૨૦૧૯ના છ મહિના પૂરા થવાની તૈયારી છે ત્યારે બૉલિવુડમાં વરસનો ફર્સ્ટ હાફ અમુક અપવાદને બાદ કરતા સુખદ રહ્યો છે. જોકે આયુષ્યમાન ખુરાનાની આર્ટિકલ ૧૫ હજુ રિલીઝ થવાની બાકી છે. આ સમયગાળા દરમ્યાન રિલીઝ થયેલી ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક, લુકા છુપી, ભારત, ગલી બૉય, બદલા અને તાજેતરમાં રિલીઝ થયેલી કબિર સિંઘ હજુ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે.

પહેલાં છ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વરસ કરતા ઘણા બહેતર હોવાનું ટ્રેડ પંડિતોનું કહેવું છે. પહેલા ક્વાર્ટરમાં ૧૧૫૦ કરોડનો બિઝનેસ થયો હતો. જાકે બીજું ક્વાર્ટર થોડું નબળું રહ્યું હોવા છતાં ૬૪૦ કરોડ રૂપિયાનો વકરો થયો હતો.

વરસની શરૂઆત જ ધમાકેદાર થઈ હતી. ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકે જબ્બર ધંધો કર્યો તો વિવેક અગ્નિહોત્રીની પોલિટિકલ થ્રિલર ધ તાશ્કંદ ફાઇલ્સ સ્લીપર હિટ પુરવાર થઈ હતી. જોકે ફિલ્મને હિટ કરવામાં માઉથ પબ્લિસિટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટ્રેડ પંડિતો જ નહીં, ફિલ્મના સર્જક-વિતરકોએ પણ વિચાર્યું નહોતું કે ફિલ્મ ૭૫ દિવસ કરતા વધુ ચાલશે.

જે ફિલ્મો સફળ થઈ છે એ જાઇને સ્પષ્ટ થાય છે કે મજબૂત સ્ક્રિપ્ટ જ ફિલ્મને હિટ કરવામાં સહાયભૂત બને છે. એ સાથે જો ઑડિયન્સ ફિલ્મ સાથે તાદાત્મ્ય સાધી શકે તો નિર્માતાનો બેડો પાર થઈ જાય છે. ભારતના નિર્માતા અતુલ અિગ્નહોત્રી અને દિગ્દર્શક અલી ઝફરનું માનવું છે કે ફૅમિલી ઑડિયન્સ ફિલ્મને સફળ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એનું બીજું ઉદાહરણ છે અજય દેવગણની દે દે પ્યાર દે. ટ્વિસ્ટ ધરાવતી લવસ્ટોરીને પણ દર્શકોએ આવકારી હતી.

ફર્સ્ટ હાફમાં જે ફિલ્મોએ બૉક્સ ઑફિસ ગજવી હતી એમાં ટોટલ ધમાલ, મણિકર્ણિકા અને સ્ટુડન્ટ ઑફ ધ યરનો સમાવેશ થાય છે.

જોકે આ વરસે અપસેટ પણ જોવા મળ્યા. જેમાં સૌથી મોટો અપસેટ હતો કલંક. મલ્ટીસ્ટારર ફિલ્મ બસો કરોડના આંકડાને આસાનીથી આંબી જશે એવું બધાએ ધાર્યું હતું પણ ફિલ્મ ધબાય નમઃ થઈ ગઈ. જ્યારે અપસેટ સર્જનારી અન્ય ફિલ્મોમાં રૉ, એક લડકી કો દેખા તો ઐસા લગા, ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ અને ઠાકરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here