લગાન, સ્વદેશ, જોધા અકબર, મોહજોં દરો જેવી ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારિકરની ફિલ્મમાં કામ કરવા બૉલિવુડના સુપરસ્ટાર આતુર હોય તો અન્ય કલાકારની વાત જ શું કરવી? નાના-મોટા દરેક કલાકાર તેમની કરિયરમાં એકવાર તો આશુતોષની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવતો હોય છે. એમાં જો તેમના પ્રોડક્શન હાઉસમાંથી એક મહત્ત્વના કિરદારની ઑફરનો ફોન આવે તો જાણ એ કલાકાર ધન્ય ધન્ય થઈ જાય. આશુતોષ ગોવારીકરની 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ પાણીપતમાં અમદાવાદના કલાકાર પરેશ શુક્લ એક મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા છે.

અમદાવાદના પરેશ શુક્લ છેલ્લા બે-ત્રણ દાયકાથી રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. અમદાવાદના દિગ્ગજ નાટ્યસર્જકો સાથે કામ કરવા ઉપરાંત તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ તેમની અભિનય પ્રતિભા દર્શાવી છે.

ગુજરાતના આ પ્રતિભાશાળી કલાકારે આશુતોષની ફિલ્મ પાણીપતમાં સદાશિવરાવ પેશ્વાના સેનાપતિ ગોવિંદ પંત બુંદેલનું પાત્ર ભજવ્યું છે. જોકે આ પાત્ર માટે તેમણે અનેકવાર લૂક ટેસ્ટ આપવા પડ્યા. પરંતુ તેમના પ્રભાવશાળી લૂક અને ધારદાર અભિનયને કારણે તેમની ગોવિંદ પંતના પાત્ર માટે પસંદગી કરવામાં આવી. મજાની વાત એ છે કે ફિલ્મમાં તેમના પર ગીતની પંક્તિઓ પણ ફિલ્માવવામાં આવી છે.

અર્જુન કપૂર, સંજય દત્ત, ક્રીતિ સેનન, મોહનીશ બહેલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીનત અમાન, કુણાલ કપૂર, રવિન્દ્ર મહાજન, જ્ઞાનેશ વાડેકર, ગશ્મીર મહાજન, મિલિંદ ગુણાજી જેવી સ્ટાર કાસ્ટ સાથે કામ કરવાનો અનુભવ અવિસ્મરણીય રહ્યો. પરેશ શુક્લાનું કહેવું છે કે આટલા મોટા કલાકાર હોવા છતાં અમારા જેવા કલાકારોને તેઓ સન્માન આપતા હતા.

અહેવાલ : ધનલક્ષ્મી ત્રિવેદી

રજૂઆત : ફિલ્મી ઍક્શન ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here