ફિલ્મ ભલે ઍક્શન, લવસ્ટોરી, હૉરર, સોશિયલ કે અન્ય કોઈ પણ જૉનરની હોય, એનો નિખાર ત્યારે જ આવે જ્યારે એમાં અદ્બુત પાર્શ્વસંગીત હોય. અને એટલા માટે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપનારાઓનું પણ આગવું સ્થાન હોય છે. આવા જ એક પાર્શ્વસંગીતકાર છે રાજુ સિંહ. બૉલિવુડની અનેક ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી પોતાની પ્રતિભાનો પરચો આપનાર રાજુ સિંહની લેટેસ્ટ ફિલ્મ છે કેસરી. મજાની વાતે છે કે અક્ષયકુમારની પહેલી ફિલ્મ સૌગંધનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ રાજુ સિંહે જ આપ્યું હતું. પાર્શ્વસંગીતની સાથે રાજુ સિંહ અનેક હિટ સૉંગ પણ કમ્પોઝ કરી ચુક્યા છે.

છેલ્લા ત્રણ દાયકાથી સંગીતના ફિલ્ડમાં કાર્યરત રાજુ સિંહ અનેક સંગીતકારો સાથે ગિટારિસ્ટ કે ડ્રમર તરીકે કામ કરી ચુક્યા છે. નાનપણથી સંગીતમાં રૂચિ ધરાવનાર રાજુએ 1983માં વારિસ ફિલ્મમાં લતા મંગેશકરનાં ગીતમાં ગિટાર વગાડવાનો મોકો ઉત્તમ સિંહે આપ્યો હતો. અનેક સંગીતકાર સાથે કામ કર્યા બાદ આર. ડી.બર્મન કેમ્પમાં જોડાઈ સંગીતની અનેક બારિકીઓ શીખ્યા.

રાજુ કહે છે કે મ્યુઝિશિયન તરીકે ઘણા સંગીતકારો સાથે કામ કર્યું. દરમ્યાન, બનેગી અપની બાત સિરિયલનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાની ઑફર આવી. પછી વિનોદ ખન્ના સ્ટારર ફિલ્મ કારનામાનું પાર્શ્વસંગીત આપવાનો અવસર મળ્યો.બસ, એ પછી મારે પાછા વળીને જોવાનો વારો આવ્યો નથી. મને પણ લાગ્યું કે હવે મારે મારી અલગ ઓળખ બનાવવાનો સમય આવ્યો છે. હાલ કેસરીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપનાર રાજુ સિંહ કહે છે કે, મોટાભાગની ફિલ્મનું શૂટિંગ અને એડિટિંગ પત્યા બાદ મારી પાસે આવે છે. પરંતુ કેસરીમાં શૂટિંગ પહેલા જ જોડાયો. એટલું જ નહીં, અમુક સીનનું મ્યુઝિક તો એના શૂટિંગ પહેલાં જ કમ્પોઝ કરી લીધું હતું.

ફિલ્મનાં ગીતોના કમ્પોઝર તરીકે પણ રાજુ સિંહે કામ કર્યું છે. રાજુ કહે છે કે મેં ઘણાં ઓછાં ગીતો કમ્પોઝ કર્યા છે. સંગીતકાર તરીકે મારી છેલ્લી ફિલ્મ હતી રાઝ-2 જેનું સોનિયો ગીત લોકપ્રિય બન્યું હતું.

રાજુ સિંહે અત્યાર સુદીમાં 140 જેટલી ફિલ્મોમાં પાર્શ્વસંગીત આપ્યું છે. તેમની આગામી ફિલ્મો છે મહેશ ભટ્ટની સડક-2 અને મોહિત સૂરીની મલંગ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here