દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે તમામ ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અપવાદ નથી. 14 માર્ચથી થિયેટર બંધ કરાયા બાદ એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી, અને લૉકડાઉન પાછું ખેચાયા પછી પણ થિયેટર શરૂ થયા પછી કેટલા દર્શકો ફિલ્મ જોવા આવશે એ કહી શકાય એમ નથી. એમાંય છેલ્લા એક મહિનાથી ઘરે બેસનારાઓ માટે ઓટીટી પ્લેટફોર્મ મનોરંજન માટેનું મહત્ત્વનું સાધન બની ગયું છે.

થિયેટર બંધ કરવાનો આદેશ અગાઉ રિલીઝ થયેલી બે ફિલ્મો બાગી-3 અને અંગ્રેજી મીડિયમ હાલ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે જેમની ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે એવા અનેક નિર્માતા ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ રિલીઝ કરવા માટે મન બનાવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ આ વાત તેમના ઑનલાઇન કાર્યક્રમમાં કહી હતી.

કોમલ નાહટાના કહેવા મુજબ સૂર્યવંશી, કુલી નં. વન, રાધે, લક્ષ્મી બૉમ્બ જેવી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના પ્રકોપને કારણે તેમની રજૂઆત મુલતવી રાખવી પડી. થોડો સમય માટે રિલીઝ મુલતવી રહે તો નિર્માતાઓ તારીખ એડજસ્ટ કરી શકે. પરંતુ અત્યારના સંજોગો જોતા ભાવિ અનિશ્ચિત હોવાથી મોટા નિર્માતાઓ ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની-હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેયર્સ સાથે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોમલ નાહટાએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં થિયેટર ખુલે તો વર્લ્ડવાઇડનું શું? મોટી ફિલ્મો દુનિયાભરમાં એક સાથે રિલીઝ થતી હોય છે, પહેલા યુએસ પછી યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા એમ વારાફરતી રિલીઝ કરાતી નથી. એટલે દુનિયાભરના થિયેટર ખુલે નહીં ત્યાં સુધી ફિલ્મો રિલીઝ થાય એવી શક્યતા લાગતી નથી. ઉપરાંત લૉકડાઉન ખુલ્યા બાદ એક સાથે અનેક ફિલ્મો રિલીઝ માટે લાઇન લગાવી ઊભી હશે. એમાં મોટી ફિલ્મોને પ્રાઇમ શોઝ અને ઓપનિંગ વીક મળશે, પરંતુ બાકીની ફિલ્મોએ સહન કરવાનો વારો આવશે.

આવામાં મોટા નિર્માતાઓ પાસે ઓટીટી સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. હવે પ્રશ્ન એ ખડો થાય છે કે જો નિર્માતા ઓટીટી પ્લેટફોર્મ પર જાય તો કમાણીનું શું? એટલા માટે જ નિર્માતાઓ નેટફ્લિક્સ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ સાથે વાટાઘાટ કરી રહ્યા છે. નિર્માતાઓ તેમની સંભવિત આવક જેટલા રૂપિયાની માગણી કરી રહ્યા છે. કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોય એ અગાઉ એ કેટલી કમાણી કરી શકે છે એનો અંદાજ મુકવામાં આવે છે. જેમ કે સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ કરાયું ત્યારે જાણકારોએ અંદાજ મુક્યો હતો કે ફિલ્મ 300 કરોડનો બિઝનેસ કરશે. એટલે આ અંદાજિત આવક જેટલી રકમ ઓટીટી પ્લેટફોર્મ આપે એવી અપેક્ષા નિર્માતાઓ રાખી રહ્યા છે.

દરમ્યાન રવિવારે મળેલા અહેવાલ મુજબ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ કરવાને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય એવી શક્યતા છે. લક્ષ્મી બૉમ્બના રિલીઝ રાઇટ્સ ખરીદવા માટે નિર્માતા અને અક્ષ્ય કુમાર ડિઝની-હૉટસ્ટાર સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે પણ દિગ્દર્શક રાઘવ લૉરેન્સનું કહેવું છે કે ફિલ્મની ટીમ ઘરે કામ કરી રહી હોવાથી સમય વધુ લાગી રહ્યો છે. પરંતુ ફિલ્મ જૂન સુધીમાં પૂરી થઈ જશે. નિર્માતઓનું માનવું છે કે હાલ 3 મે સુધી લૉકડાઉન અમલમાં છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા થિયેટર શરૂ કરવાની પરવાનગી કદાચ ન અપાય. એટલે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો વિકલ્પ અપનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here