ફિલ્મી ઍક્શન પરિવારમાં બાબુલ ભાવસારનું હાર્દિક સ્વાગત

ગુજરાતી કલાજગતનું જાણીતું નામ એટલે બાબુલ ભાવસાર. લેખક-દિગ્દર્શક-અભિનેત-નિર્માતા ઉપરાંત નાટ્યસ્પર્ધાના આયોજનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બાબુલ ભાવસારે તેમના નાથ થિયેટર્સ બેનર હેઠળ અનેક સફળ હિન્દી-ગુજરાતી નાટકોનું નિર્માણ કર્યું છે. બાબુલ ભાવસારે સ્વપ્ન કિનારે, આભાસ, હેન્ડ્ઝ અપ, સાથિયામાં એક રંગ ઓછો જેવી અનેક સુપરહિટ સિરિયલોની પટકથા-સંવાદ લખ્યા છે. તો અનેક સફળ ગુજરાતી ફિલ્મોની કથા-પટકથા-સંવાદ પણ તેમણે લખ્યા છે.

ફિલ્મ-ટીવી-નાટકો લખવા ઉપરાંત નાટ્યજગતના અવનવા પ્રસંગો પર લેખો લખવાની તેમની હથોટી ગજબની છે. ફિલ્મી ઍક્શનના વાચકોને પણ હવે તેમની કલમનો લાભ મળશે.

મિત્રો,

દિનકર જાની અને સોનાલી ત્રિવેદીના સૂચન પર મેં સૌ પાસે પોતે ચાલુ નાટક દરમ્યાન કરેલા ભગા કે લોચા બાબત ટૂંકી માહિતી માંગી હતી એ હું આપ સૌ સાથે શેર કરું છું.

આશા છે કે આપ સૌને આનંદ જરૂર આવશે અને અત્યારે ૩ જણની જ માહિતી મોકલું છું જેથી લેખ ટૂંકો પણ રહે અને મઝા પણ આવે. જે કોઈ આવા પ્રસંગો મોકલવા માંગતા હોય એમને વિનંતી કે પોતાના શબ્દોમાં ગુજરાતીમાં લખી મને વૉટ્સઍપ કરે.

  • બાબુલ ભાવસાર

ફોન મુંબઈ નહીં દુબઈ લગાડું છું…

એસટીડી/આઈએસડીના જમાનાની વાત છે…1992માં અમે તથાસ્તુ નાટક ભજવતા હતા. નાટકમાં મારે દુબઈ કૉલ જોડવાનો હતો, આઈએસડી કોડના બટન દબાવી ફોન ડીજીટ્સ પર આંગળી દબાવતો હતો ત્યાં એક ચતુર પ્રેક્ષકભાઈ બરાડ્યા હવે કેટલા નંબર દબાવશો? મેં એમને સીધો જવાબ ન આપતા મારી બાજુમાં ઉભેલા પાત્રને કહ્યું  ફોન દુબઈ લગાડું છું મુંબઈ નહીં, જા ત્યાં લગી ચા પી આવ!!!

(કહેવાની જરૂર નથી બાકીના પ્રેક્ષકોએ તાળીઓ અને લાફ્ટરથી મારી વાતને વધાવી લીધી)

સનત વ્યાસ

…અને પુરુષ કલાકારની ચોરણી ઉતરી ગઈ

૨૦૧૯, ૧૫મી એપ્રિલે નાટક “છતે પૈસે ઠનઠન ગોપાલ”નો બપોરના મહિલા મંડળનો શૉ કાલિદાસ, મુલુંડમાં હતો.

નાટકની સિચ્યુએશન એવી હતી કે પહેલા દ્રશ્યના અંતમાં મારા પરિવારને ઘરમાંથી કપડું વીંટાળેલ એક ઘડો મળી આવે છે. કોઈને ખબર નહોતી કે એમાં કરોડોના ઝવેરાત છે.. નાટકના બધા પાત્રો મુંજાયેલા અને અવાચક થઈ ગયા હોય છે. પ્રેક્ષકોને પણ એ જાણવાનું કુતૂહલ હતું કે આમાં શું હશે ? બધા પાત્રો ધીરે ધીરે ઘડા તરફ આગળ વધી રહ્યા હોય છે. બેકગ્રાઉંડમાં પણ ટેન્શનથી ભરપૂર મ્યુઝિક વાગી રહ્યું હોય છે..

