નવોદિત અભિનનેતા જો એમ કહેતો હોય કે મારી ઇચ્છા સુપરસ્ટાર કે હીરો બનવાની નથી ત્યારે આપણને લાગે કે આ વ્યક્તિમાં મહત્ત્વાકાંક્ષા નથી કે એનામાં અભિનય ક્ષમતા નહીં હોય. પણ અબરામ પાંડે આવું સ્ટેટમેન્ટ કર્યા પછી જે કહે છે એ સાંભળી દાદ દેવાનું મન થાય. અબરામનું કહેવું છે કે હું હીરો કે સુપરસ્ટાર બનવા નથી આવ્યો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારે અબરામ પાંડે તરીકેની આગવી ઓળખ બનાવવી છે.

અભિનયની કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર માત્ર આત્મવિશ્વાસના જોરે મુંબઈ આવેલા અબરામને ખાસ સ્ટ્રગલ કરવી પડી નહીં. એને પહેલો અવસર સીઆઈડીમાં મળ્યો. ત્યાર બાદ અનેક એપિસોડિક સિરિયલ કર્યા બાદ અબરામને મેજર બ્રેક મળ્યો જમનાદાસ મજિઠિયા (જે.ડી.)ની સિરિયલ બકુલા બુઆ કા ભૂતમાં. આ સિરિયલમાં અબરામે ભજવેલી આધુનિક નારદની ભૂમિકા એટલી ફૅમસ થઈ કે અબરામને લોકો નારદના નામે ઓળખવા લાગ્યા.

અબરામ પાંડેએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન અનાયાસ કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યો એની વાત કરવાની સાથે આગામી પ્રોજેક્ટ્સ અંગે પણ જણાવ્યું હતું.

અબરામ કહે છે કે, મારા ફૅમિલીમાં કોઈ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નથી અને મેં પણ અભિનયને કરિયર બનાવવાનું વિચાર્યું સુદ્ધાં નહોતું. ફુરસદના સમયમાં થોડી ખીસા ખર્ચી કમાવા શરૂ કરેલું માડેલિંગ, ઍડ ફિલ્મને કારણે અભિનયમાં રસ પડ્યો. સ્થાનિક સ્તરે પુષ્કળ કામ કર્યા બાદ મુંબઈની વાટ પકડી. મોહમયીનગરીમાં કોઈ ઓળખાણ નહોતી પણ બંદા મુંબઈ પહાંચી ગયા. સૌપ્રથમ રહેવાની વ્યવસ્થા કર્યા બાદ કામની તલાશી શરૂ કરી. નિયતિ કદાચ મારા પર મહેરબાન હશે કે ટૂંક સમયમાં જ મને સીઆઈડીમાં મોકો મળ્યો. ત્યાર બાદ મારે પાછું વળીને જોવાનો વારો આવ્યો નથી.

કઈ ભૂમિકાએ તમને ખ્યાતિ અપાવી?

સાચું કહું તો બકુલા બુઆ કા ભૂત સિરિયલમાં ભજવેલી આધુનિક નારદની ભૂમિકાને કારણે લોકો મને ઓળખતા થયા. પણ, ઍન્ડ ટીવી પર પ્રસારિત થયેલી લાલ ઇશ્કના પાત્રએ મને અપાર લોકપ્રિયતા અપાવી. આ પાત્ર દરેક પ્રકારના શેડ્સ ધરાવતું હતું.

ટીવીની સાથે તમે નાટકો પણ કરી રહ્યા છો? કૉલેજકાળ દરમ્યાન નાટકોનો અનુભવ હશે નહીં?

મેં કહ્યું ને કે એ સમયે મારી અભિનય પ્રત્યે કોઈ રુચિ જ નહોતી. પણ સમયાંતરે હું અભિનય પ્રત્યે આકર્ષાતો ગયો અને આજે તમારી સમક્ષ બેઠો છું. હા, એક વાત ચોક્કસ કહીશ કે નાટક કરવાથી મારી અભિનયની અનેક બારીકીઓ શીખવા મળી. વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં હાલ વેલકમ જિંદગી નામનું નાટક કરી રહ્યો છું.

તમારો આદર્શ કલાકાર…

અધવચ્ચેથી અટકાવતા અબરામ કહે છે કે, મારો કાઈ આદર્શ કલાકાર નથી. એનો મતલબ એવો નથી કે હું ઘમંડી છું. ઘણા કલાકાર છે જેમની પાસે કંઇ ને કંઈ શીખવા મળે છે. કોઈ એક કલાકારને આદર્શ માની મારે બંધિયાર નથી બનવું. દરેક કલાકાર તમને કંઇક શીખવાડી જાય છે. હા, મારા ઑલ ટાઇમ ફેવરિટ આર્ટિસ્ટ હોય તો એ છે અક્ષયકુમાર.

તમને વન ટેક આર્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે…

જી, વાત સાચી છે. એનું કારણ છે કે હું જ્યારે પણ કેમેરા સામે પૂરી તૈયારી સાથે જે-તે પાત્રને આત્મસાત કરીને આવું છું. દિગ્દર્શકે જે સૂચના આપી હોય એને ફોલો કરૂં છું. સંવાદમાં પણ ક્ષતિ ન રહે એ માટે બરોબર યાદ કરી લઉં છું.  દિગ્દર્શકના ઍક્શનના આદેશ સાથે જ મારામાં રહેલો કલાકાર ઍક્ટિવ થઈ જાય છે.

તમારા માનીતા ક્યા દિગ્દર્શક જેમની સાથે કામ કરવાની અદમ્ય ઇચ્છા હોય?

કોઈ એકાદ-બે નહીં, એવા ઘણા સર્જક છે જેમની સાથે કામ કરવાનું ગમશે. જેમ કે રાજા મૌલી, કેતન મહેતા, સૂજિત સરકાર,  હંસલ મહેતા, રાજકુમાર હિરાણી… જેવા દિગ્દર્શકો સાથે કામ કરવાનો મોકો મળે એની રાહ જાઈ રહ્યો છું.

ભવિષ્યમાં કેવી ઓળખ બનાવવા માંગો છો?

પર્ફેક્ટ જેન્ટલમૅનની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here