દૃઢ નિર્ધાર અને મક્કમ મનોબળ હોય તો કાળા માથાનો માનવી શું નથી કરી શકતો? એવા ઘણા લોકો છે જેમણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના લક્ષ્યને સાધ્યું હોય. આવી જ એક બાળકી છે દિયા. માત્ર 9 વરસની ઉંમરમાં એટલી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે કે એના પર શોર્ટ ફિલ્મ કે ડૉક્યુમેન્ટ્રી નહીં પણ ફુલ લેન્થ ફીચર ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિયા : ધ વન્ડર ગર્લ નામની ફિલ્મ એક રીતે દિયાની બાયોપિક જ કહી શકાય.

બૉલિવુડમાં બાયોપિકનો દોર ચાલી રહ્યો છે પણ એમાં મૅરી કૉમ, એમ. એસ. ધોની, પાનસિંહ તોમર, મિલ્ખા સિંહ જેવા વિખ્યાત ખેલાડીઓની જીવની પર ફિલ્મ બનતી હોવાથી કોઈને આશ્ચર્ય ન થાય, પણ દિયાએ એવું તે શું કર્યું છે કે નિર્માતાએ લાખો-કરોડો રૂપિયાના ખર્ચે એની બાયોપિક બનાવી?

તાજેતરમાં અમદાવાદ ખાતે દિયા : ધ વન્ડર ગર્લની પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ફિલ્મના લેખક – દિગ્દર્શક સુરેશ બિશ્નોઇએ જણાવ્યું કે, સબ જુનિઅર માર્શલ આર્ટ નેશનલ ગોલ્ડ વિજેતા દિયા જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ગંભીર ઇજા પામ્યા બાદ માતા-પિતાએ માર્શલ આર્ટની તાલીમ બંધ કરાવી દીધી. પણ દિયાના લોહીમાં માર્શલ આર્ટ એવું વણાઈ ગયું હતું કે એણે કોઈ પણ ભોગે આ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય મનોમન લઈ લીધો. દિયાની તાલીમ બંધ કરાતા એના કૉચ મહેન્દ્ર પણ હતાશ થયા હતા. પરંતુ ગુરૂ-શિષ્યાની જોડીએ પરિવારજનોને મનાવવાના ભરપુર પ્રયાસ કર્યા અને આખરે તેમને સફળતા મળી અને દિયાની તાલીમ ફરી શરૂ થઈ.

ગંભીર ઇજાઓમાંથી બહાર આવેલી દિયાએ પણ આ મોકો એળે ન જાય એની કાળજી રાખવાની સાથે સખત પરિશ્રમ, એક પણ દિવસ ચુક્યા વિના સતત એક વરસ સુધી તાલીમ લેવાની સાથે કંઇક કરી બતાવવાની જીદને કારણે દિયા કોરિયન ટેક્વાન્ડોમાં સબ જુનિયર માર્શલ આર્ટમાં નેશનલ ચેમ્પિયન બની.

નેશનલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી દિયા પટેલે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પણ કટોકટીની ઘડીમાં પણ હિંમતપૂર્વક કામ લઈ નેશનલ ગૉલ્ડ મેડલ જીતી માત્ર માતા-પિતા, પરિવારજનો માટે જ નહીં પણ સમગ્ર ગુજરાતી પ્રજા માટે ગર્વનું પ્રતીક બની છે.

બ્રૅડી એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બનેલી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દિનેશ સિંઘલની ફિલ્મ દિયા : ધ વન્ડર ગર્લના લેખક-દિગ્દર્શક છે સુરેશ બિશ્નોઈ. ફિલ્મના કલાકારો છે દિયા પટેલ, દિવ્યા દ્વિવેદી, ચંદ્રેશ કંસારા, સૂરજ વાધવા, ભૂમિકા જાની, હરીશ ડાગિયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ અને કૃપા પંડ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here