પદ્મશ્રી દિન્યાર કોન્ટ્રાક્ટરે પ્રેક્ષકને લેવડાટી નાંખ્યો

“Carry on Papa” નાટક અંગ્રેજીમાં હતું પણ ભજવાતું હતું મુંબઇના લગભગ બધા જ થિયેટરોમાં જ્યાં ગુજરાતી નાટક  ભજવાતાં હતાં, અને મૂળ મરાઠી નાટક “અપ્પાંચી સેક્રેટરી” અને ગુજરાતીમાં “પપ્પાની સેક્રેટરી”. બીજી મહત્વની વાત કે નાટકમાં નિર્માતાથી લઈને બેક સ્ટેજ સુધી 99% ગુજરાતી કલાકાર કસબીઓ જ હતા. આ  ગુજ્જુ અંગ્રેજી નાટકે એ વખતમાં ખૂબ જ ધમાલ મચાવી હતી. નાટકમાં પપ્પાની તોફાની ભૂમિકા ભજવતા કૉમેડી કિંગ અને પારસી ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા, કલાકાર અને દિગ્દર્શક દિન્યાર કોન્ટ્રાકટર. છેલ્લા અંકમાં એ જે પાત્ર ભજવતા હતા એ કફોડી હાલતમાં હોય છે. પપ્પાનું લફરું પકડાઈ જાય છે અને સેક્રેટરી સાથેના કઢંગી હાલતના ફોટા સાથે કોઈ એમને બ્લેમેઇલ કરતાં ફોન કરે છે અને દીનશું (દિન્યાર કોન્ટ્રાકટરનું હુલામણું નામ) રડમસ થઇ જાય છે. પોતાનાં કુટુંબીઓ સામે પડી ભાંગવાની અણી પર હોય છે. નાટક કૉમેડીથી ભરપુર હોય છે અને પ્રેક્ષકો પણ દિનશુંની સૂડી વચ્ચે શાંતિલાલ જેવી પરિસ્થિતિથી ગેલમાં આવી માણી રહ્યા હોય છે. એ જ વખતે, પ્રેક્ષક ગૃહમાંથી કોઈક કારણસર પહેલી હરોળમાં બેસેલ એક વ્યક્તિ અનાયસે ઊભી થઈ જવા જાય છે અને દીનશુ એ પ્રેક્ષકને પાત્રમાં રહી કહે છે what’s your problem, why you got up ? You are also getting call from the blackmailer ? પેલો પ્રેક્ષક માથું ધુણાવી ના પાડી તરત બેસી જાય છે અને પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. નાટકની ભાષામાં કહીએ તો આ એક item બની ગઇ અને નક્કી થયું કે હવે પછીના દરેક પ્રયોગમાં આગલી હરોળમાં પોતાની જ એક વ્યક્તિ અચૂક બેસાડવી જે આ રીતે ઊભો થાય અને દિનશું એને વઢે.

  • દીપક સોમૈયા

ગોળી મારી કે બૉમ્બ ફોડ્યો..???!!!

