11 ઓક્ટોબર એટલે ભારતીય ફિલ્મોદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ. એક એવો કલાકાર જે ગમે તેટલી મુસીબતો આવવા છતાં ડગ્યો નથી પણ એમાંથી બહાર આવી પોતાની સ્થિ ઓર મજબૂત કરી છે. 1969થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં અનેક કલાકારો આવ્યા, લોકપ્રિયતાની ટોચે બિરાજ્યા અને ગુમનામ થઈ ગયા. પણ બચ્ચન છે કે 77મા વરસે પણ ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે અને એક યુવાન સ્ચાર્સને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી ફિલ્મો જાહેરખબર અને ટીવી કરતા જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો જેમાં અમિતાભ બચ્ચન એકદમ ટટ્ટાર અને ઝડપી ચાલે મુંબઈ ઍરપોર્ટમાં દાખલ થતા જોવા મળે છે. અનેક બિમારી હોવા છતાં કોઈ પણ જાતની ફરિયાદ વિના જે રીતે તેઓ એક પછી એક ફિલ્મો કરતા જાય છે એ આજની પેઢીના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

1969માં સાત હિન્દુસ્તાનીથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અમિતાભનો ઘૂટાયેલો અવાજ તેમના અભિનયને ચારચાંદ લગાવે છે. પરંતુ સાત હિન્દુસ્તાની બાદ કરેલી સુનીલ દત્તના અજંતા આર્ટ્સની બેનર હેઠળ બનેલી ફિલ્મ રેશ્મા ઔર શેરામાં અમિતાભે મૂગી વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ બાદ અમિતાભે એક પછી એક બાર-તેર ફ્લોપ ફિલ્મો પતા એમના પર ફ્લોપ અભિનેતાનું લેબલ લાગી ગયું. જ્યારે 1971માં આવેલી હૃ।કેશ મુખર્જીની ફિલ્મ આનંદે જ્યુબિલી ઉજવી હોવા છતાં એની ક્રેડિટ રાજેશ ખન્નાને મળી હતી. જોકે 1973માં આવેલી ઝંઝીર ફિલ્મો અમિતાભની દિશા અને દશા બદલી નાખી. ઝંઝીર ફિલ્મો બૉલિવુડને ઍક્શન હીરો આપવાની સાથે એક એવા કલાકારને નવજીવન આપ્યું જે ભવિષ્યમાં અનેક કીર્તિમાન સ્થાપિત કરવાનો હતો. હકીકતમાં ઝંઝીર ફિલ્મ માટે પ્રકાશ મહેરા ધર્મેન્દ્ર, દેવ આનંદ સહિતના એ સમયના ટોચના કલાકાર લેવા માંગતા હતા. પરંતુ દરેક કલાકારે કોઈને કોઈ કારમસર ફિલ્મ નકારી દીધી. ત્યારે ઝંઝીરના લેખકો સલીમ જાવેદે અમિતાભના નામની ભલામણ કરી અને એ પછીનો ઇતિહાસ જગજાહેર છે. ઝંઝીર ફિલ્મ જોયા બાદ ફિલ્મમાં શેરખાનનું અમર પાત્ર ભજવનાર પ્રાણે આગાહી કરી હતી કે બૉલિવુડમાં એક નવા સુપરસ્ટારની એન્ટ્રી થઈ રહી છે.

ઝંઝીર બાદ એક પછી એક સુપરડુપર હિટ ફિલ્મો આપનાર અમિતાભે પોતાના નામથી એક કંપની ખોલી. એબીસીએલ હેઠળ અનેક ઇવેન્ટ કરી પણ તમામમાં અભિનેતાએ પૈસા ગુમાવવા પડ્યા. એમાંય મિસ વર્લ્ડના આયોજને એબીસીએલની કમર ભાંગી નાખી. કંપનીએ તો દેવાળું ફૂક્યું એ સાથે અમિતાભને ય દેવાના ડુંગર નીચે ધરબી દીધો. દેવાળિયા થઈ ગયેલા અમિતાભનો બંગલો પણ જપ્ત થઈ ગયો. જોકે હિમત હાર્યા વિના પરિસ્થિતિનો સામનો કરી રહેલા અમિતાભે એ સમયગાળા દરમ્યાન નિર્માતા પાસે કામ માગવામાં પણ છોછ અનુભવ્યો નહોતો. અમિતાભે ખુદ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ઘર પાસે ચોપરા સાબ રહેતા હતા અને તેમના ઘરે જઈ કહ્યું હતું કે હાલ મારી પાસે કોઈ કામ નથી અને મારે ફિલ્મોમાં અભિનય કરવો છે.

