સંગીતકાર એ.આર. રહેમાને દાવો કર્યો હતો કે બૉલિવુડમાં એક એવી ગેંગ છે જેને કારણે એમને કામ મળવામાં તકલીફ પડી રહી છે. રહેમાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપુતે ગયા મહિને આત્મહત્યા કર્યા બાદ બૉલિવુડમાં ઇનસાઇડર આઉટસાઇડર અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઑસ્કાર વિજેતા સંગીતકારને જ્યારે હિન્દી ફિલ્મોમાં કામ ઓછું કરવા માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે રહેમાને જણાવ્યું કે અમુક લોકો એના વિશે ફિલ્મ જગતમાં અફવા ફેલાવી રહ્યા છે. એને કારણે નિર્માતાને એની વચ્ચે ગેરસમજ ફેલાય છે. તેમણે કહ્યું કે, હું સારી ફિલ્મોને ના પાડતો નથી પણ મારૂં માનવું છે કે એક ગેંગ અફવા ફેલાવી રહી હોવાથી ગેરસમજ ફેલાઈ રહી છે. એટલે જ્યારે મુકેશ છાબરા મારી પાસે આવ્યા ત્યારે મેં એમને બે દિવસમાં ચાર ગીતો આપ્યા. તેમણે મને કહ્યું કે, સર, ઘણા લોકોએ કહ્યું કે એની પાસે જતા નહીં. તેમણે મને ઘણા કિસ્સાઓ સંભળાવ્યા.

મ્યુઝિક ડિરેક્ટરે કહ્યું કે, મેં સાંભળ્યું અને કહ્યું ઠીક છે, હવે હું સમજ્યો કે મને કામ કેમ ઓછું મળી રહ્યું છે. અને મારી પાસે સારી ફિલ્મો કેમ નથી આવતી. રહેમાને સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું સંગીત આપ્યું છે. આ ફિલ્મ શુક્રવારે ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થઈ. ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યુ છે અને એમાં સંજના સાંધી અને સૈફ અલી ખાન પણ છે. સંગીતકારે કહ્યું કે તેઓ લોકોની અપેક્ષાઓથી વાકેફ છે પણ ગેંગ મારગ આડે આવે છે.

રહેમાને કહ્યું કે, લોકો હું કામ કરૂં એવું ઇચ્છે છે, પણ એક એવી પણ ગેંગ છે જે એવું થવા દેતી નથી. ખેર, મને મારા ભાગ્યમાં વિશ્વાસ છે. મારૂં માનવું છે કે બધું ઉપરવાળા થકી આવે છે. એટલે હું મારી ફિલ્મો અને અન્ય કામો કરી રહ્યો છું, આપ સર્વે મારી પાસે આવી શકો છો, તમે સારી ફિલ્મ બનાવી રહ્યા છો તો આપનું સ્વાગત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here