સાલ ૧૯૮૯ની. જ્યારે અમે જ્યોતિ વૈદ્ય લિખિત સોનલ વૈદ્ય કુલકર્ણી દિગ્દર્શિત નાટક “એક મુઠ્ઠી ધુમ્મસ” નાટક કર્યું હતું અને એ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયું હતું. એમાં આશરે ૩૦ થી ૩૫ કલાકારોની ટીમ હતી. સંજોગોવશાત,  ૫ થી ૭ કલાકારોનું રિપ્લેશમેન્ટ કરવામાં આવ્યું હતું. શો દરમ્યાન એક સીનમાં બધા જ રિપ્લેશમેન્ટવાળાની સાથે મારી સ્ટેજ પર એન્ટ્રી હતી. હું સ્ટેજની ડાબી તરફથી ઝાડુ વાળતો વાળતો આવું ને બાકીના બધા મારી પાછળ પાછળ આવાનું હતું હું સ્ટેજને જમણી તરફ સુધી જતો રહ્યો પણ કોઈ સંવાદ બોલતું નથી એવો ભાસ થયો, પાછળ ફરીને જોયું તો કોઈ કલાકાર સ્ટેજ પર આવ્યું જ નહોતું. હવે હું જરા મુંજાયો તરત વાળેલો બધો કચરો ટોપલામાં ભરી ને એક્ઝિટ કરીને બધા ને કીધું કે ભાઈઓ ચાલોને તમારો સીન છે. ત્યારે તેમ ને ખ્યાલ આવ્યો કે એ તો એ લોકોનો સીન હતો. એ જ નાટકના અંતમાં એક કલાકાર એક બીજા કલાકારને ગોળીથી મારે છે અને ત્યારે મારે હથોડીથી ફટાકડી ફોડવાની હતી. પરંતુ એ સીનની શરૂઆતમાં નાટકની હીરોઈનને ગળું દાબીને મારવાનો સીન હતો એ હીરોઈનના માસી એની હેલ્પ માટે હંમેશા બેકસ્ટેજમાં હોય એ એટલા બધા ઉત્સાહી હતા કે એનો સીન પત્યો એટલે દોડતા દોડતા એની એક્ઝિટ પર પહોંચ્યા ને મારી બધી ફટાકડીને ઉડાડી દીધી. આ બધું બેકસ્ટેજમાં – અંધારામાં થઇ ગયું. ને જેવી લાઈટ આવી ને પેલો ગોળીવાળો સીન આવ્યો ને જ્યોતીભાઈ વૈદ્ય સાહેબે બૂમ પાડી ” જીતુ ફટાકડી ફોડ ” મેં કીધું સાહેબ ક્યાંથી ફોડું, બધી ફટાકડી તો માસીએ ઉડાડી દીધી ત્યારે સમય નહોતો એટલે નવી ડબ્બીમાંથી ફટાફટ ફટાકડી કાઢીને જેટલી આવી એટલીને લઇ એ ફટાકડી ફોડી તો બહુ મોટો અવાજ થયો તો પ્રેક્ષકમાંથી કોમેન્ટ આવી કે ગોળી મારી કે બૉમ્બ ફોડ્યો..???!!!

  • જીતેન્દ્ર જીસાહેબ, સુરત

ચોરણીનું નાડું તૂટ્યું અને ધબકારા વધવા લાગ્યા

અમારો આણંદમાં ‘આને ભી દો યારો’ નો શો હતો, છેલ્લા સીનમાં દીકરીના બાપ તરીકે ચોરણી ઝભ્ભો પહેર્યો હતો, કલાઈમેકસનો રસાકસી ભર્યો સીન હતો, મારે ખૂબજ ગુસ્સામાં અને ઇન્ટેન્સ થઈ ડાયલોગ બોલવાની શરૂઆત કરવાની હતી એટલે એકસાથે શ્વાસ ભરીને બોલવાનું શરૂ કર્યું અને અચાનક… મને ખ્યાલ આવ્યો કે મારી ચોરણીનું  નાડું છૂટી ગયું છે અને ચોરણી ધીરે ધીરે નીચે સરકી રહી છે. મારું બ્લડ પ્રેશર હાઈ થવા લાગ્યું, જેમતેમ કરીને પગ પહોળા કરી બે ડગલાં ચાલી સોફા પાછળ કમરથી નીચેનો ભાગ છુપાવી ઊભા રહીને ડાયલોગ પૂરો કર્યો, પણ ત્યાર બાદ મારે કાઉન્ટર મૂવમેન્ટ સાથે આગળ જવાનું હતું અને મારી જગ્યા એ હરિકૃષ્ણ દવે ઊભો રહી પોતાનો લાંબો ડાયલોગ બોલવાનો હતો. હું મૂંઝાયો અને હરિને આંખો પહોળી કરી ડોક હલાવતા ઈશારો કર્યો કે મારી પાસે નહીં આવતો, ત્યાંથીજ બોલ,  પણ હરિને એ સમજાયું નહીં અને એણે પોતાના ફ્લોમાં ચાલવાનું શરૂ કર્યું, મારું બીપી ઓર વધ્યું… હવે…? છૂટકો ન્હોતો. મારી ઓરીજીનલ મૂવમેન્ટ લઈ ફોરસ્ટેજ તરફ જવું જ પડે એમ હતું. રીતસર પોતાની ચોરણી કોણીથી પકડી, પગ પહોળા રાખી મૂવમેન્ટ લીધી ને જેમતેમ છેલ્લો ડાયલોગ પૂરો કર્યો. પણ… પડદો પડે એ પહેલાં અમારે બધાએ ડાંસ કરવાનો હતો….  પાછી ઉપાધિ. જેમતેમ ચોરણી પકડી ડાંસ કર્યો. જેવો પડદો પડ્યો એટલે મેં ઋષિને બૂમ પાડી કે મારી બીપીની ગોળી લાવી આપ. હું ખૂબ જ ટેન્સ થઈ ગયો હતો. ત્યાર બાદ દરેક શોમાં  ચોરણી ઉપર બેલ્ટ પહેરવાનું શરૂ કર્યું. નાડા ઉપર ભરોસો ન કરાય….