અમિતાભને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢનાર કાર્યક્રમ હતો કૌન બનેગા કરોડપતિ. આ રિયાલિટી શોને કારણે અમિતાભ દેવાના બોજ હેઠળથી બહાર નીકળી શક્યો. એટલું જ નહીં, નવી પેઢીને પણ અમિતાભના નામથી પરિચીત થઈ. જોકે ખરાબ સમયગાળો ચાલતો હતો ત્યારે અમિતાભે ડેવિડ ધવનની કૉમેડી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પણ સ્વીકારી હતી. ત્યાર બાદ તો એક પછી એક સફળ ફિલ્મો આપવાની સાથે બીજી ઇનિંગમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી દીધો. આજે તેમની સાથેના કલાકારો નિવૃત્ત થઈ ગયા છે કે ગુમનામીમાં જીવી રહ્યા છે ત્યારે જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવનાર અમિતાભ બચ્ચન પાસે આરામ કરવા માટે સમય નથી.

અમિતાભ બચ્ચનની ફિલ્મી કરિયર જે ફિલ્મથી ઉંચકાઈ એ ઝંઝીરના અમિતાભના પાત્રનું નામ હતું ઇન્સ્પેક્ટર વિજય ખન્ના. આ નામે અમિતાભને ફિલ્મી કરિયરમાં એવો એસ્ટાબ્લિશ કરી દીધો કે એના પછી આવેલી અનેક ફિલ્મોમાં અમિતાભના પા6નું નામ વિજય રાખવામાં આવતું. જાણે એક સિક્કો લાગી ગયો હતો કે ફિલ્મમાં અમિતાભનું નામ વિજય હોય તો એ સુપરહિટ થશે જ. નામની વાત નીકળી છે તો આપને જાણ કરી દઈએ કે હરિવંશ રાય બચ્ચને તેમના પનોતા પુત્રનું નામ આઝાદીની લડત પૂરજોશમાં ચાલી રહી હોવાથી ઇન્કિલાબ રાખ્યું હતું. પરંતુ સાહિત્યકાર સુમિત્રાનંદન પંતે અમિતાભ નામ રાખ્યું અને આજે એ નામેજ વિશ્વવિખ્યાત છે. અમિતાભના નામનો અર્થ છે જેનો ક્યારેય અંત ન આવે એવો. હા, તો આપણે વાત કરતા હતા અમિતાભના ફિલ્મી નામની. તો ચાલો જોઇએ અમિતાભની વિજય નામવાળી ફિલ્મોની એક ઝલક.

ઇન્સ્પેક્ટર વિજય ખન્ના – ઝંઝીર (1979)

હકીકતમાં ઝંઝીરની ઑફર ધર્મેન્દ્રને કરવામાં આવી હતી પરંતુ તારીખનો મેળ પડતો હોવાથી ધર્મેન્દ્રએ ના પાડી. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કલાકારની શોધ કરી રહ્યા હતા ત્યારે સલીમ જાવેદે અમિતાભના નામની ભલામણ કરી અને આ ફિલ્મે ઇન્ડસ્ટ્રીને એન્ગ્રી યંગ મેનનું બિરૂદ અપાવ્યું.

વિજય – રોટી કપડા ઔર મકાન (1974)

જીવનની ત્રણ મુખ્ય જરૂરિયાત રોટી (ભોજન), કપડા અને મકાન માટે સ્ટ્રગલ કરતા લોકોની વાતત મનોજકુમારે ફિલ્મમાં વર્ણવી હતી. ફિલ્મમાં મોટોભાઈ જીવન જરૂરિયાતની સામાન્ય ચીજો પણ પૂરી પાડી શકતો ન હોવાથી નાનો ભાઈ બનતો વિજય (અમિતાભ) ગુનાની દુનિયામાં એન્ટ્રી કરે છે અને આડા રસ્તે પૈસા કમાય છે.

