કપ તો ખાલી છે…

અમે બરફનાં પંખી

હું પપ્પા ના પાત્રમાં.

એક દ્રશ્યમાં,  નોકર ચ્હા આપી જાય  અને હું વાત કરતા ચ્હા પીઉ..

હજી તો કપ મોઢે લગાડુ,  ત્યાં એક ચતુર પ્રેક્ષક બોલ્યો,  ‘ ખાલી છે  ‘

અને લાફ્ટર આવ્યું..

મેં શાંતિથી વાત આગળ વધારતાં,  કપમાંથી રકાબીમાં ચ્હા રેડીને પીવા માંડી,

તાળીઓ અને હાસ્ય .

  • અરવિંદ વૈદ્ય

કુર્તો આપે તો ઊભા થવાય

દીપ્તિ દોશી

સન 2002માં “પુરુષ બચાવો અભિયાન” નાટક  બિરલા માતુશ્રી  મુંબઈમાં કરેલુ. એમા વિક્રમ શુક્લ સૂતેલ હોય છે અને બ્લેક આઉટ થાય છે. એમની પત્ની અંદરથી કુર્તો લઈ આવે ને આપે તે પહેરીને ઊભા થવાનુ હતુ. લગભગ નાટકનો એન્ડ હતો. હું ગ્રીન રૂમમા ગઈ તો એમની પત્ની જે નાટકમાં પણ એની પત્ની હતી તે વાતોમાં પડી ગઈ. ને એ બહાર ન આવે તો વિક્રમ ઊભો જ ન થઇ શકે. એ કંઈક ઉંઘમાં બૂમો પાડ્યા જ કરે, બહુ વખત સુધી મને કંઈ સ્ટ્રાઇક થયું એટલે એને કીધું કે જા જલ્દી ને એ ગઈ… ફારસ થતાં અટકી ગયું.

  • દીપ્તિ દોશી

…આ સાપે તો ભારે કરી

આ વાત છે ઐતિહાસિક નાટક ચાણક્યની, મિહિર ભૂતા દ્વારા લિખિત અને દિનકર જાની સર દ્વારા દિગ્દર્શિત આ નાટકનો પહેલો શો અભિયાન નાટ્ય સ્પર્ધામાં ભજવાયો હતો. પહેલા શોનો ઉત્સાહ અને સ્પર્ધામાં વિજેતા થવાં માટે બધાં જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા,  ત્યારે નાટકના એક દૃશ્યમાં વિષકન્યા કટિકાના પાત્રમાં ડિમ્પલ શાહ હતી, તેણે સીનના અંતમાં પોતાના હાથમાં એક સાપ પકડવાનો હતો, અને ડાયલોગ બોલવાનો હતો “આજ્ઞા દેવ!!” અને પછી અંધકાર. નેચરલી, આ સાપ તો રમકડાંનો જ હોયને, પણ આ સીનને વધુ પ્રભાવશાળી બનાવવા અને સ્પર્ધામાં ઉતીર્ણ થવા નિર્માતા જયસુખ રાવરાણી એક સાચો પણ બિન ઝેરી સાપ લઈને આવ્યા અને સાથે આવેલ મદારીએ ડિમ્પલ શાહને આ સાચુકલા સાપને પકડવાની ભરપૂર પ્રેક્ટિસ કરાવી. અને પ્રેક્ટિસ પ્રમાણે જ ડિમ્પલ શાહે સીન દરમ્યાન સાપ સાવચેતીપૂર્વક સાચવ્યો અને સીનના અંતમાં સફળતાપૂર્વક સાપને હાથમાં પકડીને બહાર પણ કાઢ્યો અને દમદાર સંવાદ પણ બોલી “આજ્ઞા દેવ!!” અને જોરદાર તાળીઓ સાથે બ્લેકઆઉટ થયો. એ દૃશ્ય એટલું સુંદર અને પ્રભાવશાળી હતું કે લોકો અચંબિત થઈ ગયા હતાં અને અમને જોઈતી અસર પણ થઈ હતી, તાળીઓના ગડગડાટથી ડિમ્પલ પણ કદાચ વધારે ઉત્સાહિત થઈ ગઈ હતી અને એજ ઉત્સાહમાં એના હાથમાંથી સાપ છૂટી ગયો. જ્યારે ડિમ્પલે સાપ પકડીને હાથ ઊંચો કર્યો તો સાપની જે નેચરલ મૂવમેન્ટ થઈ અને જે રીતે તે ડિમ્પલના હાથ ફરતે વીંટળાયો તે જોઈને કેટલાક પ્રેક્ષકોના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. નિલેશ મહેતાએ પણ સુંદર લાઇટ્સ કરી હતી જેને કારણે દૃશ્ય જબરજસ્ત લાગતું હતું. મઝાની વાત તો હવે થઈ,  વિંગમાં સપેરો સાપની ટોકરી તૈયાર લઈને ઊભો હતો, ડિમ્પલ વિંગમાં આવી પણ તેના હાથમાંથી સાપ છૂટી ગયો હતો. અંધકારમાં નેપથ્યમાં દોડાદોડ મચી ગઇ, પણ જેમ કહેવાય છે કે “શો મસ્ટ ગો ઓન”, આગલો સીન ચાલુ થયો અને સ્ટેજ પર હતા જીતુ મ્હાત્રે અને તુષાર પંડ્યા. લગભગ સંવાદો જીતુના જ હતા અને દરેક સંવાદ બોલતી વખતે જીતુની નજર નીચે અચૂક જતી અને મનમાં શંકા રહેતી કે ક્યાંક સાંપ પગમાં ન આવી ચડે. માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ સાપ પકડાઈ ગયો અને બધાંના શ્વાસ હેઠા બેઠા… અને શો આગળ વધ્યો.

