1200-1300 કરોડ પર પહોંચી શકે છે. હકીકતમાં 2020નું વરસ બૉક્સ ઑફિસ માટે સારૂં રહ્યું નથી. અજય દેવગણની તાનાજી સિવાય પહેલા ત્રણ મહિનામાં એક પણ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી શકી નથી. બાગી-3 રિલીઝ થયાના બીજા જ અઠવાડિયે થિયેટર બંધ કરવાનો આદેશ અપાયો. માર્ચ તો સાવ કોરોધાકોર વીત્યો પણ એપ્રિલમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અચ્છે દિન આવે એવું હાલ તુરત જણાતું નથી.