વિજય વર્મા – દીવાર (1975)

બે ભાઇઓ રવિ અને વિજય તેમની કરિયર માટે અલગ અલગ રસ્તા અપનાવે છે. એક સારૂ જિંદગી જીવવાના આશયથી પોલીસ ઑફિસરની નોકરી સ્વીકારે છે. જ્યારે વિજય અંડરવર્લ્ડ ડૉન બને છે. ફિલ્મનું વિજયનું પાત્ર મુંબઈના જાણીતા દાણચોર હાજી મસ્તાનને મળતું આવે છે.

વિજય – હેરાફેરી (1976)

અમિતાભ બચ્ચન જ્યારે એન્ગ્રી યંગ મેનની ખ્યાતિ ધરાવતો હતો ત્યારે આ ફિલ્મમાં કૉમેડી કરી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને અસરાનીની કૉમિક ટાઇમિંગ જબરજસ્ત હતી.

વિજય – ડૉન (1978)

સિત્તેરના દાયકામાં આવેલી બેસ્ટ થ્રિલર ફિલ્મમાં ડૉનની ગણતરી થાય છે. આજે પણ અમિતાભનો અભિનય અને એનાં ગીતો લોકપ્રિય છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે.

વિજય કુમાર – ત્રિશૂલ (1978)

વિજય એની માતાને થયેલા અન્યાનો બદલો લેવા એના પિતા (સંજીવકુમાર) સામે જંગે ચઢે છે. સંજીવકુમાર બિઝનેસ મેન છે અને અમિતાભ પણ ધંધો શરૂ કરે છે અને બદલો વા પિતાને બરબાદ કરે છે.

ઇન્સ્પેક્ટર વિજય – ધગ્રેટ ગેમ્બલર (1979)

ફિલ્મની વાર્તા એના સમય કરતા ઘણી આગળ હોવાથી દર્શકો એને પચાવી શક્યા નહોતા. પણ અમિતાભે સહજતાથી ગેંગસ્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી જાણી છે.

કેપ્ટન વિજય પાલ સિંઘ – કાલા પત્થર (1979)

એક સમયે ડરપોક તરીકે જાણીતો વિજય પાલ સિંઘ કોલસાની ખાણમાં કામ કરવાની શરૂઆત કરે છે. અકસ્માતે ખાણમાં ફસાયેલા 400 કામદારોને વિજય અન્યોની સહાયથી લડત આપવાની હિંમત આપે છે અને તેમને બહાર કાઢવાની જવાબદારી પાર પાડે છે.

વિજય – દો ઔર દો પાંચ (1980)

અમિતાભ – શશી કપૂરની આ ફિલ્મમાં કૉમેડીનું જબરજસ્ત કોમ્બિનેશન જોવા મળે છે. બંને ધુતારાનું પાત્ર ભજવે છે અને મોટી રકમ પડાવવા કરોડપતિ બાપના દીકરાના અપહરણની કોશિશ કરે છે.

વિજય વર્મા – દોસ્તાના (1980)

બાળપણના બે મિત્રોની વાત આલેખતી ફિલ્મમાં દાગા નામનો સ્થાનિક દુશ્મન બંનેના સંબંધમાં ઝેર ઘોળે છે. વાર્તામાં ખાસ નવીનતા નહોતી પણ સ્ટાર વેલ્યુની સાથે ફિલ્મનાં ગીતોએ બૉક્સ ઑફિસ છલકાવી હતી.

વિજય કુમાર – શાન (1980)

ફિલ્મમાં કુલભૂષણ ખરબંદાનો અભિનય પુષ્કળ વખણાયો હતો. વાર્તા બે ભાઇઓ રવિ અને વિજયની વાત છે જેઓમોટાભાઈની હત્યા કરાવનાર શાકાલ સામે બદલો લેવા જંગે ચઢે છે.

વિજય કુમાર – શક્તિ (1982)

પોલીસ ફોર્સના એક ઇમાનદાર અધિકારીને એમના ગુનેગાર પુત્રની ધરપકડ કરવાનું કામ સોંપવામાં આવે છે. પોલીસ અધિકારીએ નકકી કરવાનું છે કે એના ગુનેગાર પુત્રને જતો કરવો કે એને પકડી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવી. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ ધંધો કર્યો નહોતો.