  • સંજય ભાટિયા

અને હું ધબાય નમ:

મે 1993માં અમારા નાટક “મારા ઘરમાં મારી સાળી”ના અમેરિકા ખાતેના એક શો દરમ્યાન આ બન્યું હતું. પડદો ઉઘડતાં હું પૂજાની થાળી લઈ ભગવાનને, આરતી કરતો ફરી રહ્યો હતો એની છેલ્લી પંક્તિ હતી “નિત્રયા ઘીનો દીવો કરી, શિરાપુરીનો થાળ ધરી, પ્રભુ રોજ વગાડું તારી ટોકરી, મને પર્ણાઓ એક…”  – ત્યાં જ છેલ્લી રૉમાંથી બે યુવાનો બોલ્યા “છોકરી” અને હું તરત જ બોલ્યો “આમાં મારો વારો ક્યારે આવે” અને પ્રેક્ષકોને મારો જવાબ ગમી ગયો અને તાળીઓથી વધાવી લીધો.

અમેરિકાની એ જ યાત્રા અને જૂન મહિનો, ડલાસમાં અમારો પ્રયોગ. મનીષા મહેતા મારી પત્નીનો રોલ કરતાં અને એના પર ગુસ્સે થતાં મારે  સ્ટેજ પર મૂકેલી ટીપોય પર બેસવાનું હતું અને બેસતા જ ટીપોયનો જાડો કાચ તૂટી ગયો અને હું અંદર ખૂંપી ગયો. પ્રેક્ષકો સમજી ગયા કે આ જોગાનું જોગ છે અને બધા સ્તબ્ધ થઈ ગયા અને મેં પરિસ્થતિને ગંભીર થતાં બચાવી સંવાદમાં ઉમેરો કરી કહ્યું કે જો તારું નામ લેતા જ ભડાકા થવા લાગ્યા અને પ્રેક્ષકોમાં જબરદસ્ત હાસ્યના ભડાકા થઈ ગયા.

  • મહેશ ઉદ્દેશી

બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here