કોરોના મહામારીને પગલે અમલમાં આવેલા લૉકડાઉનને કારણે અનેક દેશોની આર્થિક હાલત કથળી ગઈ છે. તો એનાથી પણ ખરાબ હાલત સામાન્ય લોકોની છે. અનેક જણને ખાવાના સાંસા પડી રહ્યા છે. કોરોનાના કેસ વધવાને કારણે લૉકડાઉન પણ લંબાતો હોવાથી ઘણાને નોકરી ગુમાવાનો ડર સતાવી રહ્યો છે. માત્ર નોકરિયાતોની જ આવી હાલત છે એવું નથી. લૉકડાઉનમાં કલાકારોના પણ પૈસા અટવાયા હોવાથી અનેક આર્ટિસ્ટ ભારે નાણાંભીડ અનુભવી રહ્યા છે. નિરહુઆ ચલલ લંડન અને માન જાઓના જેવી ભોજપુરી ફિલ્મો કર્યા બાદ સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝમાં ઝોયા મિર્ઝાની ભજવેલી ભૂમિકાથી જાણીતી બનેલી અભિનેત્રી એલ્નાઝ નૌરોજી પણ આર્થિક સંકડામણ અનુભવી રહી છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ઘરનોકરને પગાર આપવાના પણ પૈસા નથી.

એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાત દરમ્યાન સેક્રેડ ગેમ્સની અભિનેત્રીએ પોતાની સમસ્યાની જાણ કરી હતી. હાલ એ જર્મનીમાં છે. ભારત કરતા વધુ વિકટ પરિસ્થિતિ જર્મનીમાં છે. અને આવી વિકટ
પરિસ્થિતિમાં એલ્નાઝ પાસે આવકનું કોઈ સાધન નથી. એણે થોડા સમય અગાઉ મૉડેલિંગનું કામ કર્યું હતું પણ એના પૈસા પણ હજુ એને મળ્યા નથી.
દરમ્યાન એની પાસેના પૈસા પણ પૂરા થવા આવ્યા હોવાથી કામવાળીને પગાર આપવા માટે પણ એની પાસે રૂપિયા નથી. કોરોના મહામારી વહેલી તકે પૂરી થાય એવી આશા સાથે એ જીવી રહી છે.