ભટ્ટ સાહેબ તખ્તા પર સુઈ ગયા…!

 “બૈરી મારી બાપ રે બાપ” નાટકમાં જયંત વ્યાસ, જયેશ દેસાઈ, શૈલેષ દવે અને ભટ્ટસાહેબ (ચંદ્રવદન ભટ્ટ) એક દૃશ્યમાં સાથે હતા. એ દૃશ્યમાં 5 – 7 મિનિટ ભટ્ટસાહેબે કંઈ પણ બોલ્યા વગર સોફા પર બેઠા રહેવાનું હતું અને પછી બોલવાનું હતું. એક પ્રયોગ દરમ્યાન એમને ઝોંકું આવી ગયું અને એ નસકોરાં   બોલાવવા લાગ્યા. એમનાં સંવાદ બોલવાનું આવ્યું ત્યારે વ્યાસજીએ એમની નજીક જઈ મોટેથી કહ્યું “તમારે કાંઈ બોલવું હોય તો બોલો ” આ સાંભળીને ભટ્ટસાહેબ સફાળા જાગી ગયા અને પુછયું “હૈં, મારો વારો આવી ગયો ?”

…અને ચાવાળો સીધો સ્ટેજ પર પહોંચી ગયો!

1953માં વ્યાસજી “શાહજહાં” નાટકના શો માટે રાજપીપળા ગયા હતા. શાહજહાંની ભૂમિકા ચાંપશીભાઈ નાગડા ભજવતા. નાટક શરૂ થતાં પહેલાં ચાવાળો આવ્યો પણ ચાંપશીભાઈ નાગડા સુધી ન પહોંચી અને  એમનો પિત્તો ગયો અને ચાવાળાને ધમકાવી પાછો મોકલ્યો કે એમને માટે પણ જલ્દીથી ચા લઈ આવે. અચાનક નાટક શરૂ થઈ ગયું અને ચાંપશીભાઈ તખ્તા પર પહોંચી ગયા શાહજહાં તરીકે અને દૃશ્યમાં પરોવાઈ ગયા. ત્યાં જ ચાવાળો બેક સ્ટેજમા ચા લઈને આવ્યો અને ચાંપશીભાઈને સ્ટેજ પર જોયા અને એ ચા સાથે સડસડાટ પહોંચી ગયો સ્ટેજ પર અને નિર્દોષતાથી વઢયો કે “લો, તમારી ચા… એક ચા માટે કેટલી રાડારાડ કરી મૂકી”

  • જયંત વ્યાસ

કયો અંક પહેલા ભજવશું..?

વર્ષો પહેલાં એક નાટક રજુ થયું હતું – “ત્રાટક” અને કોઈક કારણોસર નાટકના લેખક દિગ્દર્શક લતેશ શાહ દર પ્રયોગે નાટકના હિતમાં ફેરફાર કરતાં. ક્યારેક દૃશ્યો અંદરોઅંદર બદલતા તો ક્યારેક અંકોની અનુક્રમણિકા જ બદલી નાખતા. એ પણ એ હદે કે નાટકનું પ્રકાશ આયોજન કરનાર નિલેશ મહેતા પ્રયોગ પહેલા પૂછતા કે આજે કયો અંક પહેલા ભજવવાનો છે… કારણ લતેશભાઈ ક્યારેક છેલ્લી ઘડીએ એલાન કરતા કે આજે બીજો અંક પહેલા ભજવશુ અને ત્રીજો અંક (એ વખતે ત્રિઅંકી નાટક રહેતા) બીજો અને પહેલો અંક છેલ્લો… એટલુંજ નહીં, ઘણીવાર ચાલુ નાટકમાં માઇક પરથી ધીમા સાદે “ત્રા..ટ…ક..!!.. ત્રા..ટ…ક..!!”નો બબડાટ કરતા. એટલું જ નહી, પછી પોતે પડઘા પણ પાડતા જે સાંભળી કલાકારો પણ ઘણીવાર ચાલુ નાટકમાં હસી પણ પડતા.

  • નિલેશ મહેતા

અને લતેશ ભાઈ લપસ્યા…!!

