આપણામાં કહેવાય છે કે કોઈના દિલમાં જવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે. મતલબ કોઈનું દિલ જીતવું હોય તો એને સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરવો જોઇએ. પરંતુ સોની સબના પર સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે ફક્ત સોની સબ પર પ્રસારિત થતી ભાખરવડીમાં ગોખલે પરિવાર (મરાઠી) અને ઠક્કર પરિવાર (ગુજરાતી) વચ્ચે ગુજરાતીઓની માનીતી આઇટમ ભાખરવડીને મામલે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હળવા કૉમેડી શોમાં દેવેન ભોજાણી ગોખલે પરિવારના મુખિયા અણ્ણા છે તો પરેશ ગણાત્રા ઠક્કર પરિવારના વડા મહેન્દ્ર ઠક્કર છે. અણ્ણા અને ઠક્કર બંને ભાખરવડીના ધંધામાં છે અને બંને વચ્ચે કટ્ટર હરીફાઈ ચાલી રહી છે.

શો ઑન ઍર થયો ત્યારથી દર્શકોને મોજ કરાવી રહ્યો છે. શોના દરેક પાત્ર વિવિધ પ્રકારના ટેસ્ટ ધરાવે છે અને એનો અનુભવ ભાખરવડીમાં થઈ રહ્યો છે. તો ચાલો, દરેક પાત્ર કેવો ટેસ્ટ ધરાવે છે એ આપણે જોઇએ

ખાટો – મહેન્દ્ર ઠક્કર

મહેન્દ્ર ઠક્કર (પરેશ ગણાત્રા) ગુજરાતી પરિવારનો વડા છે. ભાખરવડી ખાવાની મજા જેને કારણે આવે છે એ ખટાશ ધરાવતું પાત્ર છે. શાંત અને નમ્ર મહેન્દ્ર ક્યાંક કશુંક શંકાસ્પદ આયોજન કરતો હોય છે પણ મનના ભાવ ચહેરા પર આવવા દેતો નથી. પોતાની વિચારધારાને અમલમાં મુકવા કોઈ પણ પગલું ભરતા અચકાય એવો નથી. ધંધાના એના પ્રતિસ્પર્ધી અણ્ણા કરતા વિપરિત સ્વભાવ ધરાવે છે.

તીખી- ઊર્મિલા

ઊર્મિલા (ભક્તિ રાઠોડ) મહેન્દ્રની પત્ની છે, અ આજુબાજુ કોઈ પણ હોય બોલવાનું ચાલુ કરી દે છે. આ બાબત એને મરચાં જેવી તીખી બનાવે છે. તીખાશ ભાખરવડીના ટેસ્ટને મજેદાર બનાવે છે. કોઈ શું વિચારશે તેનો વિચાર કર્યા વિના ઊર્મિલા ખાસ કરીને અણ્ણા સાથે પનારો પડે ત્યારે એની લૂલી લાલ મરચાં જેવી તીખી બની જાય છે. આખાબોલી ઊર્મિલા એના પરિવારની આડે કોઈ આવે તો કોઈની પરવા કર્યા વિના જબાનની તલવાર ચલાવે છે. અને એટલા માટે જ એ ઠક્કર પરિવારની તીખી છૂરી છે.

નરમ- ગાયત્રી

તીખી તમતમતી માતાથી સાવ વિરૂદ્ધ સ્વભાવ ધરાવતી ગાયત્રી (અક્ષિતા મુદગલ) અત્યંત નિર્દોષ અને મનની કોમળ છે. ગાયત્રી ભાખરવડીની અંદરના માવા જેવી નરમ છે. દરેકનું ભલું વિચારતી ગાયત્રી અત્યંત નાજુક છે. જરા સરખો આંચકો લાગે કે એને ચક્કર આવી જાય છે. ઠક્કર અને ગોખલે પરિવારના અન્ય સભ્યોથી વિપરીત તે અણ્ણાની વિચારધારામાં માનતી નથી. જોકે અણ્ણા માટે સોફ્ટ કોર્નર જરૂર ધરાવે છે અને તેમનાં મૂલ્યો અને માન્યતાઓમાં વિશ્વાસ રાખે છે.

મીઠો – અભિષેક

ગોખલે પરિવારમાં સૌથી મીઠો સભ્ય હોય તો એ છે અભિષેક (અક્ષય કેળકર). એનો સ્વભાવ જ એવો છે કે કોઇને પણ ના પાડી શકતો નથી. પિતાની વિચારધારાથી વિરુદ્ધ હોવા છતાં અણ્ણા પ્રત્યે બેહદ આદર ધરાવે છે અને હંમેશાં તેમનું કહેવું માને છે. અણ્ણાનો એ આજ્ઞાકારી અને આદર્શ પુત્ર છે, જે હંમેશાં કોઈની પણ મદદ માટે હાજર હોય છે. આ મીઠું પાત્ર ઠક્કર પરિવાર સહિત દરેકને પોતાની તરફ આકર્ષે છે.

ક્રિસ્પી – જ્યોત્સ્ના

જ્યોત્સ્ના (સ્મિતા સરવદે) ભાખરવડીનું ક્રિસ્પી પડ છે, જે બધાને જોડી રાખે છે. અણ્ણાની પત્ની હોવાથી પતિનો તે બહુ આદર કરે છે. પરંતુ જો તેઓ ખોટા હોય તો શીખામણ પણ આપે છે. પરિવારના બધા સભ્યો અણ્ણાની જીવનશૈલીની વિરુદ્ધ હોવા છતાં જ્યોત્સ્ના પરિવારમાં શાંતિ જાળવી રાખે છે. તે ગોખલે પરિવારમાં મોજૂદ દરેક પેઢીના સભ્યોને એક તાંતણે બાંધવાની સાથે તેમની વચ્ચે પ્રેમભાવ જાળવી રાખે છે.

પેકેજ- અણ્ણા

અણ્ણા (દેવેન ભોજાણી) પરફેક્ટ ભાખરવડી બનાવે છે. કઠોર અને ચહેરાથી ખડૂસ હોવા છતાં અણ્ણા મનનો નરમ છે. કઠોર હોવા છતાં ક્યારેક બાલિશ પણ બની જાય છે અને પોતાના વહાલસોયાઓ સાથે મીઠી વાતો પણ કરે છે. ગમે તેટલો કઠોર હોવા છતાં એ કદી પત્ની જ્યોત્સ્ના પર ગુસ્સે થતો નથી. એટલું જ નહીં,  એનું રોમેન્ટિકપણું ક્યારે બહાર આવતું રહે છે. સિદ્ધાંતવાદી અણ્ણા કોઈની સાથે મીઠો, કોઈ સાથે ખાટો, ક્યારેક નરમ તો કોઈની સાથે તીખો પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here