લાંબા અરસાથી કેન્સર સામે જંગ લડી રહેલા ઇરફાન ખાન આજે જિંદગીની જંગ હારી ગયા. મંગળવારે સમાચાર આવ્યા કે અચાનક તબિયત લથડતા તેમને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 54 વર્ષીય ઇરફઆન ખાન છેલ્લા બે વરસથી ન્યૂરોઇન્ડોક્રાઇન ટ્યુમરની સારવાર લેતા હતા. દુખદ બાબત એ છે કે હજુ ગયા અઠવાડિયે જ તેમનાં માતાનું જયપુર ખાતે નિધન થયું હતું. પરંતુ નાજુક તબિયત અને લૉકડાઉનને કારણે તેઓ માતાની અંતિમવિધિમાં હાજર રહી શક્યા નહોતા. વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તેમણે માતાને અંતિમ દર્શન કરવાની સાથે વિદાય આપી હતી.

ઇરફાનની હાલત ઘણી નાજુક હોવાને કારણે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ બુધવાર બૉલિવુડ માટે વસમી ખબર લઈને આવ્યો. બુધવારે સવારે તેઓ જિંદગી સામેનની જંગ હારી ગયા અને આ ફાની દુનિયાને અલવિદા કહ્યું. ઇરફાન ખાનના મૃત્યુના સમાચાર આપતા પરિવાર દ્વારા જે અધિકૃત નિવેદન જારી કરાયું છે એ ઘણું ભાવુક કરનારૂં છે.

નિવેદનમાં જણાવાયું છે કે, મને ભરોસો છે. મેં આત્મસમર્પણ કરી દીધું છે. ઇરફાન ખાન હંમેશ આ શબ્દોનો પ્રયોગ કરતા હતા. 2018માં કેન્સર સામે લડત આપી રહ્યા હતા ત્યારે પણ તેમની નોટમાં આ વાત કહી હતી. ઇરફાન ખાન એકદમ ઓછા શબ્દોમાં એમની વાત કહેતા હતા અને વાત કરવા તેમની આંખોનો ઉપયોગ વધુ કરતા.

ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ રિલીઝ થઈ એના બે દિવસમાં જ લૉકડાઉન જાહેર થતાં થિયેટરમાંથી ઉતારી લેવી પડી. જોકે નિર્માતાઓએ એને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી હતી. 30 વર્ષની કરિયરમાં તેમણે 50થી વધુ બૉલિવુડ અને હૉલિવુડની ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં લઇફ ઇન મેટ્રો, પાનસિંહ તોમર, ધ લંચબૉક્સ, હૈદર, ગુંડે, પિકુ, તલવાર, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય આપ્યો હતો. કલાક્ષેત્રે આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ તેમને 2011માં પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here