વીસમી સદીના વિજય દત્તથી લઈ આજની એકવીસમી સદી સુધીમાં અનેક હીરો આવ્યા અને એમાંના ઘણા નિવૃત્ત થઈ ગયા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિલન આજની તારીખમાં અડીખમ છે. આ સમયગાળા દરમ્યાન અનેક ખલનાયકો આવ્યા પણ કોઈ એમનું સ્થાન ડગમગાવી શક્યું નથી. સતત પંચાવન વરસથી ખલનાયકી કરતો હોવા છતાં આ કલાકાર આજની તારીખે પણ ઢોલિવુડનો સૌથી ડિમાન્ડિંગ વિલન છે. જી, વાત થઈ રહી છે ફિરોઝ ઇરાનીની.

આ નવેમ્બર મહિનો તેમના માટે ખાસ બની રહેશે કારણ, ૧૫ નવેમ્બરે તેમનો પુત્ર અક્ષત ઇરાની ગુજરાતી ફિલ્મ મિસ્ટર કલાકારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે પદાર્પણ કરી રહ્યો છે. તો ૨૨ નવેમ્બરે તેમનો ૭૦મો જન્મદિવસ છે.

૧૯૬૫માં તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી પરંતુ ૧૯૭૦-૭૧માં આવેલી જીગર અને અમી ફિલ્મથી સંજીવકુમારના નાના ભાઈની ભૂમિકાથી ખ્યાતિ મળી. ત્યાર બાદ તેમણે પાછા વળીને કદી જોયું નથી. ૧૯૭૪ બાદ તેઓ એટલા વ્યસ્ત થયા કે એક જ દિવસમાં પાંચ-પાંચ ફિલ્મોનું શૂટિંગ કરતા. આ સમયગાળા દરમ્યાન તેઓ માત્ર સવારે ૬ થી ૮ વાગ્યા સુધી જ સૂતા અને બાકીનો સમય શૂટિંગ માટે ફાળવતા.

માત્ર અભિનય જ નહીં, નિર્માતા-દિગ્દર્શક તરીકે ૧૯૯૫માં તેમણે કાજોલ-જેકી શ્રોફ અને રતિ અિગ્નહોત્રીને લઈ હિન્દી ફિલ્મ હોતે હોતે પ્યાર હો ગયા બનાવી. ફિલ્મે સારો બિઝનેસ કર્યો પણ ગુજરાતી ફિલ્મોમાં એટલા વ્યસ્ત હતા કે બૉલિવુડ માટે સમય જ ફાળવી શકતા નહોતા. તેમણે ગુજરાતીમાં પણ કંચન અને ગંગા, રંગીલી ગુજરાતણ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

ફિરોઝ ઇરાની લગભગ પચીસ વરસના સમયગાળા બાદ ફરી દિગ્દર્શક તરીકે એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં તેઓ પુત્ર અક્ષત ઇરાનીને લાન્ચ કરી રહ્યા છે. ભરત સેવક નિર્મિત ફિલ્મ મિસ્ટર કલાકારમાં અક્ષત ઇરાની ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં આગવું સ્થાન મેળવનાર અભિનેત્રી પૂજા ઝવેરી, મનોજ જોશી, અદી ઇરાની, જીતુ પંડ્યા અને ખુદ ફિરોઝ ઇરાની કામ કરી રહ્યા છે. તો સંગીત છે સંજીવ દર્શનનું.

અક્ષત ઇરાની

દિમાગથી ભલે એન્જિનિયર હોય પણ અક્ષયનું દિલ તો અભિનય માટે જ ધડકતું રહ્યું છે. અને એટલા માટે અભિનય ગુરૂ કિશોર નમિત કપૂર પાસે અભિનયની તાલીમ લેવા ઉપરાંત ફિલ્મ નિર્માણથી લઈ દિગ્દર્શનના પાઠ પણ ભણેલા અક્ષતે કૌશલ મોઝીસ પાસે પાંચ વરસ સુધી ઍક્શનની પણ ટ્રેનિંગ લીધી છે. અબ્બાસ મુસ્તનના ઍક્શન ડિરેક્ટર એવા કૌશલ મોઝીસ પાસે ટાઇગર શ્રોફે પણ ટ્રેનિંગ લીધી છે.

હિન્દીના દિગ્ગજો પાસે ટ્રેનિંગ લીધી હોવા છતાં ગુજરાતી ફિલ્મથી અભિનય કરિયર શરૂ કરવાનો નિર્ણય કેમ લીધો? પ્રશ્નના જવાબમાં અક્ષતે જણાવ્યું કે ફિલ્મ કોઈ પણ ભાષાની હોય, એની સફળતાનો મુખ્ય આધાર વાર્તા હોય છે. મિસ્ટર કલાકારની વાર્તા જ એવી છે કે કોઈ પણ આર્ટિસ્ટ કામ કરવા તૈયાર થઈ જાય. અને જો મને પહેલી ફિલ્મમાં જ આટલું જબરજસ્ત પાત્ર ભજવવા મળતું હોય તો એના જેવું બીજું રૂડું શું હોઈ શકે? અને હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અમને આટલું આપ્યું હોય તો મારી પણ ફરજ છે કે મારી માતૃભાષાથી અભિનય કરિયરની શરૂઆત કરૂં. બાકી વાત રહી હિન્દી ફિલ્મની, તો એ પણ પાઇપલાઇનમાં છે.

પહેલી જ ફિલ્મ અને એ પણ પાપાના દિગ્દર્શનમાં, કેવો અનુભવ રહ્યો?

જબરજસ્ત. જોકે એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે સેટ પર અમારા સંબંધ પિતા-પુત્ર તરીકેના નહીં પણ એક દિગ્દર્શક અને કલાકારના જ રહેતા. એટલે દિગ્દર્શક તરીકે તેમને જે જોઇએ એ મારી પાસે લીધા વગર તંત મુકતા નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here