અભિનેતા નેતા બન્યા હોય એવા તો ઘણા દાખલા મોજુદ છે. પરંતુ કોઈ નેતા અભિનેતા બને એવું તો જ્વલ્લે જ બનતું હોય છે. હાલ ચૂંટણીનો માહોલ ફિલ્મોના પાટનગર મુંબઈમાં ચાલી રહ્યો છે ત્યારે એવા નેતાઓની વાત કરવી છે જેમણે ફિલ્મી પરદે પણ પોતાનો જલવો દાખવ્યો હોય. આવા નેતા-અભિનેતાનું કૉમ્બિનેશન ઘણા ઓછો લોકોમાં જોવા મળે છે. અહીં છ જાણીતા નેતાઓની વાત કરી છે જેમણે બંને ક્ષેત્રમાં પોતાનો કરિશ્મા દાખવ્યો છે.

રામદાસ આઠવલે

નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવતા રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના સર્વેસર્વા રામદાસ આઠવલે તેમની અનોખી ભાષણ શૈલીને કારણે જાણીતા છે. જેઓ જ્યારે પણ કોઈ ફિલ્મી કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે ઉપસ્થિત કલાકારને ઉદ્દેશી એક વાર તો ચોક્કસ કહેશે કે હું પણ અભિનેતા છું અને મેં નાટક અને ફિલ્મમાં કામ કર્યું છે. હકીકતમાં તેઓ કૉલેજકાળ દરમ્યાન નાટકોમાં ભાગ લેતા હતા. ઉપરાંત તેમણે કૉમર્શિયલ નાટક એકચ પ્યાલામાં કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મ અન્યાયચા પ્રતિકારમાં ટાઇટલ રોલ કર્યો હતો તો જોશી કી કાંબલેમાં મહેમાન ભૂમિકામાં દેખાયા હતા.

શરદ બનસોડે

2014ની લોકસભાની ચૂંટણીમાં સોલાપુરમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહેલા શરદ બનસોડેએ કોંગ્રેસને મોટો આંચકો આપ્યો હતો. મનમોહન સિંહની સરકારના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને એમના હૉમ ટાઉન સોલાપુરમાં દોઢ લાખ મતે પરાજય આપ્યો હતો. નેતા તરીકે મોટો અપસેટ સર્જનારા શરદ બનસોડે અભિનેતા તરીકે પણ એટલા જ વિખ્યાત છે. શરદ બનસોડેએ મુંબઈ આમચીચમાં અભિનય કર્યો હતો. ફિલ્મમાં બનસોડે સાથે પદ્મિની કોલ્હાપુરે અને મોહન જોશી સહકલાકાર હતા.

સુશીલકુમાર શિંદે

રાજકારણમાં આવવા અગાઉ મહારાષ્ટ્ર પોલીસ ઑફિસર તરીકે નોકરી કરતા સુશીલકુમાર શિંદે જેટલા નેતા તરીકે વિખ્યાત છે એટલા જ અભિનેતા તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. લોકસભાની ચૂંટણીમાં શરદ બનસોડેના હાથે પરાજિત થનાર કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય ગૃહપ્રધાન પણ એક કલાકાર તરીકે નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 2014માં આવેલી ફિલ્મ દૂસરી ગોસ્ટ (બીજી વાત) ઉપરાંત શોર્ટ ફિલ્મ અંધારે સે ઉજાલે તકમાં કામ કર્યું હતું. ઉપરાંત મુંબઈ ચી માણસે, બેબંધ શાહી, મીનુ ચી માવશી, વેગળા વ્હાયચે માલા, લગ્ની ચી બેડી, ઘરા બાહેર, પ્રેમા તુજા રંગ કસા જેવા આઠેક નાટકોમાં પણ કામ કર્યું હતું.

બબનરાવ ઘોલપ

શિવસેનાના દેવલાલી વિધાનસભાના સભ્ય બબનરાવ ઘોલપ પણ તેમની અભિનય પ્રતિભાને કારણે જાણીતા છે. સતત પાંચ ટર્મથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવતા બબનરાવ ઘોલપે શેગાવીચા રાણા ગજાનન (2004), વીડા એક સંઘર્ષ (2017) અને આસ્થારૂપા જય વૈભવલક્ષ્મી માતા (2008)માં કામ કર્યું હતું.

જિતેન્દ્ર આવ્હાડ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના મુંબ્રા-કલવા મતદારસંઘથી વિધાનસભાના સભ્ય છએ. અગાઉ કોંગ્રેસ સરકારમાં પ્રધાન પદ ભોગવી ચુકેલા જિતેન્દ્ર આવ્હાડ તેમની દહી હંડીને કારણે પણ વિખ્યાત છે. કોંગ્રેસ-એનસીપીની આઘાડી સરકારમાં મેડિકલ ઓજ્યુકેશન મિનિસ્ટર રહી ચુકેલા જિતેન્દ્ર આવ્હાડની ઇમેજ આક્રમક નેતાની છે. આમ તો પૂરા રાજકારણથી રંગાયેલા જિતેન્દ્ર આવ્હાડે એક ફિલ્મમાં પણ કામ કર્યું હતું. ફિલ્મનું નામ છે મેટર. આ મરાઠી ફિલ્મમાં તેમણે મુખ્યપ્રધાનની ભૂમિકા ભજવી હતી.

મધુ શ્રીવાસ્તવ

ગુજરાતના વડોદરાના વાઘોડિયાના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના બેધડક નિવેદનોને કારણે વિખ્યાત છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે  હિન્દુત્વ માટે લડત ચલાવતા મધુ શ્રીવાસ્તવને લાયન ઑફ ગુજરાતનું બિરૂદ આપ્યું હતું. જોકે ગુજરાતમાં થયેલા તોફાનોમાં તેમનું નામ સંડોવાયા બાદ વડોદરા પોલીસે તેમની અટક કરી હતી. તેમની છબિને ફરી ચમકાવવા મધુ શ્રીવાસ્તવે લાયન ઑફ ગુજરાત નામે ફિલ્મ બનાવી હતી અને એમાં તેમણે મુખ્ય ભૂમિકા પણ ભજવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here