જેમ સાઉથની ફિલ્મોની રીમેક બૉલિવુડના નિર્માતા-દિગ્દર્શક બનાવતા આવ્યા છે તો આ બંને ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સને લઈ કેમ કોઈ ફિલ્મ બનાવતું નથી એવો સવાલ અનેક ફિલ્મના રસિયાઓને થતો હોય છે. ફિલ્મી રસિયાઓની આ ઇચ્છાને પૂરી કરવા જઈ રહ્યા છે તેલુગુ ફિલ્મના દિગ્દર્શક અશ્વિન નાગ. આ નેશનલ અવૉર્ડ વિજેતા દિગ્દર્શક સાઉથના વિખ્યાત અભિનેતા બાહુબલી ફૅમ પ્રભાસ અને બૉલિવુડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ સાથે એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. એવું લાગી રહ્યુ છે કે આ ફિલ્મ ભારતીય ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ હશે.

બાહુબલીની રિલીઝ બાદ પ્રભાસનું સ્ટારડમ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ જોવા મળે છે. આકર્ષક લૂક, સ્વૅગ અને જબરજસ્ત અભિનય પ્રતિભાનું ગજબનાક સંયોજન પ્રભાસમાં જોવા મળે છે. લાખો પ્રસંશકોના ડાર્લિંગ એવા પ્રભાસ ભારતીય ફિલ્મોના ઇતિહાસના સૌથી વધુ બૉક્સ ઑફિસ ગ્રોસર અભિનેતા હોવાનું શ્રેય એના ફાળે જાય છે. પ્રભાસની આ 21મી ફિલ્મ હશે.

તો દીપિકા પદુકોણ આજની તારીખમાં બૉલિવુડની સૌથી સફળ હીરોઇન તરીકે જાણીતી છે. એણે અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. પોતાની પ્રતિભા, પ્રતિબદ્ધતા, સમર્પણ, અનુશાસન અને મહેનતના જોરે દીપિકાએ આ સ્થાન હાંસલ કર્યું છે.

દર્શકો માટે આનાથી સારૂં કાસ્ટિંગ બીજું હોઈ ન શકે. એક એવો પ્રોજેક્ટ જેને વૈજયંતી મૂવીઝના નિર્માતા અશ્વિની દત્ત, સહ નિર્માતા સ્વપ્ની અને પ્રિયંકા દત્ત અને દિગ્દર્શક અશ્વિન નાગ દ્વારા શક્ય બન્યો છે.

આ પ્રોજેક્ટ અંગે અતિ ઉત્સાહિત નાગ અશ્વિને જણાવ્યું કે, હું દીપિકાને આ પાત્ર ભજવતી જોવા ઉત્સુક છું. આ કંઇક એવું છે જેને પહેલા કદી કોઈ મેઇનસ્ટ્રીમ લીડ કલાકારે કર્યું નહીં હોય. આ બધા માટે એક મોટી સરપ્રાઇઝ હશે. દીપિકા અને પ્રભાસની જોડી ફિલ્મની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક હશે અને એની સાથે મજેદાર વાર્તા. મને લાગે છે કે આવનારા થોડા વરસો સુધી દર્શકો એને ભૂલશે નહીં.

વૈજયંતી મૂવીઝની નિર્માત્રી અને સ્થાપક શ્રી સી અશ્વિની દત્તે જણાવ્યું કે, આ ફિલ્મ થકી ભારતીય સિનેમામાં અમારૂં સ્થાન બનાવવાનો એક સોનેરી અવસર છે. ભારતીય દર્શકોને રોમાંચિત કરવાનો એક અનેરો અવસર છે, પહેલાં ક્યારેય જોવા ન મળી હોય એવી અદભુત ફિલ્મી પ્રતિભાઓ જોવા મળશે. તો સહનિર્માત્રી સ્વપ્ની દત્તે કહ્યું કે ભારતીય સિનેમામાં અમારા પચાસ વરસની સફરને શાનદાર અને રોમાંચક ખબર સાથે મનાવવા માટે રોમાંચિત છીએ. અમારી ગૉલ્ડન જ્યુબિલીની આનાથી અદભુત ઉજવણી હોઈ શકે નહીં. ફિલ્મ સાયન્સ ફિક્શન જૉનરની હશે અને આ પ્રોડક્શન હાઉસમાં બનેલી સૌથી રોમાંચક ફિલ્મોમાંની એક હશે.

સી અશ્વિની દત્ત દ્વારા સ્થાપિત વૈજયંતી મૂવીઝ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here