જાણવા મળ્યા મુજબ સર્જકોએ વાંધાજનક શબ્દ કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે
સેન્સર બોર્ડથી લઈ નેશનલ ઍવોર્ડની જ્યુરીને જે ફિલ્મમાં કોઈ પણ દૃશ્ય કે સંવાદ વાંધાજનક લાગ્યો નહોતો એટલે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ અને નેશનલ ઍવોર્ડ એનાયત કરવામાં કોઈ ખચકાટ અનુભવ્યો નહોતો. જે બાબતની જાણ ખુરશી પર બેઠેલા મહાનુભાવોને ન થઈ એ અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવિકાએ શોધી કાઢી હતી. ફિલ્મમાં જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું જણાવી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સહિત સાત જણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કોંગ્રેસનાં નગરસેવિકા જમનાબહેન સુરેશભાઈ વેગડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મિત્રો સાથે હેલ્લારો ફિલ્મ જોવા ગયા હતા. ઇન્ટરવલ બાદ આવતા એક દૃશ્યમાં ઢોલી દ્વારા સરકાર દ્વારા પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ કરાતો હોવાથી ચોક્કસ જાતિનું અપમાન કરવામાં આવ્યું છે અને એને કારણે અમારી લાગણી દુભાઈ છે.