આવામાં એ શૉમાં અમૂક સ્ત્રીઓ ધીરે ધીરે હસવા માંડી.. અમે હજી કઇં સમજીએ એ પહેલા તો ઓડિયન્સમાં બેઠેલ બધી સ્ત્રીઓ જોરજોરથી ખડખડાટ હસવા માંડી. એક સેકન્ડ માટે તો હું મૂંઝાઇ ગયો કે આવી ટેન્સ્ડ સિચ્યુએશનમાં લોકો હસી કેમ રહ્યા છે ? પરિસ્થિતિને સમજવા મેં આજુબાજુ સહકલાકારો તરફ જોયું તો બાજુમાં ઉભેલ આકાશ નામનો એક કલાકાર, જેણે ચોરણી ઝભ્ભો પહેરેલા, એની ચોરણી ઉતરી ગઈ હતી . નસીબજોગે ઉપર ઝભ્ભો હતો એટ્લે ઝાઝું પ્રદર્શન નહોતું થઇ રહ્યું..

પણ વિચારો તો ખરા.. આવી ટેન્સ્ડ સિચ્યુએશન, એક પુરુષ કલાકારની ચોરણી ઉતરી ગયેલી, ૪૦૦-૪૫૦ સ્ત્રીઓનું હાસ્ય, રડમસ અને બ્લેન્ક આકાશનું પહેલું નાટક.. આવામાં હું પરિસ્થિતી સંભાળવા એને કઇં પણ કરવા કહું તો લોકોનું ધ્યાન એ તરફ વધારે દોરાય અને વાતાવરણ ઓર હાસ્યાસ્પદ બની જાય. આવામાં શું કરવું એ સમજાતું નહોતું. જેમતેમ કરી લોકોના હાસ્ય વચ્ચે અમે એ સીન પૂરો કર્યો. બધાને હાશ થઈ.

હવે બીજા સીનમાં બધા જ પાત્રો સ્ટેજ પર હોય છે. મને એમ કે બ્લેકાઉટમાં એણે ચોરણી પાછી પહેરી લીધી હશે. અને જો કઇં તકલીફ હોય તો હું ઈશારો કરી સમજાવી દઇશ કે ચોરણી ઉપર ચડાવી તું આખા સીન દરમિયાન એક જગ્યાએ બેઠો રહેજે. પણ જેવી લાઇટ આવી અને મેં જોયું તો આકાશ ગાયબ !!! હું ઓર ટેન્શનમાં… મારી સાથે બીજા કલાકારો, જેમાંથી એકાદ બે જણનું પણ આ પહેલું નાટક હતું એ લોકો પણ ટેન્શનમાં..

એવામાં મેં મારી સહઅભિનેત્રી મનીષા વોરાને ઈશારો કર્યો. એણે તરત જ સિફતથી એક્ઝિટ લઈ લીધી એ જાણવા કે આકાશ ક્યાં છે. હું અને બાકીના કલાકારો ધીરે ધીરે નાટક આગળ વધારી રહ્યા હતા એટલામાં મનીષાએ વિંગમાં આવી મને ઈશારો કર્યો કે આકાશ તો ગ્રીનરૂમમાં ધોબી પાસે ચોરણીમાં નાડું નખાવી રહ્યો છે . આટલું જણાવી એ સ્ટેજ પર આવી પોતાની જગ્યા પર બેસી ગઈ. મને સતત વિચાર આવ્યા કરે કે કાલિદાસ ઓડિટોરિયમના સ્ટેજ અને ગ્રીનરૂમ વચ્ચે ચિક્કાર ડિસ્ટન્સ છે. આમાં આકાશ આવશે ક્યારે ? અમે તો અમારા ડાયલોગ્સ ધીમી સ્પીડે બોલી જ રહ્યા હતા પણ હવે આકાશના પાત્રનો વારો આવે એમ હતો.. અને એના ડાયલોગ્સ અમારા ડાયલોગ્સથી તદ્દન વિપરીત હતા એટ્લે બીજો કોઈ કલાકાર પણ એના ડાયલોગ્સ બોલીને પરિસ્થિતી સંભાળી ના શકે.

