વિખ્યાત રિયાલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિ ટૂંક સમયમાં એની ૧૨મી સીઝન લઈને આવી રહ્યો છે. શોના હૉસ્ટ અમિતાભ બચ્ચન આજકાલ શોના શૂટિંગમાં વ્યસ્ત છે. ૭૭ વરસના બિગ બીએ ગુરૂવારે ગેમ શો માટે સતત ૧૭ કલાક શૂટિંગ કર્યું હતું. મોડી રાત્રે ઘરે આવ્યા બાદ અઢી વાગ્યાની આસપાસ બ્લૉગ લખીને જણાવ્યું કે, થોડીવાર પહેલાં જ કામ પરથી આવ્યો છું અને એક દિવસમાં લગભગ ૧૭ કલાકનું કામ કર્યું. કોવિડ-૧૯ બાદ શરીર માટે આટલું પર્યાપ્ત અને ફાયદાકારક છે.

બ્લૉગમાં અમિતાભે એમના શોના સ્પર્ધકો વિશે પણ જણાવ્યું હતું. એમના જણાવ્યા મુજબ, ફાઇનાન્શિયલ સ્ટ્રગલ કરતા હોવા છતાં તેમના ચહેરા પર હાસ્ય જોવા મળે છે. ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ જીતનારા સ્પર્ધકની ફીલિંગ શેર કરતા તેમણે લખ્યું, તેઓ ઇમોશનલ થઈ જાય છે, હાથ જોડે છે, હૉટ સીટ માટે બેકાબુ બની જાય છે કે આખરે ઇંતજાર ખતમ થયો.

અમિતાભે લખ્યું, સ્પર્ધકોને આશા બંધાય છે કે હવે તેમની લોન ચુકવાઈ જશે, ઘરના બીમાર સભ્યોની સારવાર કરાવી શકશે, પોતાનું ઘર બનાવી શકશે અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકશે. ઘણાએ તો આટલો મોટો ચેક ક્યારેય હાથમાં પકડ્યો નહીં હોય.

થોડા દિવસ અગાઉ અમિતાભે તેમના બ્લૉગ પર જણાવ્યું હતું કે તેમણે એક દિવસમાં સાત ફિલ્મો, જેમાં ચાર ફુલ લેન્થ અને ત્રણ શોર્ટ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એ સાથે તેમણે ઉમેર્યું કે કામ માટે સૌથી સારા દિવસો એ હોય છે જ્યારે બાકી બધા આરામ ફરમાવી રહ્યા હોય છે, એટલે કે રવિવાર. ૪ ફિલ્મો, ૩ શોર્ટ ફિલ્મો, ૬ ક્રોમા શૂટ, સ્ટિલના બે સેટ. જી હાં.

કેબીસીની ૧૨મી સીઝનના એપિસોડ ૨૮ સપ્ટેમ્બરથી ટેલિકાસ્ટ થશે. આ વખતે શોની ટૅગ લાઇન છે, હર ચીજ કો બ્રેક લગ સકતા હૈ, સપનાં કો નહીં. બીકેસીની પહેલી સીઝન ૨૦૦૦માં ટેલિકાસ્ટ થઈ હતી. ત્રીજી સીઝનને બાદ કરતા અમિતાભ બચ્ચને જ તમામ સીઝન હૉસ્ટ કરી છે. ત્રીજી સીઝન શાહરૂખ ખાને હૉસ્ટ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here