છેલ્લા 30 વરસથી પોતાની આગવી ઓળખ બનાવનાર પુણેસ્થિત રજિસ્ટર્ડ ચેરિટેબલ સંસ્થા માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન હંમેશની જેમ આ વરસે પણ સંગીત, નાટક, કલા અને સામાજિક ક્ષેત્રની વિભિન્ન હસ્તીઓને સન્માનિત કરશે. બૉલિવુડની સાથે સંગીત ક્ષેત્રના પ્રતિષ્ઠિત મંગેશકર પરિવાર દ્વારા દર વરસે અપાતા આ પુરસ્કાર 24 એપ્રિલે ષણ્મુખાનંદ હૉલ ખાતે આયોજિત કાર્યક્રમમાં એનાયત કરાશે. સીઆરપીએફના ડિરેક્ટર જનરલ વિજયકુમાર કાર્યક્રમનું અધ્યક્ષ પદ શોભાવશે. તો તમામ વિજેતાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના હસ્તે પુરસ્કાર આપવામાં આવશે.

આ વરસે સંગીત અને કલા ક્ષેત્રમાં જાણીતાં શાસ્ત્રીય નૃત્યાંગના સુચેતા ભિડે-છાપેકરને દીનાનાથ મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવશે. માસ્ટર દીનાનાથ મંગેશકર લાઇફટાઇમ ઍવોર્ડ સલીમ ખાનને અપાશે. જ્યારે ભારતીય સિનેમામાં આપેલા મહત્ત્વના યોગદાન બદલ મધુર ભંડારકરને દીનાનાથ મંગેશકર વિશેષ પુરસ્કાર અપાશે. તો ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર હેલનને વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરાશે.

સીઆરપીએફના ડિરેક્ટર જનરલ વિજયકુમારને ગૃહ મંત્રાલય અંતર્ગત આવતા ભારતના જવાનો માટેના સામાજિક કાર્ય સાથે સંકળાયેલા ભારત કે વીર માટે સન્માનિત કરાશે. આ વખતે પ્રતિષ્ઠાને પુરસ્કાર પુલવામાના આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા 40થી વધુ સાઆરપીએફના શહીદોને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમમાં લતા મંગેશકર માસ્ટર દીનાનાથની યાદમાં એક કરોડ રૂપિયાની સહાય કરશે.

પુરસ્કારોની જાહેરાત કરતા ઉષા મંગેશકરે જણાવ્યું કે, એક ગાયક, સંગીતકાર અને સ્ટેજના કલાકાર તરીકે માસ્ટર દીનાનાથના અમૂલ્ય યોગદાનની સ્મૃતિમાં મંગેશકર પરિવાર દર વરસે માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ઍવોર્ડ્સનું આયોજન કરે છે. અમને આનંદ એ વાતનો છે કે અમારા આ કાર્યને તમામ લોકોનો હંમેશ સાથ-સહકાર મળતો રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here