વિજય – આખરી રાસ્તા (1986)

ડેવિડ, એક એવો વયોવૃદ્ધ કેદી છે જેણે ક્યારેય ગુનો કર્યો ન હોવા છતાં સજા ભોગવી રહ્યો છે. જીવનભર ખોટી રીતે જેલની સજા ભોગવી હોવાથી એ પાછા ફર્યા બાદ ત્રણ જણની હત્યા કરવાની યોજના બનાવે છે.ફિલ્મનું ટાઇટલ અગાઉ કૈદી કી ડાયરી રખાયું હતું.

ઇન્સ્પેક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ – શહેનશાહ (1988)

એક ભ્રષ્ટ પોલીસ અધિકારી વિજય કુમાર દિવસે ભ્રષ્ટાચાર કરતો હોય છે તો રાત્રે શહેનશાહ બની ખોટું કરનારા અને ભ્રષ્ટ લોકોને સજા કરતો હોય છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર અગાઉ જેકી શ્રોફને ઑફર કરાયું હતું.

વિજય દીનાનાથ ચૌહાણ – અગ્નિપથ (1990)

માસ્ટર દીનાનાથ (આલોકનાથ)ને સ્થાનિક ડૉનની ચડામણીથી ગામવાસીઓ દીનાનાથની હત્યા કરે છે. વિજય એના પિતાના ખૂનીઓનો બદલો લેવા ગેંગસ્ટર બને છે. અગાઉ અમિતાભની એના અવાજ માટે ટીકા કરાતી હતી પણ એનો ડાયલોગ જે અવાજમાં ડિલિવર કર્યો એ આજે પણ પોપ્યુલર છે.

ઇન્સ્પેક્ટર વિજય વર્મા – અકેલા (1991)

આ ફિલ્મમાં મિતાભ બચ્ચન અને રમેશ સિપ્પી લગભગ એક દાયકા બાદ ફરી ભેગા થયા હતા.

વિજય કપૂર – એક રિશ્તા (2001)

શરૂઐતમાં દિગ્દર્શક સુનીરલ દર્શન ફિલ્મને થ્રિલર બનાવવા માંગતા હતા પણ આખરે ફૅમિલી ડ્રામા બનાવી જે તેમના પોતાના જીવન પર આધારિત હતી. અમિતાભ બચ્ચને સફળ બિઝનેસ મેનની ભૂમિકા ભજવી હતી.

વિજય સિંઘ રાજપુત – આંખે (2002)

વિજય ધૂની સ્વભાવનો બેન્ક મેનેજર છે. એટલું જ નહીં, કડક સ્વભાવનો હોવાથી દરેક કર્મચારીને ભૂલ થયે સજા કરતો હોય છે. આખરે મેનેજમેન્ટ વિજને નોકરી છોડી દેવા કહે છે. આથી બંન્ક સંચાલકો સામે બદલો લેવા વિજય ત્રણ અંધ વ્યક્તિને એની બેન્કને લૂટવા ભાડેથી લે છે.

ઠાકુર વિજય સિંઘ – ગંગા (2006)

અમિતાભની આ પહેલી ભોજપુરી ફિલ્મ હતી જેની એક સાથે સો પ્રિન્ટ કાઢવામાં આવી હતી. ફિલ્મમાં અમિતાભ જમીનદારનું પાત્ર ભજવે છે.

વિજય – નિશબ્દ (2007)

વિજય નામની આધેડ વ્યક્તિની વાત છે જે એની પુત્રીની બહેનપણીના પ્રેમમાં પડે છે. અમિતાભે એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મની પ્રેરણા વ્લાદિમીર નાબકોવની નોવેલ લોલિતા પરથી લીધી હતી.

વિજય હર્ષવર્ધન મલિક – રણ (2010)

અમિતાભ બચ્ચન એક મોટા મીડિયા હાઉસને ચલાવે છે જેની ચૅનલ પર સત્ય અને પ્રમાણિક સમાચારો આપવામાં માને છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે ટીઆરપી વધારવા મીડિયા હાઉસ કેવી રીતે સમાચાર સાથે ખિલવાડ કરતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here