  • દિલીપ સોમૈયા

લેંઘા ખેંચ દૃશ્ય

ઘણા કલાકારોમાં એક અનોખી આવડત હોય છે – જ્યારે એને ખબર પડે કે કોઈ એક શબ્દ ઉપર પ્રેક્ષકો વધુ પ્રતિસાદ આપે છે ત્યારે એ શબ્દનો પ્રયોગ વધારે વખત કરે છે – ફિરોઝ ભગત પણ એ કલામાં માહિર છે – સન ૨૦૦૦માં સુપર હિટ નીવડેલ નાટક “અધૂરા તોયે મધુરા”ના પ્રથમ પ્રયોગથી જ બીજા અંકમાં “લઘરવઘર” શબ્દ પર એમને જબરદસ્ત પ્રતિસાદ મળતો અને એ શબ્દને એમણે બીજા અંકમાં એ દૃશ્ય બાદ પોતાની તકિયા કલમ જ બનાવી લીધી – ૧૫૦ પ્રયોગ બાદ એક દિવસ મેક અપ રૂમમાં એમણે મને કહ્યું કે “આજે જોજે હું કઈંક નવું કરવાનો છું” – ફિરોઝભાઈ દર ૧૦-૧૫ શો બાદ નવા નવા અખતરા કરતા જ હોય છે એટલે અમે સૌ પણ ઉત્સુક હતા. લઘરવઘર શબ્દ બીજા અંકમાં આવતો – અને સ્ક્રિપ્ટ પ્રમાણે એ દ્રશ્યમાં દરેક પાત્ર, એક પછી એક, એમને એ શબ્દ કહી છંછેડીને જતા રહેતા – સૌથી છેલ્લો હું પણ એ દ્રશ્યમાં મારા પ્રસ્થાન પહેલા કહેતો કે “શાંતિયા, તું કેમ આજે સાવ લઘરવઘર છે” – પત્યું, હું હજી બોલ્યો જ છું અને ફિરોઝભાઈ સ્ટેજના એક ખૂણેથી છેડાતાં મારી પાસે ધસી આવ્યા અને મારો લેંઘો જ ખેંચી કાઢ્યો – હું અવાક્ જ થઈ ગયો… પ્રેક્ષકો માટે આ ચરમસીમા સમું હતું અને એમનું હાસ્ય રોકે રોકાય નહિ, અને સ્ટેજ પર અપરાબેન હતા એ પણ ફૂટી ગયા અને હું પણ માંડ માંડ હસવું રોકી શક્યો – બેકસ્ટેજમાં જ્યારે બધાને ખબર પડી કે ફિરોઝભાઈએ ‘ આ ‘ કારસ્તાન કર્યું છે તો બધા વિંગમાં આવીને જોવા લાગ્યા અને હસવા લાગ્યા – હું  સ્તબ્ધ જ હતો અને ઉતરેલા લેંઘા સાથે મૂર્તિની જેમ જ ચકળવકળ ડોળે ઊભો જ હતો – ફિરોઝભાઈ આવું કઈંક કરશે એની અપેક્ષા જ નહોતી – અને મારા પાત્રનું પ્રસ્થાન જ હતું એટલે ઉતરેલા લેંઘા સાથે ઠેકડા મારતો હું પણ નેપથ્યમાં દોડી ગયો. પણ પ્રેક્ષકો, એ લોકો તો હસી હસીને બેવડ જ વળી ગયા હતા – અને આ લેંઘા-ખેંચ દ્રશ્ય તો બાદમાં અમારા નાટકની યુ.એસ.પી. બની ગઈ – મેં આ નાટકના ૨૭૫ થી વધુ પ્રયોગ કર્યા હતા અને દરેક વખતે આ દ્રશ્ય વખતે પ્રેક્ષકો જબરા ઉછળી પડતા – સીટ પરથી ગબડી પડતાં.

  • બાબુલ ભાવસાર

બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here