મને યાદ છે “ત્રાટક” નાટક જેવા જ અખતરા લતેશભાઈ “ચિત્કાર” નાટકમાં પણ કરતા (મેં આ નાટકના 50 – 75 શો બેક સ્ટેજ કલાકાર તરીકે કર્યાં છે) અને આવા અવાજ ” ચિત્કાર… ચિત્કાર” સાંભળી શરૂ શરૂમાં અમે સૌ ચોંકી પડતાં અને અભિનયમાં ઓતપ્રોત સુજાતાબેન સ્ટેજ પર છેડાઈ પણ જતાં અને માનસિક રોગીના પાત્રમાં જ રહી “એ ચૂપ રહે..” કહી ચિત્કારી ઉઠતાં અને લતેષ ભાઈ માઇક પાસે કાં તો શાંત થઈ જતાં અથવા ભાગી જતા. એક વાર એ રીતે ભાગતા એમનો પગ નેપથ્યમાં પડેલી થાળીમાં પડ્યો અને થાળી સહિત લપસતાં એક ખૂણેથી બીજે ખૂણે ઘસડાયા – એ રમુજી દૃશ્ય જોઈને અમે નેપથ્યમાં રહેલા બધા જોરમાં હસી પડ્યા અને સુજાતા બેનની સ્ટેજ પરથી ત્રાડ સંભળાઈ “કોણ છે…??” અને અમે સૌ મોઢા પર હાથ રાખી ખીખી કરતા હસતા રહ્યા અને લતેશભાઈ શરમના માર્યા મેક અપ રૂમમાં દોડી ગયા.

  • બાબુલ ભાવસાર

ગંભીર દૃશ્યમાં હસાહસી

એ વખતે હું “તું છે લાજવાબ” નાટકના અમેરિકામાં શો કરતો હતો. ત્યાં એક લોકલ આયોજક બહુ વિચિત્ર રીતે હસતાં એમને એ રીતે જોઈ અમે પણ ખૂબ ખુશ થતાં – હસતા. એક પ્રયોગમાં એમણે  ઈચ્છા દર્શાવી કે એ પણ નાટકમાં એન્ટ્રી કરે અને અમે કહ્યું કે આવીને તમારે અમે સૂચક દૃષ્ટિથી તમારી સામે જોઈએ એટલે તમારે તમારી અનોખી અદામાં માત્ર હસવાનું… નક્કી થયા મુજબ એ આવ્યા અને અમારા એક કલાકારે ગંભીર દૃશ્ય દરમ્યાન એમને “તૈયાર છો ને બે મિનિટ બાદ તમારે હસવાનું છે” એમ આંખોથી કહ્યું અને એ સમજ્યા કે એમણે હસવાનું છે અને એ શરૂ થઈ ગયા. ન એ હસવાનું રોકે અને ન સ્ટેજ પર રહેલા અન્ય કલાકારો હસવાનું રોકી શક્યા. હસા હસી ચાલતી રહી, પ્રેક્ષકોને સમજાયું નહિ કે શું કામ બધા હસી રહ્યા છે અને ગંભીર દૃશ્ય હાસ્યાસ્પદ બની રહ્યું હતું. માંડ માંડ પરિસ્થતિ સંભાળી પણ આ આયોજક અને આ દૃશ્ય અમને સૌને જીવનભર યાદ રહેશે.

  • વિક્રમ મહેતા

અને કે.બી. હાંસીને પાત્ર ઠર્યો

“બેગમ શબાબ” નામના નાટકમાં હું બેક સ્ટેજ કરતો. એક દૃશ્યમાં એવું હતું કે બેગમ શબાબ (ઝંખના દેસાઈ) પલંગ પર સૂતા છે – બ્લેક આઉટ થાય અને બે પળ બાદ ફરી પ્રકાશ આવે ત્યારે મનુભાઈ દેસાઈ નામના એક કલાકાર એમના પર બળાત્કાર કરી રહ્યા છે. બ્લેક આઉટમાં મારે અમુક પ્રોપર્ટી લઈ જતા રહેવાનું હોય પણ એક પ્રયોગમાં અંધારામાં ભૂલથી હું ઝંખનાબેનના હાથમાં ઝડપાયો. ઝંખનાબેન મને મનુભાઈ સમજી પલંગ પર ખેંચે છે અને હું કંઈ કહું એ પહેલા ભૌતેશભાઈએ (જે પ્રકાશ આયોજન કરતા હતા) એમણે લાઈટ આપી દીધી. એમાં હું દેખાયો અને એ તરત બોલ્યા “અરે આ તો બટકો” અને ફરી અંધારું કરી નાખ્યું અને હું સીધો દોડ્યો નેપથ્યમાં. મારી બધાએ એ વખતે ખૂબ હાંસી ઉડાડી કે મેં આ બધું જાણી જોઈને કર્યું હતું. આમ રંગમંચ પર, પ્રેક્ષકો સામે હું બળાત્કાર કરતાં ઝડપાયો. જ્યારે મારી મશ્કરી વધી ગઈ ત્યારે 2-3 પ્રયોગ બાદ ઝંખનાબેને બધાને ના પાડી કે “ખબરદાર, જો કોઈએ બટકાની હવે વધું મજાક કરી છે તો..”

  • કિરણ ભટ્ટ (કે.બી.)

બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here