૫ ૪ ૩ ૨ ૧ એમ કાઉન્ટ-ડાઉન કરતાં કરતાં નાટક અટકે એ પહેલા જ આકાશ ચોરણી પહેરીને દોડતો દોડતો આવ્યો અને શાંતિથી એન્ટ્રી લઈ પોતાની પોઝિશન પર ઊભો રહી ગયો. બધાનો જીવ હેઠો બેઠો અને નાટક આગળ વધી ગયું. લોકોના જબરદસ્ત પ્રતિસાદ સાથે અમારો પહેલો અંક પૂરો થયો.

જે બધુ થઈ ગયું એ જોઈને ઈંટરવલ દરમિયાન અમે બધા પણ હસી રહ્યા હતા. મેં આકાશને પૂછ્યું “શું થયું હતું?” તો એણે કહ્યું “ખબર નહીં સર પણ અચાનક નાડું તૂટી ગયું” અમે બધા હસવા માંડ્યા. મેં ફરી પૂછ્યું “પણ ચોરણીમાં નાડું આટલું ફટાફટ નાખીને તું કેવી રીતે આવી ગયો ?” તો એણે કહ્યું “સર, મને અચાનક યાદ આવ્યું કે નાટકના કપડાનું શોપિંગ કરતી વખતે તમે મારી પાસે એક ચોરણી સ્પેરમાં લેવડાવેલી.. એ પહેરીને આવી ગયો.”

શૉ પતી ગયા પછી ઘરે જવા માટે આકાશ તો શરમના માર્યે બહુ વાર પછી બહાર નીકળ્યો પણ હું એ વિચારી રહ્યો હતો કે જો બીજી ચોરણી ના ખરીદી રાખી હોત તો શું થાત ?

– વિપુલ વિઠલાણી

અવાજ સંભળાય નહીં અને દીનુમામાં જમીન પર ફસડાય નહી

આ ઘટના દિનુમામાએ ( દિનુ ત્રિવેદી ) ભૂતકાળમાં સોનાલીને કહી હતી એટલે વધુ વિગત ન મળી શકી.

સોનાલીએ કહ્યું “દિનુમામા પર કોઈ એક નાટકમાં ગોળી ચાલવામાં આવે છે અને પહેલાના સમયમાં નેપથ્યમાં બેકસ્ટેજવાળો હથોડીથી ફટાકડાની ટીકડીઓ પર વાર કરતો અને એની અસર બંદૂક ફોડ્યા બાદ જે ધડાકાનો અવાજ સંભળાય એવો જ લાગતો. પણ એ પ્રયોગમાં હથોડી ફોડનાર કલાકાર કોઈક બીજા કામમાં અટવાયો કે ખબર નહિ શું થયું પણ અવાજ સંભળાય નહીં અને દીનુમામાં જમીન પર ફસડાય નહી અને દૃશ્ય અટકી જ ગયું – નેપથ્યમાંથી કોઈકે કહ્યું પણ ખરું કે “મામા પડી જાઓ” પણ અવાજ વગર, ઇમ્પેક્ટ વગર મામા મરવા તૈયાર નહી. છેવટે જે કલાકારે ગોળી ફોડવાની હતી એણે પોતાના મોં થી ” ઠૌં …ઠૌં…” અવાજ કર્યો અને દિનુમામાં સ્ટેજ પર પટકાયા… પ્રેક્ષકો ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.”

વિચાર તો કરો જે દૃશ્યમાં સહાનુભૂતિ મળવી જોઈએ એમાં હાસ્યની છોળો ઉડી ખાસ કરીને “ઠૌં …ઠૌં…” શબ્દ પર.

સોનાલી ત્રિવેદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here