હિન્દી ગાયકોની જેમ ગુજરાતી ગાયકો પણ કોરોના વાઇરસ સામેની લડતમાં પોતાની રીતે ફાળો આપી રહ્યા છે. કીર્તિદાન ગઢવીથી લઈ હિતેશ રાવલ સુધીના ગાયક કલાકારોએ સંગીત દ્વારા કોરોના સામે જાગૃતિ ફેલાવવામાં યોગદાન આપ્યું છે.

કીર્તિદાન ગઢવી

સોશિયલ મીડિયા પર કીર્તિદાન ગઢવીનું જનતા સૌ જાગે તો કોરોના ભાગે ગીત ધૂમ મચાવી રહ્યું છે. ગીત અંગે વાત કરતા કીર્તિદાન કહે છે કે, કોરોનાને કારણે મારી અમેરિકાની ટુર કેન્સલ થતાં આ ગીત બનાવી શક્યો. જો ટુર પર ગયો હોત તો ગીત બન્યું ન હોત. એક કલાકાર તરીકે મારી પણ ફરજ છે કે ગીત દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવું.

સાંઈરામ દવે

કલાકાર સમાજનું અવિભાજ્ય અંગ છે અને જરૂરિયાત પડે પોતાની કલા દ્વારા સમાજ માટે કંઇક કરવું એ કલાકારની ફરજ છે. અને એના ભાગરૂપ હું સાંઈરામ દવે આ ગીત આપ સૌને અર્પણ કરૂં છું. કોરોના ગીતની રિલીઝ પૂર્વે સાંઈરામ દવેએ આ વાત જણાવી હતી. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કોરોનાને કેન્દ્રમાં રાખી એક રૅપ સૉંગ રિલીઝ કર્યું છે જેના શબ્દો છે કોરોનાથી ફાટી ન પડાય. એકદમ હળવી શૈલીમાં પણ સચોટ રીતે કોરોના અંગે જાગૃતિ ફેલાવતું ગીત છે.

ગીતમાં કોરોનાના લક્ષણોની સાથે કોરોના સામેના ઘરગથ્થું આયુર્વેદિક ઉપચારની પણ છણાવટ કરવામાં આવી છે. પ્લેગ, ધરતીકંપ, સુનામી, વાવાઝોડા જેવી અનેક કુદરતી આફતોનો હિંમતથી સામનો કરનાર ગુજરાતી પ્રજાના મિજાજને સલામ કરવાની સાથે સૌને વૈદિક ભારત તરફ પાછા વળવાની અને શાકાહારી બનવાની પણ સલાહ તેમણે ગીત દ્વારા આપી છે.

હિતેશ રાવલ

ગુજરાતના જાણીતા ગાયક હિતેશ રાવલે કોરોના પર તળપદી ભાષામાં એક મજેદાર ગીત રિલીઝ કર્યું છે. એના શબ્દો છે, ચ્યાંથી આયો કોરોના. આ ગીતમાં હિતેશ વધુમાં જણાવે છે કે, કોરોના નો વાઇરસ ચ્યાંથી આયો આજે, લોકોને કશું ના હમજાશે, ચેતીને રહેજો વાઇરસ વળગી જાશે. વાઇરસની ચર્ચા ચારેકોર આજે, વાઇરસ વળગી જાશે.

કિરણ પટેલ

જાણીતા લોક કલાકાર અને ગાયક કિરણ પટેલે પણ કોરોનાથી ચેતતા રહેવાની સલાહ એક ગીત દ્વારા આપી છે. ગીતના શબ્દો છે, ચીનના મલકથી ફરતો આવ્યો કોરોના. ટીમલી તને કહું છું કોરોનાથી ચેતોરે, હૅલો હી બોલો રે હાથ ના મિલાવો રે. દૂર-દૂરથી ભાઇબંધોને નમસ્તે બોલો રે.

કિરણ પટેલ કહે છે કે, ઘણા દિવસોથી કોરોનાની ચર્ચા દેશભરમાં ચાલી રહી હોવાથી એના મિત્રોએ કોરોના વાઇરસ પર ગીત કમ્પોઝ કરવાની સલાહ આપી હતી. તેમના સૂચનને પગલે મેં પંચમહાલના આદિવાસીઓની ધૂનના આધારે ગીત કમ્પોઝ કર્યું. અમે ગુજરાતના અંતરિયાળ વિસ્તારના લોકો પણ સમજી શકે એ માટે તેમની ભાષામાં ગીતની રજૂઆત કરી છે.

દિવ્યા ચૌધરી

મહેસાણાની ગાયિકા દિવ્યા ચૌધરીએ દેશી લહેકામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતનું મુખડું છે કરો નમસ્તે કોરોના એના રસ્તે. તો એની બીજી પંક્તિ છે હાથ જોડીને કરો નમસ્તે, કોરોના વાઇરસ હાલ્યો જશે એના રસ્તે. દિવ્યા કહે છે કે મહામારીને કારણે એના શો કેન્સલ થવાને કારણે એ લોકો સમક્ષ જઈ શકતી નહોતી એટલે ગીત દ્વારા લોકોને સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હું છેલ્લા બે દાયકાથી ગુજરાતી સંગીત ક્ષેત્રે છું અને પહેલીવાર એક રોગથી લોકોને જાગૃત કરવા ગીત દ્વારા સંદેશો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here