શૂજિત સરકારની અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના અભિનીત ડ્રામા-કૉમેડી ફિલ્મ ગુલાબો સિતાબોના ગ્લોબલ પ્રીમિયરની જાહેરાત અમેઝોન પ્રાઇમ વિડિયોએ કરી હતી. 12 જૂન 2020ના વિશ્વના 200 દેશોમાં ગુલાબો સિતાબો દર્શાવાશે.

અમેઝોન પ્રાઇમના ડિરેક્ટર વિજય સુબ્રહ્મણ્યમે જણાવ્યું કે, અમેઝોનમાં અમે અમારા દર્શકોની જરૂરિયાત મુજબ કામ કરીએ છીએ. ગુલાબો સિતાબો આ વરસની સૌથી પ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. અમને આનંદ છે કે અમિતાભ અને આયુષ્માનની ફિલ્મનો પ્રીમિયર અમેઝોન પર થઈ રહ્યો છે.

ગુલાબો સિતાબોના ડિરેક્ટર શૂજિત સરકારે કહ્યું કે, ભારતીય મનોરંજન જગતમાં આ એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. અમને આનંદ છે કે અમારી આ વિચિત્ર ડ્રામા-કૉમેડી ને વિશ્વભરના દર્શકો મળશે. ગુલાબો સિતાબો હલકી-ફુલકી મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે કામ કરવાનો અનુભવ ઘણો મજેદાર રહ્યો.

ફિલ્મ અંગે જણાવતા અમિતાભ બચ્ચન કહે છે કે, ગુલાબો સિતાબો જીવનનો એક અંશ છે. એક એવી ડ્રામા-કૉમેડી ફિલ્મ છે જે પરિવાર સાથે માણી શકાય છે. શૂજિતે જ્યારે મને મારા પાત્રનો લૂક બતાવ્યો ત્યારથી હું મારી ભૂમિકા અંગે રોમાંચિત હતો. આટલા અલગ લૂકવાળા પાત્રની તૈયારી કરતા મને રોજ ત્રણ કલાક લાગતા. મારા ટેલેન્ટેડ સહ-કલાકાર આયુષ્માન ખુરાના સાથે કામ કરવાની ઘણી મજા આવી. અમે ઘણી મજાક કરતા, એની સાથે પહેલીવાર કામ કર્યું પણ ઘણી મજા આવી.

જ્યારે આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, ગુલાબો સિતાબો મારા માટે ખાસ ફિલ્મ છે. વિકી ડૉનર બાદ શૂજિત સાથે આ મારી બીજી ફિલ્મ છે. આજે હું જે કંઈ પણ છું એ એમને કારણે છું. અને મને આનંદ છે કે તેમણે મને ફરી આ ફિલ્મ માટે પસંદ કર્યો. ગુલાબો સિતાબોમાં હું પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છું. વરસોથી તેમની સાથે કામ કરવાની મહેચ્છા હતી જે શૂજિતે પૂરી કરી. અમિતજી જેવા લેજન્ડ સાથે કામ કરવું મારા માટે એક સન્માનની વાત છે. અને આ અનુભવે મને એક કલાકાર તરીકે સમૃદ્ધ બનાવ્યો છે. ગુલાબો સિતાબોમાં એક મકાન માલિક અને એના ભાડૂત વચ્ચેનો વ્યંગ ફિલ્મને મજેદાર બનાવે છે. મને આશા છે કે દર્શકોને ફિલ્મની સાથે અમારી કેમિસ્ટ્રી પણ પસંદ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here